FY24માં નાના, મધ્યમ શેર્સમાં મળ્યું તગડું વળતર, FY25માં શું થશે? રોકાણકારોને નવું વર્ષ ફળશે?

છેલ્લા 10 વર્ષમાં Nifty50માં ત્રીજી વખત 26%થી વધુ વળતર મળ્યું છે. BSE Mid cap Index અને Small Cap Indexમાં સામેલ નાની-નાની કંપનીઓના શેરમાં લગભગ 62% વળતર મળ્યું છે.

Shareholders and Mutual Fund Investors will get more benefits

Money9 Gujarati:

શેરબજારે 31 માર્ચ, 2024માં પૂરા થયેલા નાણાકીય વર્ષ 2023-24માં મજબૂત પ્રદર્શન કર્યું છે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે, નવા નાણાકીય વર્ષ 2024-25માં પણ તેજી જળવાઈ રહેશે? શું ચૂંટણી પછી પણ શેરબજારમાં તેજીનું મોમેન્ટમ જોવા મળશે? IPOમાં ધમાકેદાર વળતર મળતું રહેશે? SME IPOમાં ફરી કમાણીની તક મળશે? સ્મોલ કેપ અને મિડકેપને લઈને પ્રવર્તતી ચિંતા ખરેખર ચિંતાજનક બની રહેશે?

માર્કેટના નિષ્ણાતો જણાવે છે કે, નાણાકીય વર્ષ 2024-25માં કંપનીઓ કમાણીમાં મજબૂત વૃદ્ધિ નોંધાવશે. નીતિવિષયક નિર્ણયોમાં સ્થિરતા જોવા મળશે. પરંતુ જિઓપોલિટિકલ પરિસ્થિતિ વણસી તો બજાર પર નેગેટિવ અસર પડવાની શક્યતા છે.

કેવું રહ્યું નાણાકીય વર્ષ FY24?

BSEના મિડ કેપ ઈન્ડેક્સ (Mid cap Index) અને સ્મોલ કેપ ઈન્ડેક્સ (Small Cap Index)માં સામેલ નાની-નાની કંપનીઓના શેરમાં લગભગ 62 ટકા વળતર મળ્યું છે. સેન્સેક્સની સરખામણીએ આ બંને ઈન્ડેક્સની કંપનીઓએ ચઢિયાતું પ્રદર્શન કર્યું હતું.

2023-24માં BSE Mid-Cap Indexમાં 15,013.95 પોઈન્ટ્સ (62.38 ટકા)નો વધારો થયો હતો જ્યારે BSE Small-Cap Indexમાં 16,068.99 પોઈન્ટ્સ (59.60 ટકા) ઉછાળો આવ્યો હતો. તેની તુલનાએ 30-શેરના BSE Sensexમાં 14,659.83 પોઈન્ટ્સ (24.85 ટકા)નો વધારો થયો હતો.

નાણાકીય વર્ષ 2023-24માં શેરબજારે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. 31 માર્ચ, 2023ના રોજ 23,881.79 પોઈન્ટના તેના 52-સપ્તાહના નીચા સ્તરે સરકી ગયા પછી, BSE મિડકેપ ઈન્ડેક્સ 8 ફેબ્રુઆરીના રોજ 40,282.49ના સ્તરે પહોંચ્યો હતો. BSE સ્મોલ-કેપ ઇન્ડેક્સ 7 ફેબ્રુઆરીએ 46,821.39ની તેની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે તે ગયા વર્ષે 31 માર્ચે 26,692.09ની 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યો હતો. આ વર્ષે 7 માર્ચે BSEનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 74,245.17 પોઈન્ટની સર્વકાલીન ટોચે પહોંચ્યો હતો.

બજારના વિશ્લેષકોના મતે, નાની કંપનીઓના શેર સામાન્ય રીતે સ્થાનિક રોકાણકારો દ્વારા ખરીદવામાં આવે છે, જ્યારે વિદેશી રોકાણકારો મોટી કંપનીઓના શેર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. નાણાકીય વર્ષ 2022-23માં, BSE સેન્સેક્સ 423.01 પોઈન્ટ અથવા 0.72 ટકા વધ્યો હતો. જોકે, BSE સ્મોલ-કેપ ઈન્ડેક્સ 1,258.64 પોઈન્ટ અથવા 4.46 ટકા ઘટ્યો હતો, જ્યારે મિડ-કેપ ઈન્ડેક્સ 42.38 પોઈન્ટ અથવા 0.17 ટકા નજીવો ઘટ્યો હતો.

Niftyમાં 10 વર્ષમાં 3 વખત મળ્યું 26%થી વધુ વળતર

જો છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો આ ત્રીજી વખત છે જ્યારે નિફ્ટીનું વળતર 26 ટકાથી વધુ રહ્યું છે. નાણાકીય વર્ષ 2014-15માં નિફ્ટીએ 26 ટકાનું વળતર આપ્યું હતું. છેલ્લા 10 વર્ષમાં નિફ્ટીએ નાણાકીય વર્ષ 2020-21માં સૌથી વધુ 70.9 ટકા વળતર આપ્યું હતું. નાણાકીય વર્ષ 2019-20 માં, નિફ્ટીએ રોકાણકારોને 26 ટકા નુકસાન પહોંચાડ્યું હતું.

નાણાકીય વર્ષ 2023-24માં નિફ્ટીએ 28.6 ટકા વળતર આપ્યું છે. તે જ સમયે, નિફ્ટી મિડકેપે 60.1 ટકાનું વળતર આપ્યું છે અને નિફ્ટી સ્મોલકેપે રોકાણકારોને 69.7 ટકા વળતર આપ્યું છે. FY24 રિટર્ન આપવાના સંદર્ભમાં નિફ્ટી વિશ્વમાં બીજા સ્થાને છે. જાપાનની નિક્કી 43.2 ટકાના વળતર સાથે પ્રથમ ક્રમે છે.

 

Published: March 29, 2024, 19:48 IST