સોનું રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યું, ક્રૂડ ઓઈલ પણ $90ને પાર

આંતરરાષ્ટ્રીય સ્તરે હાજર બજારમાં સોનું 1.3% વધીને $2,320.04 પ્રતિ ઔંશે પહોંચ્યું છે. આ લેવલે પહોંચતા પહેલાં તેણે $2,324.79ની રેકોર્ડ ઊંચી સપાટી બનાવી હતી.

Gold, Gold Prices, Crude Oil, Petrol, Diesel, Oil Import, US Gold futures, Jerome Powell, Silver Gold COMEX Metal, Bullion, Commodities, Precious metal, Breaking News, Markets, Monetary policy, Interest Rates, Inflation, Economy, business news, Oil and Gas, WTI Crude, ICE Brent Crude, Iran, Israel, Money9 Gujarati

Money9 Gujarati:

આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ અને ક્રૂડ ઓઈલમાં તેજી જામી છે. ગોલ્ડની કિંમત તો ઓલ-ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગઈ છે જ્યારે ક્રૂડ ઓઈલ પણ પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચીને 90 ડૉલરને પાર થઈ ગયું છે. ક્રૂડ મોંઘું થવાથી ભારતની ચિંતા વધી છે કારણ કે, ભારત તેની કુલ જરૂરિયાતનો 80 ટકાથી પણ વધારે ક્રૂડ આયાત કરે છે. ભારતીય રૂપિયો પણ ડૉલર સામે નવા તળિયે પહોંચ્યો છે, જેના લીધે ભારતે મોંઘા ભાવના ડૉલર ચૂકવીને ઊંચા ભાવે ક્રૂડ ઓઈલ ખરીદવું પડે છે.

કેમ વધ્યું સોનું?

5 એપ્રિલ, શુક્રવારના રોજ આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડની કિંમત રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી હતી. માર્ચમાં અમેરિકાએ જોબ ગ્રોથમાં મજબૂત વૃદ્ધિ કરી હોવા છતાં અન્ય કેટલાક પરિબળોએ ગોલ્ડને તેજીનું ઈંધણ પૂરું પાડ્યું છે. અમેરિકામાં જૂનમાં વ્યાજ દર ઘટવાની શક્યતા છે જેના લીધે સટ્ટાકીય ખરીદી થઈ રહી છે તેમજ દુનિયાભરની મધ્યસ્થ બેન્કો ગોલ્ડની ખરીદી વધારી રહી છે. આ પરિબળોને લીધે ગોલ્ડ સતત તેજીતરફી ચાલ દર્શાવી રહ્યું છે અને 2,300 ડૉલરને પાર થઈ ગયું છે.

રેકોર્ડ બ્રેક ભાવ

હાજર બજારમાં સોનું 1.3 ટકા વધીને 2,320.04 ડૉલર પ્રતિ ઔંસ પર પહોંચ્યું હતું. દિવસ દરમિયાન તેણે 2,344.50 ડૉલરની વિક્રમી સપાટી હાંસલ કરી હતી. 5 એપ્રિલે સમાપ્ત થયેલા સપ્તાહમાં ગોલ્ડ અત્યાર સુધીમાં 3.8 ટકા વધ્યું છે અને તે સતત ત્રીજા સપ્તાહે તેમાં વધારો નોંધાયો છે. અમેરિકામાં ગોલ્ડ વાયદો 1.4 ટકા વધીને 2,339.70 ડૉલરે ચાલી રહ્યો છે.

ક્રૂડ ઓઈલ $90ને પાર

ઓઈલની કિંમત પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. ઇરાન તરફથી ધમકીઓ મળ્યા બાદ ઇઝરાયેલે દૂતાવાસો બંધ કરી દીધા હોવાથી મધ્ય પૂર્વમાં તણાવ વધી રહ્યો છે અને તેની અસર ક્રૂડ ઓઈલના ભાવમાં જોવા મળી છે. WTI ક્રૂડનો ભાવ 87 ડૉલર પ્રતિ બેરલને પાર થઈ ગયો છે જ્યારે આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડનો ભાવ 90 ડૉલરને પાર થયો છે.

મે ડિલિવરી માટે WTI (West Texas Intermediate) ક્રૂડના ભાવ 78 સેન્ટ્સ અથવા 0.9 ટકા વધીને 87.37 ડૉલર પ્રતિ બેરલ થયા છે જ્યારે બ્રેન્ટ ક્રૂડના જૂન કોન્ટ્રાક્ટના ભાવ 88 સેન્ટ, 0.97 ટકા વધીને 91.53 ડૉલર પ્રતિ બેરલ થયા છે. યુએસ ક્રૂડ 5 એપ્રિલે સમાપ્ત થયેલા સપ્તાહમાં 5.03 ટકા વધ્યું છે જ્યારે વૈશ્વિક બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 4.62 ટકા વધ્યું છે.

 

Published: April 5, 2024, 23:05 IST