Money9 Gujarati:
દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019ના પ્રારંભિક દિવસોમાં જણાવ્યું હતું કે, સરકાર ક્રૂડ ઓઈલની આયાત 10 ટકા ઘટાડવા માટે નિર્ણાયક પગલાં ભરશે અને 2022 સુધીમાં ભારત ક્રૂડ ઓઈલની આયાતમાં ધરખમ ઘટાડો કરીને ડૉલર ખર્ચ ઘટાડશે. પરંતુ ભારતમાં થતાં ક્રૂડ ઓઈલના સ્થાનિક ઉત્પાદનની સ્થિતિ કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. દેશમાં ક્રૂડ ઓઈલની આયાત 10 ટકા ઘટવાની વાત તો દૂર રહી પણ આયાત લગભગ 3 ટકા વધી ગઈ છે અને સ્થાનિક ઉત્પાદન લગભગ 10 ટકા ઘટ્યું છે.
સંસદમાં સરકારનો જવાબ
ક્રૂડ ઓઈલના ઉત્પાદન અંગે સંસદમાં પૂછવામાં આવેલા સવાલના જવાબમાં સરકારે આંકડાકીય વિગતો રજૂ કરી હતી. આ વિગતો પ્રમાણે, નાણાકીય વર્ષ 2018-19માં ભારતનું ક્રૂડ ઓઈલ ઉત્પાદન વાર્ષિક ધોરણે 3.42 કરોડ મેટ્રિક ટન હતું, જે હવે 14 ટકા ઘટીને નાણાકીય વર્ષ 2022-23માં 2.91 કરોડ મેટ્રિક ટન થઈ ગયું છે. ભારતમાં ક્રૂડ ઓઈલની કુલ માંગ સામે 88.5 ટકા હિસ્સો આયાત દ્વારા પૂરો કરવો પડે છે. કુલ માંગને સંતોષવામાં સ્થાનિક ઉત્પાદનનો હિસ્સો 2018-19માં 15 ટકા હતો, જે 2022-23માં ઘટીને 12.5 ટકા થઈ ગયો છે. ભારતે 2018-19માં 22.65 કરોડ ટન ક્રૂડ ઓઈલની આયાત કરી હતી, જે 2022-23માં વધીને 23.27 કરોડ ટન થઈ હતી.
અન્ય કંપનીઓનું ઉત્પાદન
ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરતી દેશની 24 કંપનીમાંથી ટોચની ચાર કંપનીને બાદ કરીએ તો બાકીની તમામ કંપનીઓનું ઉત્પાદન માત્ર ગણાવવા પૂરતું છે. સરકારી ગેસ કંપની ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (GAIL)એ 2022-23માં માત્ર 20 ટન ક્રૂડ ઓઈલ પ્રોડક્શન કર્યું હતું. આવી જ રીતે, ખાનગી કંપની રામાયન ઈસ્પાત પ્રા. લિ.એ પણ 20 ટન ઉત્પાદન કર્યું હતું. સાઉથ એશિયા કન્સલ્ટન્સી નામની કંપનીએ માત્ર 40 ટન ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કર્યું હતું. 2022-23માં કૃતિ એન્ડ લૉજિસ્ટિક્સ કંપનીએ 700 ટન, ઓયલેક્સે 700 ટન અને નિપ્પોન પાવર લિ.એ 800 ટન ઉત્પાદન કર્યું હતું. એસ્સાર ઓઈલ એન્ડ ગેસ એક્સપ્લોરેશન કંપનીએ 600 ટન, પાન ઈન્ડિયા કન્સલ્ટન્ટે 700 ટન અને ગુજરાત નેચરલ રિસોર્સિસ લિ.એ 2,300 ટન ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કર્યું હતું.
ONGC, વેદાંતાનું ઉત્પાદન ઘટ્યું
સરકારી આંકડા પરથી જાણવા મળે છે કે, દેશમાં 24 કંપની ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરે છે, જેમાં 4 કંપની સરકારી છે જ્યારે બાકીની કંપની ખાનગી સેક્ટરની છે. દેશમાં ક્રૂડ ઓઈલનું જેટલું પણ ઉત્પાદન થાય છે તેમાં સૌથી વધુ હિસ્સો સરકારી કંપની ONGCનો છે. પરંતુ છેલ્લાં 5 વર્ષમાં ONGCનું ક્રૂડ ઓઈલ પ્રોડક્શન ઘટ્યું છે. સંસદમાં રજૂ થયેલા પેટ્રોલિયમ મંત્રાલયના આંકડા અનુસાર, ONGCનું ક્રૂડ ઓઈલ ઉત્પાદન નાણાકીય વર્ષ 2018-19ના 2.11 કરોડ ટનની સરખામણીએ 7 ટકા ઘટીને 2022-23માં 1.96 કરોડ મેટ્રિક ટન થયું છે. 2018-19થી 2020-21 સુધીનાં પ્રત્યેક વર્ષે ઉત્પાદન ઘટ્યું હતું પરંતુ 2021-22થી 2022-23માં ઉત્પાદનમાં નજીવો વધારો થયો હતો. ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં ઘટાડાની બાબતમાં ખાનગી કંપની વેદાંતા સૌથી આગળ છે. વેદાંતા ભારતની સૌથી મોટી ખાનગી ઓઈલ ઉત્પાદક અને નિકાસકાર છે. 2018-19થી 2022-23ની વચ્ચે વેદાંતાનું ક્રૂડ ઓઈલ પ્રોડક્શન 80.99 લાખ ટનથી 34 ટકા ઘટીને 50.92 લાખ ટન થયું હતું.
ક્રૂડ ઓઈલના મોરચે માત્ર ONGC, ઓઈલ ઈન્ડિયા લિ. (OIL) અને વેદાંતાનું ઉત્પાદન ભારતને ટેકો આપે છે, પરંતુ છેલ્લાં પાંચ વર્ષમાં આ કંપનીઓના ઉત્પાદનમાં જ ઘટાડો થયો છે. હવે જો દેશની ઓઈલ કંપનીઓ આખા વર્ષમાં આવી રીતે જ ઓછું ઉત્પાદન કરશે તો ભારત ક્રૂડ ઓઈલના મોરચે કેવી રીતે આત્મનિર્ભર બનશે?
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો