આ રાજ્ય સરકારે કર્યો GRATUITY INSURANCE ફરજિયાત, કેવી રીતે કરે છે કામ?

કર્ણાટક સરકારે તમામ કંપનીઓ માટે ગ્રેજ્યુઇટી વીમો ફરજિયાત બનાવ્યો છે. અન્ય વીમા કવરની જેમ, ગ્રેજ્યુઇટી વીમા માટે વાર્ષિક પ્રીમિયમ ચૂકવવું પડશે.

આ રાજ્ય સરકારે કર્યો GRATUITY INSURANCE  ફરજિયાત, કેવી રીતે કરે છે કામ?

Money9: કર્ણાટકના ધારવાડમાં એક ટેક્સટાઈલ કંપનીમાં કામ કરતા રમેશ ગૌડા ટેન્શનમાં છે. નિવૃત્તિના છ મહિના પછી પણ ગ્રેજ્યુઇટીના પૈસા નથી મળ્યા. ઉપરથી, કંપનીની આર્થિક સ્થિતિ પણ ખરાબ છે…તેમને ડર છે કે ક્યાંક ગ્રેચ્યુટીના પૈસા ડૂબી ના જાય…પરંતુ કર્ણાટક સરકારે એવું પગલું ભર્યું છે…જેનાથી ભવિષ્યમાં રમેશ જેવા લોકોને આ પરિસ્થિતિમાંથી પસાર નહીં થવું પડે. રાજ્ય સરકારે તમામ કંપનીઓ માટે ગ્રેજ્યુઇટી વીમો ફરજિયાત બનાવ્યો છે. કર્ણાટક સરકાર દ્વારા લેવામાં આવેલા આ પગલાના ફાયદાઓને સમજતા પહેલા, આવો ગ્રેજ્યુઇટીનું ગણિત જાણી લઈએ.

કર્મચારીઓના હિતોના રક્ષણ માટે 1972માં ગ્રેજ્યુઇટી એક્ટ ઘડવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ જ્યાં 10 કે તેથી વધુ કર્મચારીઓ કામ કરે છે તેમને ગ્રેજ્યુઇટીનો લાભ આપવામાં આવશે. આ અનિવાર્યપણે એક નાણાકીય લાભ છે જે કર્મચારીઓને તેમની સંસ્થા સાથે લાંબા ગાળા સુધી જોડાઇ રહેવા બદલ રિવોર્ડ તરીકે આપવામાં આવે છે. જ્યારે કોઈ કર્મચારી કોઈ સંસ્થામાં પાંચ વર્ષ કે તેથી વધુ સમય માટે કામ કરે છે તો તે જ્યારે નોકરીમાંથી રાજીનામું આપે છે અથવા તેને નોકરીમાંથી છૂટો કરવામાં આવે છે અથવા તો પછી નિવૃત્ત થાય છે ત્યારે ગ્રેજ્યુઇટીનો લાભ આપવામાં આવે છે. ગ્રેજ્યુઇટીની રકમ કંપનીમાં કર્મચારીની સર્વિસનો સમયગાળો અને માસિક પગાર પર આધાર રાખે છે.

કંપની છોડતી વખતે કર્મચારીને કેટલી ગ્રેજ્યુઇટી મળશે તેની એક ફોર્મ્યુલા છે. સામાન્ય રીતે એક વર્ષની નોકરી પર 15 દિવસનો પગાર આપવામાં આવે છે. પરંતુ આ ગણતરીમાં વીકઓફનો સમાવેશ નથી થતો. આવી સ્થિતિમાં, ગ્રેજ્યુઇટી મહિનામાં 26 દિવસના આધારે ચૂકવવામાં આવે છે. ઉદાહરણ તરીકે, રમેશે ટેક્સટાઇલ કંપનીમાં 28 વર્ષ નોકરી કરી છે અને લાસ્ટ મંથની સેલેરી 30 હજાર રૂપિયા છે… તો તેની ગ્રેજ્યુઇટીની ગણતરી આ ફોર્મ્યુલાના આધારે કરવામાં આવશે-

આ રીતે રમેશને 4,84,615 રૂપિયાની ગ્રેજ્યુઇટી મળશે.

જો કંપની ઈચ્છે તો વર્ષમાં 15 દિવસથી વધુની ગ્રેજ્યુઇટી પણ આપી શકે છે. કેટલીક કંપનીઓ તેમના બ્રાન્ડિંગ માટે અને કર્મચારીઓનો વિશ્વાસ જીતવા માટે આવું કરે પણ છે.

ગ્રેજ્યુઇટીની જવાબદારીને પહોંચી વળવા માટે, કેટલીક કંપનીઓ ગ્રુપ ગ્રેજ્યુઇટી વીમો પણ લે છે. દેશની લગભગ તમામ જીવન વીમા કંપનીઓ આ પ્રોડક્ટનું વેચાણ કરી રહી છે. તમામ કર્મચારીઓને સમયસર ગ્રેજ્યુઇટી ચૂકવવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે, કર્ણાટક સરકારે તમામ કંપનીઓ માટે વર્ષ 2024 થી ગ્રેજ્યુઇટી વીમો લેવો ફરજિયાત બનાવ્યો છે.

હવે સવાલ એ છે કે આ પોલિસી કેવી રીતે કામ કરે છે?

અન્ય વીમા કવરની જેમ, ગ્રેજ્યુઇટી વીમા માટે વાર્ષિક પ્રીમિયમ ચૂકવવું પડશે. ઉદાહરણ તરીકે, ABC કંપનીમાં 100 કર્મચારીઓ છે. જો કંપની ગ્રેજ્યુઇટીની જવાબદારીને પહોંચી વળવા માટે વીમો લે છે, તો તેનું વાર્ષિક પ્રીમિયમ ચૂકવવું પડશે. કંપની દર વર્ષે કર્મચારીના પગારમાં વધારો કરે છે, તેથી ગ્રેજ્યુઇટી કવરની રકમ પણ વધશે. તેથી જ વીમા પ્રિમિયમની રકમ પણ દર વર્ષે વધે છે. વાર્ષિક પ્રીમિયમથી કંપની ગ્રેજ્યુઇટી માટે એક કોર્પસ બનાવે છે. આ ફંડમાંથી કર્મચારીઓની ગ્રેજ્યુઇટી ચૂકવવામાં આવે છે.

આ રીતે, ગ્રેજ્યુઇટી વીમાનો અર્થ એ છે કે જો કોઈ કંપની આર્થિક સંકટમાં મૂકાય છે તો વીમા કંપની કર્મચારીની ગ્રેજ્યુઇટી ચૂકવવાનું ચાલુ રાખશે. આનાથી રમેશ જેવા લોકોને પેમેન્ટ માટે ભટકવું નહીં પડે.

કંપની માટે રાહતની બાબત એ છે કે કંપની ગ્રેજ્યુઇટી વીમા પ્રીમિયમની રકમ તેના ખર્ચમાં ઉમેરી શકે છે અને તેને તેની વાર્ષિક આવકમાંથી બાદ કરીને કર ટેક્સ છૂટનો લાભ મેળવી શકે છે. સરકારી ક્ષેત્રમાં, નિવૃત્તિ સમયે કર્મચારીને મળનારી ગ્રેજ્યુઇટી સંપૂર્ણપણે કરમુક્ત હોય છે, જ્યારે ખાનગી ક્ષેત્રમાં કેટલીક શરતોની સાથે 20 લાખ
રૂપિયા સુધીની રકમ કરમુક્ત હોય છે.

ટેક્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ બળવંત જૈન કહે છે કે કર્ણાટક સરકારે કંપનીઓ માટે ગ્રેજ્યુઇટી ઇન્સ્યોરન્સ ફરજિયાત બનાવીને પ્રશંસનીય કામ કર્યું છે. આનાથી કંપની મેનેજમેન્ટને ગ્રેચ્યુટીની ચુકવણી અંગેની ચિંતા નહીં કરવી પડે. જો કોઈ કંપની આર્થિક સંકટમાં ફસાઈ જાય છે તો તેના કર્મચારીઓ ગ્રેજ્યુઇટીની ચૂકવણીને લઈને બેફિકર રહેશે. કારણ કે આવી સ્થિતિમાં વીમા કંપની ગ્રેજ્યુઇટી ચૂકવશે. સરકારની આ પહેલથી કંપની અને કર્મચારીઓ બંનેને ફાયદો થશે.

દેશમાં છેલ્લા કેટલાક સમયથી કર્મચારીઓની છટણી ચાલી રહી છે. મોટી કંપનીઓ નાણાકીય કટોકટીનો સામનો કરે છે પરંતુ સ્ટાર્ટઅપ્સ અને નાની કંપનીઓને એકસાથે વધુ કર્મચારીઓની છટણી અથવા સામૂહિક રાજીનામાના કિસ્સામાં ગ્રેજ્યુઇટી ચૂકવવામાં મુશ્કેલી પડે છે. આવી પરિસ્થિતિથી બચવા માટે, ગ્રુપ ગ્રેજ્યુઇટી ઇન્સ્યોરન્સ એક સારો વિકલ્પ છે. હાલમાં આ ઇન્સ્યોરન્સ ફક્ત કર્ણાટકમાં જ ફરજિયાત બનાવાયો છે. જો અન્ય રાજ્યો પણ આવી પહેલ કરે તો તેનાથી મોટી સંખ્યામાં કર્મચારીઓને ફાયદો થશે.

Published: March 29, 2024, 18:57 IST