Money9 Gujarati:
દિવાળીના તહેવારોની સીઝનમાં લોકો મન મૂકીને ખરીદી કરે છે. કંપનીઓ પણ આખા વર્ષનું મહત્તમ વેચાણ આ તહેવારોમાં નોંધાવે છે. લોકો કપડાંથી લઈને ઈલેક્ટ્રોનિક માલસામાન અને વાહનોથી લઈને ઘરવખરીની ધૂમ ખરીદી કરે છે, પરંતુ આ વખતના તહેવારોમાં ખરીદીમાં વ્યાપક પરિવર્તન જોવા મળ્યું છે. દેશનાં કેટલાક રાજ્યોમાં ખરીદી માટે ઉત્સાહનો અભાવ જોવા મળ્યો છે જ્યારે ગુજરાત જેવા રાજ્યોમાં માંગ અને વેચાણ બંનેમાં વધારો થયો છે. ભારતીય બજાર ધીમે ધીમે માસ માર્કેટમાંથી ક્લાસ માર્કેટમાં તબદીલ થઈ રહ્યું છે. ગ્રાહકોની મહત્ત્વાકાંક્ષા વધવાથી તહેવારોમાં પ્રીમિયમ પ્રોડક્ટ્સનું આકર્ષણ જોવા મળ્યું છે. મુંબઈ, દિલ્હી જેવા મહાનગર કરતાં કોચી, પૂણે, જયપુર, લુધિયાણા, રાજકોટ જેવા નાના શહેરોમાં બ્રાન્ડેડ પ્રોડક્ટ્સની માંગ વધી છે.
એપેરલ
એપેરલ કંપનીઓના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, અમુક બ્રાન્ડ્સને બાદ કરતાં બાકીની બ્રાન્ડ્સનું વેચાણ મિશ્ર રહ્યું છે. નોન-બ્રાન્ડેડ કપડાંની માંગ ખાસ વધી નથી. નાના-નાના શહેરોમાં બ્રાન્ડેડ કપડાંની માંગમાં વધારો થયો છે. બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોમાં અમુક બ્રાન્ડ્સના કપડાંનું વેચાણ વધ્યું છે. મુંબઈ, દિલ્હી જેવા મહાનગરોની સરખામણીએ નાના શહેરોમાં બ્રાન્ડેડ કપડાંનાં વેચાણમાં તેજી જોવા મળી છે.
Business Standardના રિપોર્ટમાં Pepe Jeansના MD & CEO મનીષ કપૂરને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, “નવેમ્બરનું પ્રથમ પખવાડિયું વેચાણ માટે સારું રહ્યું છે. વેલ્યુમાં અમે 13 ટકા વૃદ્ધિ કરી છે જ્યારે વોલ્યૂમ સેલ્સ પણ લગભગ આટલું જ વધ્યું છે.”
પુરુષોનાં કપડાંની બ્રાન્ડ Celioના CEO સત્યેન મોમાયા જણાવે છે કે, “આ વખતની દિવાળીમાં અમારા વેચાણમાં એક અંકમાં વૃદ્ધિ થઈ છે. અમારું વેચાણ અપેક્ષા મુજબ વધ્યું નથી. ઉત્તર ભારત અને ગુજરાતને બાદ કરતાં પશ્ચિમ ભારતના રાજ્યોમાં વેચાણ ખાસ વધ્યું નથી. દક્ષિણનાં અને પૂર્વનાં રાજ્યોમાં વેચાણ થોડું સારું રહ્યું છે.”
ઈલેક્ટ્રોનિક આઈટમ
તહેવારોમાં મોબાઈલ, લેપટોપ અને એર કન્ડીશનર જેવી ટકાઉ ચીજવસ્તુઓની માંગમાં વધારો નોંધાયો છે. નાના અને બીજી તથા ત્રીજી શ્રેણીનાં શહેરોમાં પ્રીમિયમ વસ્તુની માંગ વધી છે. 15,000થી ઓછી કિંમતના મોબાઈલ કરતાં 20,000થી 30,000 રૂપિયા કરતાં વધુ કિંમતના પ્રીમિયમ મોબાઈલ ફોનની માંગ વધારે રહી છે. અમુક કેટેગરીના કન્ઝ્યુમર ડ્યુરેબલ્સનું વેચાણ બે અંકમાં વધ્યું છે અને પ્રીમિયમ પ્રોડક્ટ્સની ડિમાન્ડ કંપનીઓની ધારણા કરતાં વધારે રહી છે.
કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ એન્ડ એપ્લાયન્સિસ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (CEAMA)એ ચાલુ ફેસ્ટિવલ સીઝનમાં વેચાણ 20 ટકા વધવાનો અંદાજ મૂક્યો છે. CEAMAના પ્રમુખ એરિક બ્રેગેન્ઝાએ જણાવ્યું છે કે, “આ વખતે દિવાળીમાં અમારા ઉદ્યોગને સારું વેચાણ થવાની આશા હતી અને ઉદ્યોગ ખુશ છે. મિડ અને પ્રીમિયમ સેગમેન્ટનું પ્રદર્શન સારું રહ્યું છે. વર્લ્ડ કપને કારણે ટેલીવિઝનનું વેચાણ પણ વધ્યું છે.”
એસી બ્રાન્ડ ડાઈકિનના વેચાણમાં ચાલુ વર્ષે અંદાજ કરતાં વધારે વેચાણ થયું છે. કંપનીને અંદાજ હતો કે, આ વખતે વેચાણ ગયા વર્ષ કરતાં 12થી 15 ટકા વધશે, પરંતુ વેચાણમાં 15-20 ટકા વૃદ્ધિ થઈ છે. Daikin Indiaના MD અને CEO કંવલજીત જાવા કહે છે કે, “કમોસમી હવામાનને કારણે આ વખતે એપ્રિલ-જૂન દરમિયાન અમારા વેચાણ પર અસર પડી હતી, પરંતુ બાદમાં તહેવારોને કારણે રિકવરી આવી હતી અને અમારા અંદાજ કરતાં પણ સારું વેચાણ થયું હતું.”
ઈલેક્ટ્રોનિક આઈટમ્સનું વેચાણ કરતી રિટેલ ચેઈન વિજય સેલ્સનું વેચાણ ગયા વર્ષના ફેસ્ટિવલ સીઝન કરતાં 15 ટકા વધારે રહ્યું છે. કંપનીના તમામ શોરૂમમાં એસી, મોબાઈલ અને લેપટોપના વેચાણમાં વધારો થયો છે. આ વખતના તહેવારોમાં આ ત્રણેય કેટેગરીમાં 35 ટકાથી 40 ટકા વેચાણ વૃદ્ધિ થઈ છે, પરંતુ ટીવી અને ફ્રીજના વેચાણમાં વૃદ્ધિદર 10 ટકાની નીચે રહ્યો છે. Vijay Salesના MD નિલેશ ગુપ્તા કહે છે કે, આ વખતના તહેવારોમાં એકંદર ટર્નઓવર સારું રહ્યું છે. અન્ય કેટેગરીની તુલનાએ ડિજિટલ આઈટમ્સનું વેચાણ વધ્યું છે જ્યારે વોશિંગ મશીનના વેચાણમાં ખાસ ઉછાળો આવ્યો નથી.
ઓટોમોબાઈલ્સ
કારનું વેચાણ રેકોર્ડ બ્રેક રહ્યું છે. લોકોએ SUV માટે પડાપડી કરી છે જ્યારે નાની ગાડીઓની માંગમાં મોટું ગાબડું પડ્યું છે. 10 લાખથી ઓછી કિંમતવાળી ગાડીઓની માંગ સુસ્ત રહી છે જ્યારે 12-20 લાખની ગાડીઓની ડિમાન્ડમાં જોરદાર ઉછાળો આવ્યો છે. ગ્રાહકો વધુ પ્રીમિયમ અને ફીચર ધરાવતી કાર ખરીદવા માંગે છે, આથી મોંઘી ગાડીઓનું વેચાણ વધ્યું છે. કારની એવરેજ સેલિંગ પ્રાઈસ પણ 8 લાખ રૂપિયાથી વધીને 12 લાખ રૂપિયાએ પહોંચી છે. બાઈક અને સ્કૂટરનું વેચાણ પણ વધ્યું છે. ચોમાસાની સીઝન પૂરી થવાથી ગામડાંમાં પણ ટુ-વ્હીલરની માંગ જોવા મળી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો