Money9 Gujarati:
કોરોના પછી મકાનોની કિંમતમાં સતત વધારો થયો છે. શહેરોમાં વસવાટ કરવાનું મોંઘું થઈ ગયું છે. મકાનોના ભાવ વધવાની સાથે ભાડાંમાં પણ વધારો થયો છે. ઓછામાં પૂરું હોમ લોનના રેટ પણ વધી ગયા છે. આમ સામાન્ય માણસ માટે મકાન ખરીદવાનો ખર્ચ વધી ગયો છે, પરંતુ સામે તેની આવકમાં આટલી વૃદ્ધિ થઈ નથી. દેશનાં 7 મુખ્ય શહેરમાં છેલ્લાં 3 વર્ષમાં મકાનની સરેરાશ કિંમત 33 ટકા સુધી વધી હોવાનું એક રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
દેશના ટોચનાં 7 શહેરના મુખ્ય બજારોમાં મકાનોની સરેરાશ કિંમતમાં વધારો થયો છે. ANAROCKના તાજા ડેટા અનુસાર, ઓક્ટોબર 2020 અને ઓક્ટોબર 2023 વચ્ચેના સમયગાળા દરમિયાન, દેશના ટોચનાં 7 શહેરના મુખ્ય વિસ્તારોમાં ઘરની સરેરાશ કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે. હૈદરાબાદના કેટલાક વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન ઘરની સરેરાશ કિંમતમાં સૌથી વધુ 33 ટકાનો વધારો નોંધાયો છે, ત્યારબાદ કોંડાપુરમાં 31 ટકાનો ભાવ વધારો જોવા મળ્યો છે.
ઓક્ટોબર 2023માં હૈદરાબાદના ગચીબાઓલી (Gachibowli) વિસ્તારમાં મકાનોની સરેરાશ કિંમત 6,355 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ હતી, જ્યારે ઓક્ટોબર 2020માં સરેરાશ કિંમત 4,790 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ હતી. હૈદરાબાદના કોંડાપુર વિસ્તારમાં ઓક્ટોબર 2023માં ઘરોની સરેરાશ કિંમત 6,090 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ હતી, જ્યારે ઓક્ટોબર 2020માં સરેરાશ કિંમત 4,650 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ હતી.
ANAROCKના ડેટા અનુસાર, ઓક્ટોબર 2020થી ઓક્ટોબર 2023 સુધીમાં બેંગલુરુના વ્હાઇટફિલ્ડ વિસ્તારમાં મકાનોની સરેરાશ કિંમતમાં 29 ટકાનો વધારો થયો છે. ઑક્ટોબર 2020માં, આ વિસ્તારમાં મકાનોની સરેરાશ કિંમત 4,900 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ હતી, જ્યારે ઑક્ટોબર 2023માં કિંમત વધીને 6,325 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ થઈ ગઈ હતી. ઓક્ટોબર 2020-ઓક્ટોબર 2023ના સમયગાળામાં MMR અને NCRમાં સરેરાશ 13 થી 27 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન, NCRના ગ્રેટર નોઈડા પશ્ચિમમાં, મકાનોની સરેરાશ કિંમતમાં 27 ટકા અને MMRના લોઅર પરેલ વિસ્તારમાં, મકાનોની સરેરાશ કિંમતમાં 21 ટકાનો વધારો થયો છે.
ANAROCKના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, છેલ્લાં 3 વર્ષમાં પૂણેના વાઘોલી વિસ્તારમાં ઘરની કિંમત પ્રતિ ચોરસ ફૂટ 25 ટકા જ્યારે હિંજેવાડીમાં 22 ટકા અને વાકડમાં 19 ટકા વધારો નોંધાયો છે.
NCRમાં દ્વારકા એક્સપ્રેસવે વિસ્તારમાં ઘરની સરેરાશ કિંમત 20 ટકા વધી હતી. કોલકાતામાં 13 ટકાથી 19 ટકાનો વધારો થયો હતો જ્યારે ચેન્નાઈમાં 15 ટકાથી 19 ટકા વધારો નોંધાયો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો