SGBના premature redemption priceની થઇ જાહેરાત

SGBના premature redemption priceની થઇ જાહેરાત? કઇ બે બેંકોએ પોતાના સેવિંગ ખાતાના સર્વિસ ચાર્જમાં કર્યો ફેરફાર

SGBના premature redemption priceની થઇ જાહેરાત

Money9: આરબીઆઈએ સોવરિન ગોલ્ડ બોન્ડની પ્રીમેચ્યોર રિડેમ્પશન પ્રાઇસની જાહેરાત કરી દીધી છે..આ રિડેમ્પશન પ્રાઇસ 2017-18 સિરીઝ 4 અને 2018-19 સિરીઝ 2 ટ્રૅન્ચિસ માટે નક્કી કરવામાં આવી છે… ભારત સરકારના 06, ઓક્ટોબર 2017 અને 08 ઓક્ટોબર, 2018ના નોટિફિકેશન અનુસાર બોન્ડ બહાર પાડ્યાની તારીખથી પાંચમા વર્ષ બાદ SGB પ્રીમેચ્યોર રિડેમ્પશનને મંજૂરી આપવામાં આવી શકે છે. SGB ​​ની રીડેમ્પશન કિંમત 999 પ્યોરિટી ગોલ્ડની છેલ્લા ત્રણ દિવસની કિંમતની એવરેજ હોય છે…આ હિસાબે, 18, 19 અને 22 એપ્રિલના બંધ ભાવની સરેરાશ 7325 રૂપિયા છે… એટલે કે રોકાણકારોને પ્રતિ યુનિટ 7325 રૂપિયા મળશે..

હવાઈ ​​પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. DGCA એ તમામ એરલાઈન્સને એ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે કે વિમાનમાં ઉડ્ડયન દરમિયાન 12 વર્ષ સુધીના બાળકોને તેમના માતા-પિતા અથવા વાલીઓમાંથી ઓછામાં ઓછા એકની સાથે સીટ આપવામાં આવે. છેલ્લા કેટલાક દિવસોમાં એવા ઘણા કિસ્સાઓ નોંધાયા છે જેમાં 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને વિમાનમાં તેમના માતા-પિતા અથવા વાલીઓથી દૂરની સીટ આપવામાં આવી હતી…DGCAએ જણાવ્યું હતું કે એરલાઇન કંપનીઓએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે 12 વર્ષ સુધીના બાળકોને સમાન PNR પર મુસાફરી કરી રહેલા તેમના માતા-પિતા અથવા વાલીઓમાંથી એકની સાથે સીટ ફાળવવામાં આવે અને તેનો રેકોર્ડ જાળવવામાં આવે…. DGCAએ એરલાઇન કંપનીઓને કેટલીક વધારાની સેવાઓ પર ફી વસૂલવાની મંજૂરી પણ આપી છે. આમાં ઝીરો બેગેજ, પ્રેફરન્શિયલ સિટિંગ, ભોજન, ડ્રિંક્સ, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સને લઇ જવાનો સમાવેશ થાય છે…

એક્સિસ બેંક અને યસ બેંકે તેમના બચત ખાતાના સર્વિસ ચાર્જમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. એક્સિસ બેંકે તેના સેવિંગ્સ એકાઉન્ટ અને સેલેરી એકાઉન્ટના મિનિમમ એવરેજ બેલેન્સના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ નિયમો 1 એપ્રિલ 2024થી અમલમાં આવ્યા છે. હવે ગ્રાહકોએ પ્રોરિટી સેવિંગ્સ એકાઉન્ટમાં ત્રિમાસિકના બદલે મહિનાના આધારે 2 લાખ રૂપિયાનું એવરેજ બેલેન્સ જાળવવું પડશે. આ ઉપરાંત, બેન્કે પ્રાઇમ/લિબર્ટી/પ્રિસ્ટેજ અને પ્રોરિટી સેવિંગ્સ એકાઉન્ટમાં થર્ડ પાર્ટી ટ્રાન્ઝેક્શન્સ પર ફ્રી લિમિટ નક્કી કરી છે. તમે એક મહિનામાં 25,000 રૂપિયા સુધીના થર્ડ પાર્ટી ટ્રાન્ઝેક્શન ફ્રીમાં કરી શકો છો. ત્યારબાદ તમારે પ્રતિ ટ્રાન્ઝેક્શન 10 રૂપિયા ચૂકવવા પડશે…સેલેરી એકાઉન્ટમાં બે મહિના સુધી સતત સેલેરી ન આવે તો આવી સ્થિતિમાં તમારે દર મહિને 100 રૂપિયાની પેનલ્ટી ચૂકવવી પડશે. આ સિવાય એવરેજ બેલેન્સ ન જાળવવા પર પણ તમારે પેનલ્ટી ચૂકવવી પડશે.

જરૂરિયાતમંદ લોકો માટે ચલાવાઇ રહેલી લોકપ્રિય આરોગ્ય વીમા યોજના, આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનાનું વિસ્તરણ થવા જઇ રહ્યું છે. હવે આ યોજનામાં મોટી ઉંમરના લોકોને ફાયદો થશે. સરકારે આવક મર્યાદા દૂર કરવાનો અને 70 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને આવરી લેવાનો નિર્ણય કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર આ મુદ્દાને નાણાકીય વર્ષ 2025ના બજેટમાં સામેલ કરી શકે છે. આમ કરવાથી સરકારી તિજોરી પર દર વર્ષે 15,000 થી 20,000 કરોડ રૂપિયાના વધારાના ખર્ચનો બોજ પડશે.

તાજેતરમાં જ પોતાના 91 હજાર કરોડના સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટના શિલાન્યાસ બાદ હવે ટાટા જૂથે પોતાના ટેકનોલોજી પાર્ટનર પાવરચીપ સેમિકન્ડક્ટર મેન્યુફેકચરિંગ કોર્પોરેશન એટલે કે પીએસએમસી સાથે મળી 14 નેનોમીટરની આધુનિક ચિપ ટેકનોલોજીનું ગુજરાતના ધોલેરા ખાતે ઉત્પાદન કરવાની દિશામાં કામગીરી હાથ ધરી છે. પોતાના બિઝનેસ પ્લાનના ભાગરૂપે કંપની સરકારને પણ આ ચિપ ઉપલબ્ધ કરાવશે. મહત્વનું છે કે, 14 એનએમ વધુ આધુનિક ચિપ ગણાય છે. અને તે 28 એનએમ ઉપરાંત હશે જે ટાટા ઈલેક્ટ્રોનિક્સ અને પીએસએમસી તેમના ફેબ્રિકેશન યુનિટમાં ઉત્પાદન કરવાની યોજના ધરાવે છે. 14 એનએમ ચિપ ટેકનોલોજીને ખૂબ જ નાના ઘટકોમાં ફિટ કરી શકાય છે. જે તેમને વધુ ઊર્જા કાર્યક્ષમ, શક્તિશાળી અને કામગીરીમાં ઝડપી બનાવે છે.

છેલ્લા 30 માસમાં પ્રથમ વખત માર્ચમાં સ્મોલકેપ ફંડ્સમાં નેટ ફ્લો નકારાત્મક થઈ ગયો હોવા છતાં તે નવા રોકાણકર્તાઓ માટે મોટું આકર્ષણ રહ્યું છે. જો સ્મોલકેપ કેટેગરી પર નજર કરવામાં આવે તો એકલા માર્ચ મહિનામાં જ નવા 3 લાખ 60 હજાર એકાઉન્ટનો ઉમેરો છે. જે તમામ સક્રિય ઈક્વિટી કેટેગરીમાં બીજો સૌથી મોટો વધારો છે. નિષ્ણાતોના મત મુજબ, સમગ્ર ટાઈમફ્રેમ દરમ્યાન પોતાના મજબૂત પ્રદર્શનને કારણે સ્મોલકેપ ફંડે રોકાણકારોને પોતાની તરફ ખેંચવાનું અકબંધ રાખ્યું છે. ટોપ પર્ફોર્મિંગ લિસ્ટમાં સ્મોલકેપ અને મિડકેપ યોજનાઓએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ખાસ કરીને પાંચ વર્ષ અને દસ વર્ષની સમયસીમામાં તેમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.

નેશનલ સ્ટોક એક્સચેન્જના જણાવ્યા પ્રમાણે નિફ્ટી નેક્સ્ટ 50 ઈન્ડેક્સમાં એફ એન્ડ ઓ કોન્ટ્રાક્ટ હેઠળ થતાં ટ્રેડ પર આગામી છ મહિના માટે કોઈ પણ પ્રકારનો ટ્રાન્ઝેક્શન ચાર્જ નહીં લાગે. આ નિયમ 24 એપ્રિલ, 2024થી જ અમલી બનશે અને 31મી ઓક્ટોબર, 2024 સુધી અમલી રહેશે. એનએસઇએ તાજેતરમાં જ નિફ્ટી નેક્સ્ટ 50 ઈન્ડેક્સમાં ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રાક્ટ હેઠળ 24મી એપ્રિલથી ટ્રેડિંગ ચાલુ કરવાની જાહેરાત કરી હતી. એનએસઈએ જણાવ્યું છે કે નિફ્ટી નેક્સ્ટ 50 ઈન્ડેક્સમાં એફ એન્ડ ઓ સેગમેન્ટમાં ટ્રેડિંગનું વોલ્યુમ વધે તે હેતુથી આ પ્રકારના ટ્રેડ પર ૨૪ એપ્રિલથી ૩૧મી ઓક્ટોબર સુધી કોઈ પણ પ્રકારનો ટ્રાન્ઝેક્શન ચાર્જ નહીં લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બોમ્બે હાઈકોર્ટે મંગળવારે આદેશ આપ્યો હતો કે જાહેર ક્ષેત્રની બેંકો પાસે લોન ડિફોલ્ટર્સ સામે લુકઆઉટ સર્ક્યુલર જારી કરવાની કાનૂની સત્તા નથી. કોર્ટના નિર્ણય પછી આવી બેંકો દ્વારા ડિફોલ્ટરો સામે જારી કરાયેલી તમામ એલઓસી રદ કરવામાં આવશે. જસ્ટિસ ગૌતમ પટેલ અને જસ્ટિસ માધવ જામદારની ડિવિઝનલ બેન્ચે કેન્દ્ર સરકારના ઑફિસ મેમોરેન્ડમની કલમને પણ ગેરબંધારણીય ગણાવી હતી, જેમાં જાહેર ક્ષેત્રની બૅન્કોના અધ્યક્ષોને લોન ડિફોલ્ટર્સ સામે LOC જારી કરવાની સત્તા આપવામાં આવી હતી.

નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન દેશમાંથી ગોલ્ડ જવેલરીની નિકાસ 61.72 ટકા વધીને 679.22 કરોડ ડોલર નોંધાઈ છે, જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન 420 કરોડ ડોલર રહી હતી. તે ઉપરાંત કુલ ગોલ્ડ જવેલરીની નિકાસ જેમાં એપ્રિલ-સપ્ટેમ્બર 2023 દરમિયાન 10.47 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, તેની નિકાસ વધીને 46.91 ટકા નોંધાઈ હતી. UAE ભારતથી પ્લેન ગોલ્ડ જવેલરીની નિકાસ માટેનું મુખ્ય માર્કેટ સાબિત થયું હતું. નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન દેશમાંથી UAE ખાતે નિકાસ 107.2 ટકા વધી 5452.8 કરોડ ડોલર નોંધાઇ છે, જે ગત વર્ષ દરમિયાન 218.57 કરોડ ડોલર રહી હતી. દેશમાંથી પ્લેન ગોલ્ડ જવેલરીની કુલ નિકાસમાં યુએઇ અને બહેરિનનો હિસ્સો 85 ટકા હતો.

તાલાલા ગીરની રસમધૂરી કેસર કેરીના ચાહકો માટે આનંદના સમાચાર છે. તાલાલા ગીરની કેસર કેરીની હરાજી 1લી મેથી શરૂ થશે. ગત વર્ષ કરતાં આ વર્ષે પાક મોડો હોવાથી હરરાજી 13 દિવસ મોડી શરૂ થઈ રહી છે. તાલાલા પંથકના કેસર કેરીના જથ્થાબંધ વેપારીઓ કમિશન એજન્ટોની બેઠક મળી હતી. જેમાં આગામી કેસર કેરીની સિઝન દરમિયાન કેરીનું વેચાણ કરવા આવતા ખેડૂતોને ઉપયોગી સારી સવલત મળે તેવાં નિર્ણયો લેવામાં આવ્યા હતાં. ગયા વર્ષે કેસર કેરીની સિઝન 63 દિવસ ચાલી હતી. આ સમયગાળા દરમિયાન દસ કિલો ગ્રામના 11 લાખ 13 હજાર 540 બોકસની આવક થઈ હતી. તાલાલા પંથકમાં આ વર્ષે ઠંડી ઓછી પડવાને કારણે 50 ટકા પાક ઓછો થવાની ધારણા વ્યક્ત થઈ રહી છે.

હવે રેલવેના મુસાફરોને સ્ટેશન પર પાણી અને ખોરાક માટે ફાંફા મારવાની જરૂર નહીં રહે. આ માટે IRCTC દ્વારા નિયુક્ત વિક્રેતાઓ તેમનાં કાઉન્ટર પર સામાન્ય સેકન્ડ ક્લાસ અને સ્લીપર ક્લાસ સુધીના મુસાફરોને પોસાય તેવા દરે ભોજન અને પીવાના પાણીના પેકેટ્સ ઉપલબ્ધ કરાવશે. રેલવેએ દેશભરના પસંદગીના વિવિધ સ્ટેશનો પર જનરલ કોચના મુસાફરોને ધ્યાનમાં રાખીને સસ્તા ભોજનની સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે. રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે દેશના 100 સ્ટેશનોના લગભગ 150 કાઉન્ટર પર મુસાફરોને આ સુવિધા આપવામાં આવી રહી છે. ભવિષ્યમાં, આ સુવિધા વધુ સ્ટેશનો સુધી વિસ્તારવામાં આવશે. ઈકોનોમી મીલ 20માં અને કોમ્બો મીલ 50 રૂપિયામાં આપવામાં આવશે. જ્યારે પાણી માત્ર ત્રણ રૂપિયામાં મળશે.

Published: April 24, 2024, 16:04 IST