Money9 Gujarati:
ભારતનું વિદેશી હૂંડિયામણ (India’s forex reserves) સતત ચોથા સપ્તાહે વધ્યું છે. 29 ડિસેમ્બરે સમાપ્ત થયેલા સપ્તાહે વિદેશી હૂંડિયામણ 2.759 અબજ ડૉલર વધીને 623.2 અબજ ડૉલરે પહોંચ્યું હોવાનું RBIએ જણાવ્યું છે. હવે આપણું વિદેશી હૂંડિયામણ 22 મહિનાની ટોચે પહોંચ્યું છે.
અગાઉ 22મી ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી હૂંડિયામણ 4.471 અબજ ડૉલર વધીને 620.441 અબજ ડૉલરની 21 મહિનાની ટોચે પહોંચી ગયું હતું.
રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાએ 5 જાન્યુઆરી, 2024ના રોજ જાહેર કરેલી વિગતો અનુસાર, 29 ડિસેમ્બરે સમાપ્ત થયેલા સપ્તાહના અંતે ભારતની ફોરેન કરન્સી એસેટ્સમાં 1.869 અબજ ડૉલરનો વધારો થયો હતો. દેશનાં કુલ વિદેશી હૂંડિયામણમાં ફોરેન કરન્સી એસેટ્સનો હિસ્સો સૌથી મોટો છે. આ એસેટ્સમાં યુરોપ, પાઉન્ડ અને યેન જેવા બિન-અમેરિકન ચલણમાં થતા વધારા કે ઘટાડાની અસરને ગણીને ડૉલરમાં લખવામાં આવે છે.
ભારતનું ગોલ્ડ રિઝર્વ 85.3 કરોડ ડૉલર વધીને 48.328 અબજ ડૉલર થયું છે.
ભારતનું વિદેશી હૂંડિયામણ ઑક્ટોબર 2021માં 645 અબજ ડૉલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું. હવે આ સપાટી હાંસલ કરવા માટે માત્ર 19 અબજ ડૉલરની જરૂર છે. ભારતનું વિદેશી હૂંડિયામણ ઓક્ટોબર 2021 બાદ સતત ઘટીને 500 અબજ ડૉલરની નીચે પહોંચી ગયું હતું, કારણ કે વૈશ્વિક સ્તરે સર્જાયેલી પરિસ્થિતિને કારણે રૂપિયો નબળો પડ્યો હતો, જેના લીધે RBIએ ડૉલરની વેચવાલી કરીને રૂપિયાને ટેકો આપ્યો હતો. પરંતુ હવે RBIએ ડૉલરની ખરીદી કરીને ફોરેક્સ રિઝર્વમાં 2023માં 59 અબજ ડૉલરનો ઉમેરો કર્યો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો