Money9: જો તમે પણ તમારું જૂનું મકાન વેચીને નવું ઘર ખરીદી રહ્યા છો તો તમારે ટેક્સની અસરોને સમજી લેવી જોઇએ. ઘર વેચવાથી થયેલા નફા એટલે કે કેપિટલ ગેઇન પર બે રીતે ટેક્સ લાગે છે. જો મકાન 2 વર્ષ કે તેથી વધુ સમય માટે પોતાની પાસે રાખ્યા પછી વેચવામાં આવે, તો તેને લોંગ ટર્મ કેપિટલ ગેઇન તરીકે ગણવામાં આવશે. કેપિટલ ગેઇનની રકમ પર ઈન્ડેક્સેશન લાભ પછી 20%નો ટેક્સ લાગશે… જ્યારે, 24 મહિના પહેલા મકાનને વેચવાથી થયેલા લાભને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન માનવામાં આવશે. આ નફો વ્યક્તિની નિયમિત આવકમાં ઉમેરવામાં આવશે અને ટેક્સ સ્લેબ અનુસાર ટેક્સ ભરવાનો રહેશે…
કેવી રીતે બચશે ટેક્સ
હવે જાણીએ કે ક્યારે અને કેવી રીતે બચશે ટેક્સ… ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 54 જૂનું મકાન વેચીને તેનાથી થતી આવકમાંથી બીજું મકાન ખરીદવા પર ટેક્સમાં રાહત આપે છે… આ લાભ માત્ર લોંગ ટર્મ કેપિટલ ગેઇનના કિસ્સામાં જ મળે છે. આવકવેરા કાયદો માને છે કે આવા કિસ્સાઓમાં વેચનારનો ઉદ્દેશ્ય ઘર વેચીને કમાણી કરવાનો નથી પરંતુ પોતાના માટે યોગ્ય ઘર શોધવાનો છે…
આવકવેરા અધિનિયમની કલમ 54 માં સ્પષ્ટ છે કે કેપિટલ ગેઇનનો ઉપયોગ ફક્ત રહેણાંક મિલકતની ખરીદી અથવા બાંધકામ માટે જ થવો જોઈએ… એટલે કે, કોમર્શિયલ પ્રોપર્ટીની ખરીદી પર ટેક્સ છૂટ નહીં મળે. જમીનના કેસમાં, પ્લોટ ખરીદીને મકાનના બનાવવા પર કેપિટલ ગેઈન ટેક્સ જેટલી રકમ પર કર છૂટનો દાવો કરી શકાય છે… જો કે માત્ર જમીનની ખરીદી પર ટેક્સ છૂટ નહીં મળે.
કલમ 54 હેઠળ, કર મુક્તિ મેળવવા માટે જૂની મિલકતની ટ્રાન્સફરની તારીખથી 2 વર્ષની અંદર નવું મકાન ખરીદવું પડશે… જ્યારે બાંધકામના કિસ્સામાં, મકાન ત્રણ વર્ષમાં બની જવું જોઈએ… જો તમે નવું ઘર જુની પ્રોપર્ટી વેચવાના એક વર્ષ પહેલા પણ ખરીદો છો, તો તમે છૂટનો લાભ લઈ શકો છો…
નિયમો શું કહે છે?
ટેક્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ બલવંત જૈન જણાવે છે કે રહેણાંક મિલકતના વેચાણ પર થયેલા લોંગ ટર્મ કેપિટલ ગેઇનને બીજી મિલકતમાં પુનઃરોકાણ કરવાથી કલમ 54 હેઠળ કર મુક્તિ મળે છે… એક મિલકતના નફામાંથી બે રહેણાંક મિલકતો ખરીદવામાં કે બાંધવામાં આવે તો ફક્ત એક જ પ્રોપર્ટી પર છૂટનો લાભ લઇ શકાય છે. જો કે, તેમાં એક અપવાદ પણ છે, જીવનમાં ફક્ત એકવાર પ્રોપર્ટીથી થયેલા કેપિટલ ગેઇનથી બે પ્રોપર્ટી ખરીદી શકાય છે. પરંતુ શરત એટલી કે કેપિટલ ગેઇન 2 કરોડથી વધુનો ન હોય.
જૈન કહે છે કે જો તમે ઘર ખરીદવા માંગતા હોવ અને ITR ફાઇલ કરવાની તારીખ સુધી કેપિટલ ગેઇનના પૈસાનો ઉપયોગ નથી કરી શકતા તો તે પૈસાને કેપિટલ ગેઇન એકાઉન્ટ સ્કીમ એટલે કે CGAS હેઠળ બેંકમાં જમા કરાવવાના રહેશે..આમ નહીં કરો તો ટેક્સ ચૂકવવો પડશે. અહીં ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે કેપિટલ ગેઇન એકાઉન્ટમાં પૈસા રાખવા છતાં તમારે બે વર્ષમાં રહેણાંક મિલકત ખરીદવી પડશે અથવા ત્રણ વર્ષમાં બાંધકામ કરવું પડશે, નહીં તો નિયત સમયગાળાના અંતે લોંગ ટર્મ કેપિટલ ટેક્સ ચૂકવવો પડશે…
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો