Money9 Gujarati:
દુનિયામાં ઓઈલનું ઉત્પાદન કરવામાં અગ્રસ્થાન ધરાવતા સાઉદી અરેબિયાએ ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાની આશા પર પાણી ફેરવી દીધું છે. સાઉદી અરેબિયાએ દૈનિક ઓઈલ પ્રોડક્શનમાં 10 લાખ બેરલનો સ્વૈચ્છિક કાપ છેક 2023ના અંત સુધી જાળવી રાખવાની જાહેરાત કરી છે. સાઉદીનો સાથ પુરાવ્યો છે રશિયાએ. રશિયાએ પણ ઉત્પાદનનો સ્વૈચ્છિક કાપ ડિસેમ્બર 2023 સુધી લંબાવ્યો છે. આ બંને દેશોના નિર્ણયને પગલે ક્રૂડ ઓઈલનો ભાવ 10 મહિનાની ટોચે પહોંચી ગયો છે. 5 સપ્ટેમ્બર, મંગળવારના રોજ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડનો ભાવ 2 ટકા વધીને 91 ડૉલરે પહોંચી ગયો હતો. આ ભાવ નવેમ્બર 2022 પછીનો સૌથી ઊંચો ભાવ છે. વિશ્વમાં ઓઈલનું ઉત્પાદન કરતા મુખ્ય દેશોના સમૂહ OPEC+ દ્વારા ઉત્પાદનમાં કાપનો જે નિર્ણય લેવામાં આવ્યો છે, તે ઉપરાંત સાઉદી અરેબિયા અને રશિયાએ કાપ મૂક્યો છે અને આથી તેને “સ્વૈચ્છિક” ગણાવવામાં આવે છે.
Alexander Novak: Russia will extend the reduction of oil exports until the end of the year.https://t.co/cY9OizUJaX#SPAGOV
— SPAENG (@Spa_Eng) September 5, 2023
ભારત પર અસર
સાઉદી અરેબિયાના ઉત્પાદન કાપના નિર્ણયને પગલે ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી જામી છે, પરંતુ ભારતનો ઓઈલની આયાતનો ખર્ચ વધી ગયો છે. ભારત પોતાની કુલ જરૂરિયાતનો 80 ટકા જથ્થો આયાત કરે છે. ક્રૂડ મોંઘા ભાવે પડતું હોવાથી આયાત બિલ વધી જશે પરિણામે, ઓઈલ કંપનીઓ માટે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા મુશ્કેલ થઈ જશે. ધારો કે, ક્રૂડના ભાવ 95 ડૉલરની ઉપર જશે તો ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ભાવમાં વધારો કરવો પડશે. જોકે, પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા કે વધારવાનો નિર્ણય કંપનીઓ ત્યારે જ લેશે જ્યારે સરકાર તરફથી સૂચના મળશે.
બેવડો ફટકો
ઓઈલ કંપનીઓ માટે માત્ર મોંઘું ક્રૂડ માથાનો દુખાવો નથી, પરંતુ નબળો રૂપિયો પણ ટેન્શન વધારી રહ્યો છે. 5 સપ્ટેમ્બરે અમેરિકન ડૉલર સામે રૂપિયો ફરી 83ના લેવલને પાર થઈ ગયો હતો. આમ, ઓઈલ કંપનીઓ માટે બેવડી મુસીબત આવી છે. એક તરફ ક્રૂડ મોંઘું થઈ રહ્યું છે અને બીજી તરફ ડૉલર વધી રહ્યો છે. આ બંને કારણસર ક્રૂડની આયાતનો ખર્ચ વધી રહ્યો છે અને તેના લીધે ભારતમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તા થવાની આશા પર હાલ પૂરતું તો પાણી ફરી વળ્યું છે.
ચૂંટણી પહેલાંની અટકળો
પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ છે અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણી છે. આથી સરકાર પેટ્રોલ-ડીઝલ સસ્તું કરે તેવી અટકળો વહેતી થઈ હતી, પરંતુ ઓઈલના વધતા ભાવ અને નબળા રૂપિયાએ આ અટકળોનો છેદ ઉડાડી દીધો છે.
પેટ્રોલ-ડીઝલની મોંઘવારી
સરકારે છેલ્લે મે-2022માં પેટ્રોલ અને ડીઝલ પર લાગતી એક્સાઈઝ ડ્યુટી ઘટાડી હતી ત્યારથી દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ ઘટીને 96.72 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત 89.62 રૂપિયા છે. મહારાષ્ટ્રમાં જુલાઈ 2022માં રાજ્ય સરકારે પેટ્રોલ-ડીઝલ પર લાગતો વેટ ઘટાડ્યો હતો અને ત્યારથી મુંબઈમાં પેટ્રોલનો ભાવ ઘટીને 106.31 રૂપિયા જ્યારે ડીઝલનો ભાવ 94.27 રૂપિયા છે. પરંતુ ત્યારથી લઈને આજદિન સુધી ભાવમાં કોઈ ઘટાડો થયો નથી. દેશનાં મોટા ભાગનાં શહેરોમાં પેટ્રોલ અને ડીઝલ 100 રૂપિયાની નજીકના ભાવે વેચાઈ રહ્યું છે. આથી, લોકોને અપેક્ષા હતી કે ચૂંટણી આવી રહી હોવાથી સરકાર રાહત આપશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો