Money9 Gujarati:
શેરબજારના રોકાણકારો પૈસા તૈયાર રાખજો, કારણ કે, અનેક કંપનીના IPO આવી રહ્યાં છે. મેઈન માર્કેટની સાથે સાથે પ્રાઈમરી માર્કેટ તેમજ SME માર્કેટમાં તેજીવાળાએ જમાવટ કરી છે. રોકાણકારોમાં ઉત્સાહ છે અને કંપનીઓ આ તેજીનો લાભ લઈને ધડાધડ IPO લૉન્ચ કરી રહી છે. જુલાઈમાં ચાર કંપનીના IPO બાદ ઓગસ્ટ મહિનામાં પણ 8થી 10 IPO લાઈનમાં છે. આ IPO દ્વારા કંપનીઓ લગભગ 8,000 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે.
SBFC ફાઇનાન્સ SBFC ફાઇનાન્સનો IPO 3 ઓગસ્ટે ખુલ્યો છે અને બીજા દિવસે તે 3.61 ગણો ભરાઇ ગયો છે. તેમાં સબ્સક્રિપ્શનની છેલ્લી તારીખ 7 ઓગસ્ટ છે. IPOમાં રિટેલ કેટેગરી પ્રથમ દિવસે 3.67 ગણી છલગાઈ ગઈ હતી જ્યારે QIB માત્ર 52 ટકા, NII 7.7 ગણી છલકાઈ હતી. અનલિસ્ટેડ માર્કેટમાં તેના શેર પર 38 ટકા પ્રીમિયમ બોલાઈ રહ્યું છે.
કોન્કોર્ડ બાયોટેક અમદાવાદની કોન્કોર્ડ બાયોટેકનો IPO 4 ઓગસ્ટે ખુલ્યો છે. તેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 8 ઓગસ્ટ છે. કંપનીએ પ્રાઈસ બેન્ડ રૂ. 705-741 રાખ્યો છે. રોકાણકારો ઓછામાં ઓછા 20 ઇક્વિટી શેર અને ત્યારબાદ 20 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકે છે. આ કંપનીમાં સ્વ. રાકેશ જુનજુનવાલાનું પણ રોકાણ છે. પ્રથમ દિવસે તેને 30 ટકા બિડ મળી છે, એટલે કે રોકાણકારોમાં ઓછો ઉત્સાહ છે. રૂ.1,551 કરોડનો આ IPO સંપૂર્ણપણે OFS (ઓફર ફોર સેલ) છે.
સાંગાણી હોસ્પિટલ્સ ગુજરાતની મલ્ટી-સ્પેશિયાલિટી હેલ્થકેર સર્વિસ પ્રોવાઈડર સાંગાણી હોસ્પિટલ્સ (Sangani Hospitals)નો SME IPO આજે 4 ઓગસ્ટે ખુલ્યો છે. તે આઠમી ઓગસ્ટ સુધી ખુલ્લો છે. પ્રાઇસ બેન્ડ રૂ.37થી રૂ.40 છે. એક લોટ 3,000 શેરનો છે, એટલે રિટેલ રોકાણકારે ઓછામાં ઓછા રૂ.1.20 લાખનું રોકાણ કરવું પડશે. સાંગાણી હોસ્પિટલના IPOનું કદ રૂ. 15.17 કરોડ છે. કંપનીએ IPO માટે બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) માટે 45 ટકા, રિટેલ રોકાણકારો માટે 45 ટકા અને સંસ્થાકીય રોકાણકારો માટે 10 ટકા ક્વોટા રાખ્યો છે. ગ્રે માર્કેટમાં રૂ. 1 પ્રીમિયમ બોલાઈ રહ્યું છે. NSE SMEમાં 17 ઓગસ્ટે તેના શેરનું લિસ્ટિંગ થશે.
મુંબઈ સ્થિત જ્યુપિટર લાઈફલાઈન હોસ્પિટલ્સ પણ ઓગસ્ટમાં રૂ.1,200 કરોડનો IPO લાવવાની છે. કંપનીના પ્રમોટર્સ તેમજ અન્ય રોકાણકારો 4.45 મિલિયન ઈક્વિટી શેર્સ વેચશે જ્યારે 615 કરોડ રૂપિયાના ફ્રેશ શેર્સ પણ ઈશ્યૂ કરવામાં આવશે.
ફાર્માસ્યુટિકલ કંપની ઈનોવા કૈપટૈબ પણ ચાલુ મહિને તેનો IPO લૉન્ચ કરે તેવી શક્યતા છે. આ IPOમાં 400 કરોડ રૂપિયાના ઈક્વિટી શેર્સ ઈશ્યૂ થશે તેમજ પ્રમોટર્સ અને રોકાણકારો 96 લાખ જેટલા શેર્સ વેચી શકે છે.
સોલાપુર સ્થિત બાલાજી સ્પેશિયાલિટી કેમિકલ્સ પણ 250 કરોડ રૂપિયાનો IPO લાવી રહી છે. કંપનીના પ્રમોટર્સ અને અન્ય ઈન્વેસ્ટર્સ IPOમાં 2.6 કરોડ સુધીના શેર્સ વેચી શકે છે. કંપની 250 કરોડ રૂપિયાના ફ્રેશ શેર્સ ઈશ્યૂ કરવા માંગે છે.
મુંબઈની નિર્માતા એરોફ્લેક્સ ઈન્ડસ્ટ્રીઝ તેના IPOમાં 160 કરોડ રૂપિયાના ફ્રેશ ઈક્વિટી શેર્સ ઈશ્યૂ કરશે. આ ઉપરાંત પ્રમોટર્સ અને અન્ય ઈન્વેસ્ટર્સ 1.75 કરોડ ઈક્વિટી શેર્સની OFS (ઓફર ફોર સેલ) લોન્ચ કરીને 350 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે.
જોધપુર સ્થિત વિષ્ણુ પ્રકાશ આર પંગલિયા IPO દ્વારા 300 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે.
TVS સપ્લાય ચેઈન સોલ્યુશન્સ પણ ઓગસ્ટ મહિનામાં IPO લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે.
જુલાઈમાં આવ્યા હતા 4 કંપનીના IPO
જુલાઈ મહિનામાં 4 કંપનીએ IPO દ્વારા માર્કેટમાંથી 2,213 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. આ કંપનીઓમાં ઉત્કર્ષ સ્મૉલ ફાયનાન્સનો 500 કરોડ રૂપિયાનો IPO સામેલ છે, જે 111 ગણો સબ્સક્રાઈબ થયો હતો. આ ઉપરાંત નેટવેબ ટેકનોલોજીસનો 631 કરોડ રૂપિયાનો IPO 91 ગણો સબ્સક્રાઈબ થયો હતો. સેન્કો ગોલ્ડનો 405 કરોડ રૂપિયાનો IPO 77 ગણો સબ્સક્રાઈબ થયો હતો. જોકે, પીકેઆઈ વેન્ચર્સે નબળો પ્રતિસાદ મળવાને લીધે તેનો IPO રદ કરી દીધો હતો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો