એક વર્ષમાં લોકોનો Credit Cardથી કેટલો વધ્યો ખર્ચ? ઓછી TDS કપાત છતા કયા લોકો પર નહીં થાય કાર્યવાહી?..Radio mone

એક વર્ષમાં લોકોનો Credit Cardથી કેટલો વધ્યો ખર્ચ? ઓછી TDS કપાત છતા કયા લોકો પર નહીં થાય કાર્યવાહી? બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ક્યાં સુધીમાં થશે પૂર્ણ?

એક વર્ષમાં લોકોનો Credit Cardથી કેટલો વધ્યો ખર્ચ? ઓછી TDS કપાત છતા કયા લોકો પર નહીં થાય કાર્યવાહી?..Radio mone

Money9: નાણાકીય વર્ષ 2023-24માં ક્રેડિટ કાર્ડનો ખર્ચ વાર્ષિક ધોરણે 27 ટકા વધીને રૂ. 18.26 લાખ કરોડ થયો છે જ્યારે એક વર્ષ અગાઉ તે લગભગ 14 લાખ કરોડ રૂપિયા હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ડેટા અનુસાર, માર્ચ 2024માં ક્રેડિટ કાર્ડનો ખર્ચ 10.07 ટકા વધીને રૂ. 1.64 લાખ કરોડ થયો છે. માર્ચમાં તહેવારોની મોસમ અને નાણાકીય વર્ષના અંતને કારણે ક્રેડિટ કાર્ડ પર વધુ ખર્ચ કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી 2024માં ક્રેડિટ કાર્ડનો ખર્ચ 1.49 લાખ કરોડ રૂપિયા હતો. HDFC બેંકનું ક્રેડિટ કાર્ડ આ મામલે સૌથી આગળ રહ્યું… માર્ચમાં બેંકનું ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન 8.57 ટકા વધીને 43,471.29 કરોડ રૂપિયા થઇ ગયું જ્યારે ફેબ્રુઆરીમાં તે 40288.51 કરોડ રૂપિયા હતું.

બુલેટ ટ્રેનનું નિર્માણ કરી રહેલી ‘નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ’ એટલે કે NHSRCLએ એક RTI અરજીના જવાબમાં કહ્યું છે કે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પૂરો થયાની તારીખ બધા પ્રકારના કોન્ટ્રાક્ટ આપ્યા બાદ જણાવવામાં આવશે. અમદાવાદ અને મુંબઈ વચ્ચે 508 કિમી લાંબા કોરિડોરનું નિર્માણ કરનારી NHSRCLને હજુ આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટેના તમામ જરૂરી કોન્ટ્રાક્ટ આપવામાં નથી આવ્યા. જો કે, પ્રોજેક્ટ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પ્રગતિના પંથે છે અને 163 કિમી ‘વાયડક્ટ’, 302 કિમી ‘પિયર’ અને 323 કિમી ‘ફાઉન્ડેશન’ નું નિર્માણ થઇ ચૂક્યું છે… આ પ્રોજેક્ટ 2017 માં શરૂ કરવામાં આવ્યું હતો અને તેને ડિસેમ્બર 2023 સુધીમાં પૂરો કરવાનો હતો આરટીઆઈના જવાબમાં માલુમ પડ્યું છે કે 2026-27 સુધીમાં તેના પૂર્ણ થવાની શક્યતા છે.

જો તમે પાન કાર્ડને આધાર સાથે લિંક નથી કરાવ્યું… તો આ સમાચાર સાંભળ્યા પછી તમે ચોક્કસથી આવું કરશો.. આવકવેરા વિભાગે TDS, TCS કપાતને લઈને કરદાતાઓ તેમજ વેપારીઓને મોટી રાહત આપી છે. આવકવેરા વિભાગે કહ્યું છે કે જો 31 મે, 2024 સુધીમાં આધારને પાન કાર્ડ સાથે લિંક કરવામાં આવશે, તો કરદાતાઓ અને વેપારીઓ સામે ટીડીએસની ઓછી કપાત માટે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે… આવકવેરા વિભાગના નિયમો અનુસાર, જો PAN કાર્ડ આધાર નંબર સાથે લિંક નથી, તો TDS બમણા દરે કાપવામાં આવશે, પરંતુ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે એવા કરદાતાઓને રાહત આપવાની વાત કરી છે જે 31 મે સુધીમાં તેમના PANને આધાર સાથે લિંક કરાવશે.

અલ્ટ્રાવાયોલેટ ઓટોમોટિવે બુધવારે ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક સ્પોર્ટ બાઇક F77 મેક 2 લોન્ચ કર્યું છે. Mach 2 એ F77 નું અપડેટેડ વર્ઝન છે, જે 2022 ના અંતમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. બેંગલુરુ સ્થિત EV સ્ટાર્ટઅપ કંપનીએ તેને ભારતમાં કેટલાક કોસ્મેટિક ફેરફારો સાથે રજૂ કર્યું છે. આમાં વધુ સારી રેન્જ, નવી ટેક્નોલોજી, વધુ પાવર અને ફિચર્સનો સમાવેશ થાય છે. કંપનીનો દાવો છે કે આ બાઇક ફૂલ ચાર્જ પર 323 કિમી સુધી ચાલી શકે છે. Mach 2 બે વેરિયન્ટ સ્ટાન્ડર્ડ અને રેકોન અને 9 કલર ઓપ્શન્સ સાથે માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું છે. સ્ટાન્ડર્ડ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 2.99 લાખ રૂપિયા અને રેકોનની કિંમત 3.99 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબીના સ્મોલ-કેપ સ્કીમના વધુ પડતા વેલ્યુએશનને અંકુશમાં લેવાના પ્રયાસોની અસર રોકાણકારો પર દેખાવા લાગી છે. ઓગસ્ટ 2021 બાદ પહેલીવાર માર્ચ 2024માં સ્મોલ-કેપ સ્કીમ્સમાં રોકાણમાં ઘટાડો થયો છે.એક અહેવાલ અનુસાર છેલ્લા 15 મહિનામાં દર મહિને સરેરાશ 3300 કરોડ રૂપિયાના રોકાણ પછી માર્ચ મહિનામાં આ યોજનાઓમાંથી કુલ રૂ. 94 કરોડનો ઉપાડ થયો હતો. સ્મોલ-કેપ ફંડ્સમાં રોકાણ ઘટવાથી, લાર્જ-કેપના શેર ધરાવતા ફંડ્સ તરફ રોકાણકારોનો ઝોક વધી રહ્યો છે. લાર્જ-કેપ ફંડ્સમાં માર્ચ 2024માં રૂ. 2130 કરોડનો ચોખ્ખો પ્રવાહ જોવા મળ્યો, જે છેલ્લા 21 મહિનામાં સૌથી વધુ છે. નોંધનીય બાબત એ છે કે પહેલા સરેરાશ 115 કરોડ રૂપિયાનું રોકાણ દર મહિને આવતું હતું, જ્યારે હવે તેનાથી ઊલટું થઈ ગયું છે.

આયાત નિકાસનું કામકાજ કરનારાઓ જ હવે માત્ર ફોરેક્સ ફ્યુચર્સ એટલે કે વિદેશી હૂંડિયામણના ફયુચર્સના સોદાઓ કરી શકશે. અત્યારે ગમે તે વ્યક્તિઓ પોતાની પાસે વધારાના નાણાં હોય તો તેનો ઉપયોગ કરીને ફોરેક્સ ફ્યુચર્સમાં એટલે કે વિદેશી હદિવામણના ફયુચર્સના સોદાઓ કરવા લાગી જતાં હતા. તેમાં મની લોન્ડરિંગથી માંડીને ગેરકાયદે ટ્રેડિંગ થતાં હોવાનું રિઝર્વ બેન્કના ધ્યાનમાં આવતા આવો નિર્ણય લેવામાં આવ્યો છે. રિઝર્વ બેન્ક પાસેથી સ્પેશિપલ પરમિશન મેળવ્યા વિના કોઈપણ વ્યક્તિ ફોરેન એક્સચેન્જમાં સોદા કરી શકતા નથી. તેમજ ફોરેન એક્સચેન્જ ટ્રાન્સફર કરી શકતા નતી. આ માટે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટની કલમ ૩(એ) માં જોગવાઈ કરવામાં આવી છે. ફોરેન સિક્યોરિટીઝના વહેવારો પણ આ ખાતાઓના માધ્યમથી અને પેમેન્ટ ગેટવેના માધ્યમથી કરવામાં આવી રહ્યા છે.

ઑનલાઇન લેવડદેવડ દરમિયાન સાઇબર ગુનેગારો દ્વારા છેતરપિંડીથી ઓટીપી હાંસલ કરીને ઠગાઇ કરવાના કિસ્સાઓ પર હવે રોક લાગશે. ટેલિકોમ વિભાગે ગૃહ મંત્રાલયના સહયોગથી તેનું પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. તેના મારફતે શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની ચેતવણીનો સંદેશ ખુદ ઓટીપી મળવાની સાથે જ મોબાઇલ પર આવી જશે. ટેલિકોમ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે ઓટીપી જ્યાંથી જનરેટ થશે અને જે મોબાઇલ નંબર પર મોકલાશે તે ખુદ સિમથી સિંક્રોનાઇઝ થઇ જશે. સિમના અધિકૃત એડ્રેસ અને જિયો લોકેશન મારફતે સિસ્ટમને એ જાણ થઇ જશે કે ઓટીપી ક્યાંથી મંગાવાયો છે. જિયો લોકેશન અને રજિસ્ટર્ડ એડ્રેસ અલગ હોવાની જાણ થતા જ ઓટીપી મળવાની સાથે જ ફોન પર એક પૉપ અપ મેસેજ એલર્ટ તરીકે આવી જશે.

Published: April 25, 2024, 15:25 IST