Money9 Gujarati:
Cotton Prices: કપાસના ભાવ 2 વર્ષના તળિયે પહોંચી ગયા છે. અમેરિકા અને બ્રિટન સહિતના પશ્ચિમી દેશોમાં આર્થિક સંકટ હોવાથી કપાસની માંગમાં ઘટાડો થયો છે. ખેડૂતો અત્યારે પ્રતિ ક્વિન્ટલ 7,000 જેટલા ભાવે કપાસ વેચવા તૈયાર છે, પરંતુ મિલવાળા ખરીદી કરવા તૈયાર નથી. રાજકોટના એક વેપારીનું કહેવું છે કે, ખેતીવાડી મંડીઓમાં કપાસની આવક ઓછી છે અને સ્પીનિંગ મિલવાળા ઓછા ભાવે કપાસ ખરીદવાની ઑફર કરી રહ્યાં છે. યાર્નના ભાવ તૂટ્યા હોવાથી સ્પીનિંગ મિલમાલિકો કપાસ ખરીદવા તૈયાર નથી. આમ આવક પણ નથી અને સારો ભાવ પણ નથી. પરિણામે, કપાસ બજારમાં મંદી છે.
રૉ કપાસ (Raw Cotton)નો ભાવ ઘટીને પ્રતિ ક્વિન્ટલ 7,200થી 7,300 રૂપિયા થઈ ગયો છે. રાજકોટની APMCમાં એક ક્વિન્ટલ રૉ કૉટનનો ભાવ 7,100 રૂપિયા નોંધાયો છે. નિકાસ માટે બેન્ચમાર્ક ગણાતા શંકર-6 કપાસનો ભાવ રાજકોટમાં 54,850 રૂપિયા પ્રતિ કેન્ડી (356 કિલો) બોલાઈ રહ્યો છે. પ્રોસેસ થયા વગરના કપાસનો લઘુતમ ટેકાનો ભાવ (MSP) 6,620 રૂપિયા છે, જેની સામે ગુજરાતની મંડીઓમાં 6,824 રૂપિયાનો સરેરાશ ભાવ મળી રહ્યો છે.
કર્ણાટકના રાયચુરના વેપારીનું કહેવું છે કે, માંગ ઓછી હોવાથી કૉટનસીડનો ભાવ તૂટીને પ્રતિ ક્વિન્ટલ 3,000 રૂપિયાની નીચે પહોંચી ગયો છે જ્યારે જિન્ડ કૉટન (ginned cotton)નો ભાવ ઘટીને પ્રતિ કેન્ડી (356 કિલો) 55,000 રૂપિયા થઈ ગયો છે.
વૈશ્વિક બજારમાં ઈન્ટરકૉન્ટિનેન્ટલ એક્સચેન્જ ન્યૂયૉર્ક પર કપાસ વાયદો 78.25 અમેરિકી સેન્ટ પ્રતિ પાઉન્ડ (51,600 રૂપિયા પ્રતિ કેન્ડી) બોલાયો છે. કપાસની કિંમતમાં ઘટાડો થવાથી કૉટન કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા (CCI)એ ઉત્પાદકો પાસેથી 2.5 લાખ ગાંસડી (1 ગાંસડી બરાબર 170 કિલો) કપાસની ખરીદી ટેકાના ભાવે કરી છે અને આ ખરીદી પાછળ 900 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કર્યો છે.
ખરીફ સીઝન 2023 દરમિયાન, બીજના 4.8 કરોડ પેકેટ ઉપલબ્ધ હતા, જેની સામે 4.4 કરોડ પેકેટ (એક પેકેટ 450 ગ્રામનું) વેચાયા હતા. ખરીફ 2022માં 4.2 કરોડ પેકેટ વેચાયા હતા, જેની સામે આ વખતે 4.8 કરોડ પેકેટ વેચાવાનો અંદાજ છે. ચોમાસાની સીઝનમાં ઓગસ્ટ મહિનો છેલ્લા 100 વર્ષનો સૌથી સૂકો મહિનો રહ્યો હોવાથી બીજનું ઉત્પાદન 30-40 ટકા ઘટ્યું હતું. કપાસના બીજની અછત હોવાથી આગામી સીઝનમાં દેશમાં કપાસનું ઉત્પાદન ઘટવાની શક્યતા છે. બજારના સૂત્રોનું કહેવું છે કે, આગામી સીઝન માટે કપાસના બીજની તંગી ઊભી થઈ શકે છે. ચાલુ વર્ષે કપાસના ઉત્પાદનમાં 30-40 ટકા ઘટાડો થવાનો અંદાજ છે, જેના કારણે બીજની અછત ઊભી થઈ શકે છે. કપાસના બીજનો જૂનો સ્ટૉક વર્તમાન માંગને પહોંચી વળે તેટલો નથી.
મધ્ય પ્રદેશ અને તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી હોવાથી બજારમાં કપાસનો માલ ઓછો આવ્યો હતો, પરંતુ હવે ત્યાં ચૂંટણી પૂરી થઈ ગઈ છે, એટલે બજારમાં આવક વધશે. પરિણામે, ભાવ પર દબાણ વધી શકે છે. ઉલ્લેખનીય છે કે, ગયા સપ્તાહે દેશભરની વિવિધ APMCમાં 9 લાખ ગાંસડી કપાસની આવક થઈ હતી. દૈનિક આવક 1.1 લાખ ગાંસડીથી 1.3 લાખ ગાંસડી નોંધાઈ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો