Money9 Gujarati:
ઘરની માંગ સતત વધી રહી છે. દેશનાં 8 મુખ્ય શહેરમાં ઘરનું વેચાણ 12 ટકા વધ્યું છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 8 મુખ્ય શહેરમાં ઘરનું વેચાણ વાર્ષિક ધોરણે 12 ટકા વધીને 82,612 યુનિટ નોંધાયું છે. ત્રિમાસિક ધોરણે વેચાણમાં 7 ટકા વધારો નોંધાયો છે. આ વેચાણ છેલ્લાં 6 વર્ષના ત્રિમાસિક વેચાણમાં સૌથી વધારે છે. નાઈટ ફ્રેન્કના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, સપ્ટેમ્બર 2022 ક્વાર્ટરમાં 8 શહેરોમાં રેસિડેન્સિયલ યુનિટનું વેચાણ 73,691 યુનિટ નોંધાયું હતું. તહેવારોની સીઝન હોવાથી ચોથા ક્વાર્ટરમાં પણ દેશનાં મુખ્ય શહેરોમાં ઘરનું વેચાણ વધવાનો અંદાજ છે.
નાઈટ ફ્રેન્ક દ્વારા 4 ઓક્ટોબરે જાહેર થયેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, હોમ લોનના રેટ વધવા છતાં હાઉસિંગ ડિમાન્ડ મજબૂત સ્તરે જળવાઈ રહી છે. વેચાણનો આ આંકડો એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કારણ કે ત્રિમાસિક વેચાણ છેલ્લાં 6 વર્ષના સૌથી ઊંચા સ્તરે પહોંચ્યું છે.
અમદાવાદમાં વેચાણ
અમદાવાદમાં વેચાણ 6 ટકા વધીને 4,108 યુનિટ થયું છે. અમદાવાદમાં 2022ના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 3,887 ઘર વેચાયા હતા. અમદાવાદનું પ્રોપર્ટી માર્કેટ તેજીમાં છે. 1 Bhkથી લઈને 4 અને 5 Bhkની ઢગલો સ્કીમ્સ લૉન્ચ થઈ રહી છે. જુલાઈ-સપ્ટેમ્બર 2023 દરમિયાન, અમદાવાદમાં 5,996 ઘર લૉન્ચ થયા હોવાનું નાઈટ ફ્રેન્કના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. 2023ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અમદાવાદમાં 5,349 ઘર લૉન્ચ થયા હતા, જેની સામે 4,225 ઘરનું વેચાણ થયું હતું. બીજા ક્વાર્ટરમાં (એપ્રિલ-જૂન 2023) 5,207 ઘર લૉન્ચ થયા હતા અને 3,757 ઘર વેચાયા હતા. ત્રીજા ક્વાર્ટરમાં 5,996 ઘર લૉન્ચ થયા હતા અને 4,108 ઘરનું વેચાણ થયું હતું.
મુંબઈમાં વેચાયા 22,000થી પણ વધારે ઘર
રિપોર્ટના આંકડા દર્શાવે છે કે, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મુંબઈમાં સૌથી વધુ 22,308 યુનિટ વેચાયા હતા, જે એક વર્ષ અગાઉના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વેચાયેલા 21,450 યુનિટની સરખામણીએ 4 ટકા વધારે છે. દિલ્હી-NCRમાં રેસિડેન્સિયલ યુનિટનું વેચાણ 11,014 યુનિટ હતું, જે વાર્ષિક ધોરણે 27 ટકા વધારો દર્શાવે છે. 2022ના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દિલ્હી-NCRમાં 13,981 યુનિટ વેચાયા હતા. બેંગાલુરુમાં વેચાણ મામૂલી વધીને 13,169 યુનિટ થયું છે જ્યારે પૂણેમાં વેચાણ 20 ટકા વધીને 13,079 યુનિટ થયું છે. હૈદરાબાદમાં ઘરનું વેચાણ 5 ટકા વધીને 8,325 યુનિટ થયું છે.
2023માં ઘરનું વેચાણ રેકોર્ડ બ્રેક રહેવાનો અંદાજ છે. ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં દેશભરમાં 1.5 લાખથી પણ વધારે ઘર વેચાયા છે અને બીજા છ મહિનામાં 1.70 લાખથી વધુ ઘર વેચાવાની શક્યતા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો