Stock market holidays: મે મહિનામાં 10 દિવસ બંધ રહેશે શેરબજાર, આ તારીખે નહીં થઈ શકે ટ્રેડિંગ
ભારતના બે મુખ્ય સ્ટૉક એક્સચેન્જ BSE & NSE મે મહિનામાં કુલ 10 દિવસ માટે ટ્રેડિંગ બંધ રાખશે. મહારાષ્ટ્ર દિવસ અને ચૂંટણીના લીધે તેમજ શનિવાર અને રવિવારના લીધે શેરબજારોમાં 10 દિવસની રજા આવશે.
Stock market holidays in May 2024: નાણાકીય વર્ષ 2024-25નો પ્રથમ એપ્રિલ મહિનો પૂરો થઈ ગયો છે અને મે મહિનો શરૂ થયો છે. મે મહિનામાં શેરબજારમાં કુલ 10 દિવસની રજા આવે છે. એટલે કે, આ દિવસો દરમિયાન તમે બજારમાં ટ્રેડિંગ નહીં કરી શકો. આ દિવસો દરમિયાન, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) બંને પહેલી બંધ રહેશે.
1 મેઃ મહારાષ્ટ્ર દિવસની રજા
મહારાષ્ટ્ર દિવસ હોવાથી પહેલી મે, બુધવારના રોજ BSE અને NSE બંને રજા રાખશે. જોકે, કોમોડિટી માર્કેટ MCX અને NSE સાંજના સમયે 5થી 11 વાગ્યા સુધી ખુલશે, પરંતુ NCDEX સંપૂર્ણ દિવસની રજા પાળશે. NCDEXમાં સાંજનું ટ્રેડિંગ સેશન પણ નહીં યોજાય. મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના 1 મે, 1960ના રોજ થઈ હતી. આ દિવસે મહારાષ્ટ્ર નવા રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું. આથી, દર વર્ષે 1 મેના રોજ મહારાષ્ટ્ર દિવસ ઉજવવામાં આવે છે.
20 મેઃ ચૂંટણીની રજા
20 મે, સોમવારના રોજ ચૂંટણીને કારણે રજા આવશે. મુંબઈની તમામ છ લોકસભા બેઠક પર 20મી મેના રોજ મતદાન હોવાથી શેરબજારોમાં રજા રહેશે, કારણ કે BSE અને NSEના હેડક્વાર્ટર મુંબઈમાં છે.
શનિવાર અને રવિવારની 8 રજા
મે મહિનામાં 4 શનિવાર અને 4 રવિવારની કુલ 8 રજા પણ આવશે. 4 અને 5 મે, 11 અને 12 મે, 18 અને 19 મે તથા 25 અને 26 મેના રોજ શનિ-રવિની રજા રહેશે. શેરબજાર સપ્તાહના પ્રથમ પાંચ દિવસ કામ કરે છે અને વીકેન્ડના બે દિવસ રજા હોય છે.
આમ, 1 મે અને 20 મેની રજાની સાથે વીકેન્ડની 8 રજા ગણીએ તો, કુલ 10 દિવસ માટે શેરબજારોમાં રજા છે.
Published - April 29, 2024, 07:38 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો