Money9 Gujarati:
ભારતના વિદેશી હૂંડિયામણ (forex reserves)માં સતત ત્રીજા સપ્તાહમાં વધારો થયો છે. 22મી ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું વિદેશી હૂંડિયામણ 4.471 અબજ ડૉલર વધીને 21 મહિનાની ટોચે પહોંચી ગયું છે. ભારતનું વિદેશી હૂંડિયામણ 620.441 અબજ ડૉલર થયું છે, એમ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI) દ્વારા 29 ડિસેમ્બરે જાહેર થયેલા સાપ્તાહિક ડેટા પરથી જાણવા મળે છે.
15 ડિસેમ્બરે સમાપ્ત થયેલા અગાઉના સપ્તાહના અંતે, ભારતનું વિદેશી હૂંડિયામણ 9.112 અબજ ડૉલર વધીને 615.971 અબજ ડૉલર નોંધાયું હતું, તે સપ્તાહે એક સપ્તાહનો સૌથી વધુ ઉમેરો નોંધાયો હતો. તેની અગાઉના સપ્તાહના અંતે કુલ રિઝર્વ 2.816 અબજ ડૉલર વધીને 606.859 અબજ ડૉલર થઈ હતી.
ભારતનું વિદેશી હૂંડિયામણ ઑક્ટોબર 2021માં 645 અબજ ડૉલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું. હવે આ સપાટી હાંસલ કરવા માટે માત્ર 25 અબજ ડૉલરની જરૂર છે. ભારતનું વિદેશી હૂંડિયામણ ઓક્ટોબર 2021 બાદ સતત ઘટીને 500 અબજ ડૉલરની નીચે પહોંચી ગયું હતું, કારણ કે વૈશ્વિક સ્તરે સર્જાયેલી પરિસ્થિતિને કારણે રૂપિયો નબળો પડ્યો હતો, જેના લીધે RBIએ ડૉલરની વેચવાલી કરીને રૂપિયાને ટેકો આપ્યો હતો. પરંતુ હવે RBIએ ડૉલરની ખરીદી કરીને ફોરેક્સ રિઝર્વમાં ચાલુ વર્ષમાં 57.634 અબજ ડૉલરનો ઉમેરો કર્યો છે.
RBIના જણાવ્યા અનુસાર, 22 ડિસેમ્બરે સમાપ્ત થયેલા સપ્તાહમાં, વિદેશી ચલણ અસ્કયામતો (foreign currency assets) 4.898 અબજ ડૉલર વધીને 549.747 અબજ ડૉલર થઈ હતી. આ એસેટ્સ કુલ રિઝર્વ્સનો એકમાત્ર સૌથી મોટો ઘટક છે.
ગોલ્ડ રિઝર્વ 10.7 કરોડ ડૉલર ઘટીને 47.474 અબજ ડૉલર થઈ છે જ્યારે સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (SDRs) લગભગ ફ્લેટ હતા, જેમાં માત્ર 40 લાખ ડૉલરનો ઉમેરો થઈને 18.327 અબજ ડૉલર થયા હતા.
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસે ભારતની અનામત 12.9 કરોડ ડૉલર ઘટીને 4.894 અબજ ડૉલર થઈ છે.
29 ડિસેમ્બરે જાહેર થયેલા આંકડા દર્શાવે છે કે નવેમ્બરના અંતે સરકારની રાજકોષીય ખાધ 9.06 લાખ કરોડ રૂપિયા અથવા સંપૂર્ણ વર્ષના બજેટ અંદાજના 50.7 ટકા હતી. કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (CGA) દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, 2023-24ના એપ્રિલ-ઓક્ટોબરના સમયગાળા દરમિયાન રાજકોષીય ખાધ — ખર્ચ અને આવક વચ્ચેનો તફાવત — 9,06,584 કરોડ રૂપિયા હતી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો