Kotak Mahindra Bank સામે RBIની કડક કાર્યવાહી, તાત્કાલિક અસરથી બંધ કરી આ સર્વિસ

RBIએ ખાનગી સેક્ટરની Kotak Mahindra Bankને નવા ઓનલાઈન ગ્રાહકો ઉમેરવા પર તેમજ નવા ક્રેડિટ કાર્ડ ઈશ્યૂ કરવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. જોકે, બેન્કના વર્તમાન ગ્રાહકોને મળતી સેવા પર કોઈ અસર નહીં પડે.

RBI, Kotak Mahindra Bank, Credit Card, Online Banking, Mobile Banking, Net Banking, news, Kotak Mahindra, Kotak Mahindra services, rbi news, News in Gujarati, Money9 Gujarati, Feels, Shorts,

Money9 Gujarati:

રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI) એક પછી એક બેન્કો પર પસ્તાળ પાડી રહી છે. પહેલા Paytm Payments Bank પછી, IIFL Finance અને હવે Kotak Mahindra Bank સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. લાગે છે કે, RBI ભારતનાં ફાયનાન્સિયલ અને બેન્કિંગ જગતમાં પારદર્શકતા લાવવા માંગે છે અને ગ્રાહકોના હિતનું રક્ષણ કરવા માટે સમગ્ર સિસ્ટમને ચુસ્ત બનાવવાના પ્રયાસ કરી રહી છે.

કોટક બેન્કની આ સર્વિસ પર તાત્કાલિક પ્રતિબંધ

RBIએ હવે કરોડો ગ્રાહક ધરાવતી ખાનગી સેક્ટરની કોટક મહિન્દ્રા બેન્ક સામે આકરી કાર્યવાહી કરી છે. હવે કોટક મહિન્દ્રા બેન્ક ઓનલાઈન બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ દ્વારા નવા ગ્રાહકો ઉમેરી નહીં શકે. એટલું જ નહીં, તે નવા ક્રેડિટ કાર્ડ પણ નહીં આપી શકે.

શું છે કારણ?

બેન્કની આઈટી સિસ્ટમમાં ખામી હોવાથી, RBIએ તાત્કાલિક અસરથી નવો આદેશ અમલી કરી દીધો છે. કોટક મહિન્દ્રા બેન્કની આઈટી જોખમનું સંચાલન કરવાની તેમજ માહિતીની સલામતીનું સંચાલન કરવાની વ્યવસ્થામાં ખામી હોવાનું માલૂમ પડ્યા બાદ, RBIએ તાત્કાલિક અસરથી નવા ઓનલાઈન ગ્રાહકો ઉમેરવા પર અને ક્રેડિટ કાર્ડ આપવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું કે, કોટક મહિન્દ્રા બેંક લિમિટેડને બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કલમ 35A હેઠળ તાત્કાલિક નવા ગ્રાહકો ઉમેરવાનું અને ઓનલાઈન અને મોબાઈલ બેંકિંગ ચેનલો દ્વારા નવા ક્રેડિટ કાર્ડ આપવાનું બંધ કરવાનો આદેશ આપ્યો છે. જ્યારે, આરબીઆઈએ બેંકના વર્તમાન ગ્રાહકો અને ક્રેડિટ કાર્ડ ધારકોને સેવાઓ પ્રદાન કરવા પર કોઈ પ્રતિબંધ લગાવ્યો નથી.

રિઝર્વ બેંકે કહ્યું કે IT ઈન્વેન્ટરી મેનેજમેન્ટ, પેચ એન્ડ ચેન્જ મેનેજમેન્ટ, યુઝર રીચ મેનેજમેન્ટ, વેન્ડર રિસ્ક મેનેજમેન્ટ, ડેટા સિક્યુરિટી, ડેટા લીક પ્રિવેન્શન સ્ટ્રેટેજી, બિઝનેસ સાતત્ય, ડિઝાસ્ટર રિકવરી હાર્ડનેસ અને ડ્રિલ વગેરે ક્ષેત્રોમાં ખૂબ જ ગંભીર ખામીઓ જોવા મળી છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, બેંકના IT જોખમ અને માહિતી સુરક્ષા શાસનનું સતત બે વર્ષ સુધી ઉણપ તરીકે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જે નિયમનકારી માર્ગદર્શિકા હેઠળની જરૂરિયાતોથી વિપરીત છે.

RBIએ 2022 અને 2023માં કોટક મહિન્દ્રા બેન્કની આઈટી સિસ્ટમની ચકાસણી કર્યા બાદ, બેન્ક પાસે જવાબ માંગ્યો હતો. કોટક બેન્કે જવાબ આપ્યો હતો, પરંતુ તે સંતોષજનક લાગ્યો ન હોવાથી રિઝર્વ બેન્કે કડક પગલું ભર્યું છે. જોકે, વર્તમાન ગ્રાહકોને મળતી સેવા યથાવત્ ચાલુ રહેશે.

કોટક મહિન્દ્રા બેન્કના ગ્રાહકો

કોટક મહિન્દ્રા બેન્ક અત્યાર સુધીમાં 49 લાખ ક્રેડિટ કાર્ડ ઈશ્યૂ કરી ચૂકી છે અને તેના કુલ ગ્રાહકની સંખ્યા 4.12 કરોડ છે. કોટક મહિન્દ્રા બેન્કનો ક્રેડિટ કાર્ડ બિઝનેસ તેના કુલ બિઝનેસમાં લગભગ 3.8 ટકા હિસ્સો ધરાવે છે. આથી, તેના પર આવો પ્રતિબંધ ગંભીર અસર પાડી શકે છે.

 

Published: April 24, 2024, 20:05 IST