Adani group, Ambuja Cements, mg motor, nestle, Cerelac, google, toshibaના સમાચારો

આ વીકલી રિપોર્ટમાં અમે તમને બતાવીશું કોર્પોરેટ અને સ્ટાર્ટઅપ્સ જગતના સમાચાર

Adani group, Ambuja Cements, mg motor, nestle, Cerelac, google, toshibaના સમાચારો

Money9: આખા સપ્તાહના કોર્પોરેટ અને સ્ટાર્ટ અપ્સ જગતના મહત્વના સમાચારો

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પરિવારે અંબુજા સિમેન્ટ્સમાં વધારાના રૂ. 8,339 કરોડનું રોકાણ કર્યું છે. આ સાથે કંપનીમાં તેમનો હિસ્સો 63.2 ટકાથી વધીને 70.3 ટકા થયો છે.. આ પગલાથી સિમેન્ટ કંપનીની ઉત્પાદન ક્ષમતામાં વધારો થવાની ધારણા છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અદાણી પરિવારે અગાઉ 18 ઓક્ટોબર, 2022ના રોજ કંપનીમાં રૂ. 5,000 કરોડ અને 28 માર્ચ, 2024ના રોજ રૂ. 6,661 કરોડનું રોકાણ કર્યું હતું. આ નવીનતમ રોકાણ સાથે તેણે તેની રૂ. 20,000 કરોડની યોજના પૂર્ણ કરી છે. નવીનતમ રોકાણથી અંબુજા સિમેન્ટમાં અદાણી પરિવારનો હિસ્સો 3.6 ટકા વધ્યો છે.

કાર ઉત્પાદક એમજી મોટર ઇન્ડિયા તેના ગ્રોથના આગલા તબક્કા માટે ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં 100 નવા શોરૂમ અને સર્વિસ સેન્ટર ખોલવાની યોજના બનાવી રહી છે. આ સાથે કંપની દેશની ત્રીજી અને ચોથી કેટેગરીના શહેરો તરફ આગળ વધી રહી છે. MG મોટરે JSW ગ્રૂપના એક રોકાણકાર તરીકે બોર્ડમાં સામેલ થયા બાદ ગયા મહિને રૂ. 5,000 કરોડનું રોકાણ કરવાની યોજના જાહેર કરી હતી. કંપનીએ 2030 સુધીમાં ભારતમાં પેસેન્જર ઇલેક્ટ્રિક વાહનોના 10 લાખ યુનિટ વેચવાનું લક્ષ્ય પણ નક્કી કર્યું છે. કંપની નાણાકીય વર્ષ 2024-25ના અંત સુધીમાં 270 શહેરોમાં કુલ 520 સેલ્સ એન્ડ સર્વિસ સેન્ટરનું નેટવર્ક સ્થાપવાનું લક્ષ્ય ધરાવે છે. આ ઉપરાંત કંપની દર ત્રણથી છ મહિને એક નવું મોડલ રજૂ કરવાની પણ યોજના ધરાવે છે.

જાયન્ટ ટેક કંપની ગૂગલ દ્વારા 2024ની પ્રથમ છટણીની જાહેરાત કરવામાં આવી છે. કંપની દ્વારા રિસ્ટ્રક્ચરિંગ પ્લાન હેઠળ આ છટણી કરવામાં આવી છે. અમેરિકન મીડિયા રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ પણ છટણીને લઈને નિવેદન આપ્યું હતું. હાલમાં ગૂગલે એ વાતનો ખુલાસો કર્યો નથી કે કેટલા કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. પરંતુ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ફાઇનાન્સ ડિવિઝનના લોકો આ છટણીથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. આ છટણીની અસર એશિયા, યુરોપ અને મધ્ય પૂર્વમાં ગૂગલના કર્મચારીઓ પર થશે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કંપની બેંગલુરુ, ડબલિન, મેક્સિકો સિટી, એટલાન્ટા અને શિકાગોમાં સેન્ટ્રલ હબ બનાવવા જઈ રહી છે.

નેસ્લે ઈન્ડિયાનો દાવો છે કે તેણે છેલ્લા 5 વર્ષમાં ભારતમાં બેબી ફૂડ પ્રોડક્ટ્સમાં ખાંડના પ્રમાણમાં 30 ટકાથી વધુનો ઘટાડો કર્યો છે. Nescafe, Cerelac અને Maggi જેવી પ્રોડક્ટ્સ બનાવતી કંપનીએ આ સ્પષ્ટતા એવા અહેવાલો વચ્ચે આપી છે કે તે ઓછા વિકસિત દેશોમાં વધુ ખાંડ ધરાવતી પ્રોડક્ટ્સ વેચી રહી છે. સ્વિસ એનજીઓ પબ્લિક આઈ અને ઈન્ટરનેશનલ બેબી ફૂડ એક્શન નેટવર્કના તારણો અનુસાર, નેસ્લેએ યુરોપમાં તેના બજારો કરતાં ભારત સહિત ઓછા વિકસિત દક્ષિણ એશિયાઇ દેશો, આફ્રિકી અને લેટિન અમેરિકી દેશોમાં વધુ ખાંડવાળા બેબી પ્રોડક્ટ્સનું વેચાણ કર્યું હતું. અહેવાલ મુજબ, છ મહિનાના બાળકો માટે નેસ્લેની ઘઉં આધારિત પ્રોડક્ટ ‘સેરેલેક’ બ્રિટન તથા જર્મનીમાં વધારાની કોઇ ખાંડ ઉમેર્યા વિના વેચાય છે, પરંતુ ભારતમાંથી વિશ્લેષણ કરાયેલા 15 સેરેલેક ઉત્પાદનોમાં એક જ સર્વિંગમાં સરેરાશ 2.7 ગ્રામ ખાંડ હતી.

જાયન્ટ જાપાનીઝ કંપની તોશિબા કોર્પોરેશને જાપાનમાં 5,000 કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે. જે કંપનીના કુલ કર્મચારીઓના 10 ટકા છે. કંપનીના ઓપરેશનલ રિસ્ટ્રક્ચરિંગને કારણે તોશિબા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કંપની ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ ટેક્નોલોજી જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. તમને જણાવી દઈએ કે, તોશિબા જાપાનની સૌથી મોટી એમ્પ્લોયર કંપનીઓમાંથી એક છે. પરંતુ તાજેતરના વર્ષોમાં કંપનીને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. કંપનીમાં અનેક પ્રકારના મેનેજમેન્ટ અને કૌભાંડો પ્રકાશમાં આવ્યા છે. તાજેતરના વર્ષોમાં જાપાનમાં આ સૌથી મોટી છટણી છે. આ છટણીની જાપાનના કોર્પોરેટ કલ્ચર પર અસર પડશે, જ્યાં મજબૂત શ્રમ કાયદાઓને કારણે છટણી થવી એ કોઇ સામાન્ય વાત નથી. જાપાનમાં નોકરી કરનારા અને યુવાનોની અન્ય દેશોની સરખામણીએ અછત છે.

Published: April 19, 2024, 17:13 IST