સરકારી બેંકોમાં આટલા મોટા પાયે રાજીનામા કેમ પડી રહ્યા છે?

નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં જાહેર ક્ષેત્રની બેંકોને કહ્યું છે કે તેઓ તેમના બિઝનેસને વધારવા માટે ટોચના સ્તરે સક્ષમ કર્મચારીઓની ભરતી અંગે કોઇ સમાધાન ન કરે. નાણામંત્રીએ આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે જાહેર ક્ષેત્રની બેંકોના ટોચના લેવલના કર્મચારીઓ એક પછી એક રાજીનામા આપી રહ્યા છે.

સરકારી બેંકોમાં આટલા મોટા પાયે રાજીનામા કેમ પડી રહ્યા છે?

Money9: નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં જાહેર ક્ષેત્રની બેંકોને કહ્યું છે કે તેઓ તેમના બિઝનેસને વધારવા માટે ટોચના સ્તરે સક્ષમ કર્મચારીઓની ભરતી અંગે કોઇ સમાધાન ન કરે. નાણામંત્રીએ આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે જાહેર ક્ષેત્રની બેંકોના ટોચના લેવલના કર્મચારીઓ એક પછી એક રાજીનામા આપી રહ્યા છે.

આ કર્મચારીઓની નિમણૂક લેટરલ ભરતીની પ્રક્રિયા દ્વારા કરવામાં આવી હતી. મોટાભાગના કર્મચારીઓ ડિજિટલ હેડ અથવા સીટીઓ એટલે કે બેંકોના ચીફ ટેકનોલોજી ઓફિસર હતા. સતત રાજીનામા બાદ જાહેર ક્ષેત્રની બેંકોમાં લેટરલ રિક્રુટમેન્ટની જરૂરિયાત પર પણ સવાલો ઉભા થયા છે. સવાલ એ ઉભો થાય છે કે જાહેર ક્ષેત્રની બેંકોમાં આટલા મોટા પાયે રાજીનામા કેમ આપવામાં આવી રહ્યા છે? આવો આ પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયાસ કરીએ.

રાજીનામાના કારણોની ચર્ચા કરતા પહેલા, પહેલા સમજીએ કે લેટરલ હાયરિંગ શું છે? સરળ શબ્દોમાં કહીએ તો, લેટરલ હાયરિંગ અથવા ભરતીનો અર્થ એ છે કે કોઇ કર્મચારીની નવી સંસ્થામાં એ જ પોસ્ટ પર ભરતી કરવી જે પોસ્ટ પર તેની વર્તમાન સંસ્થામાં ભરતી કરવામાં આવી હતી.

ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ કોઇ કંપનીમાં પ્રોડક્ટ હેડ હોય અને બીજી કંપની તેને પોતાની કંપનીમાં તે જ પદ પર અથવા તેની સમકક્ષ પોસ્ટ માટે ભરતી કરે, તો તેને લેટરલ હાયરિંગ કહેવામાં આવે છે.

મોટી સરકારી બેંકોએ પોતાને ત્યાં ખાનગી ક્ષેત્રની બેંકોમાંથી કર્મચારીઓની ભરતી કરવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ તેમના પ્રયત્નોનું શુભ પરિણામ ન આવ્યું. મીડિયા અહેવાલો અનુસાર, સરકારી બેંકોમાં હાલના ડિજિટલ હેડની કુલ CTC એટલે કે કોસ્ટ ટુ કંપની આશરે 70-75 લાખ રૂપિયા વાર્ષિક છે. આમાં તમામ પ્રકારના ભથ્થાંનો સમાવેશ થાય છે. તેનાથી વિપરીત, ખાનગી ક્ષેત્રની બેંકોમાં આ પગાર 1 કરોડ રૂપિયા છે. પગારમાં આટલા મોટા તફાવતને કારણે જાહેર ક્ષેત્રની બેંકોના વર્તમાન સીનિયર અધિકારીઓ અને ખાનગી ક્ષેત્રની બેંકોમાંથી લેટરલ ભરતી કરાયેલા નવા અધિકારીઓ વચ્ચે એક પ્રકારનું મનદુઃખ ઉભું થયું છે. કારણ કે આ નવા અધિકારીઓને હાલના અધિકારીઓ કરતાં વધુ સેલેરી મળી રહી છે. આવા સંજોગોમાં વર્તમાન અધિકારી નવા ભરતી થયેલા લોકોને પે સ્કેલ પર સવાલો ઉભા કરી રહ્યા છે.

આ ઉપરાંત ખરાબ વર્ક કલ્ચર, સીનિયર અધિકારીઓનો સહયોગ ન કરવો, મોટી આશાઓ અને નિર્ણય લેવાની પ્રક્રિયા ધીમી થવી, આ એ તમામ કારણો છે જેને લઇને લેટરલ ભરતી કરાયેલા સીનિયર અધિકારીઓ રાજીનામું આપી રહ્યા છે.

સૌથી મહત્વની વાત એ છે કે આ બેંકોના મોટાભાગના કર્મચારીઓ હજુ પણ ટેક-સેવી એટલે કે ટેકનિકલી સાઉન્ડ નથી. ગયા વર્ષે ઓક્ટોબરમાં આરબીઆઈએ બેંક ઓફ બરોડા એટલે કે BoBને તેની BoB વર્લ્ડ મોબાઈલ એપ પર નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેનું કારણ એ હતું કે બેંકે તેના ગ્રાહકોના ખાતા સાથે બેંક એજન્ટોના અનઓથોરાઇઝ્ડ નંબરો લિંક કરી દીધા હતા. આ કારણોસર એજન્ટોએ બેંકના ગ્રાહકોના ખાતામાંથી કરોડો રૂપિયા ઉડાવી લીધા હતા.

આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ બેંકના ચીફ ડિજિટલ ઓફિસર અખિલ હાંડાએ ચુપચાપ રીતે પોાના પદ પરથી રાજીનામું આપી દીધું. બાદમાં, બેંકના MD અને CEO દેબદત્ત ચંદે કહ્યું કે BoB વર્લ્ડ એપના મિસમેનેજમેન્ટ માટે અખિલ હાંડાનો કોન્ટ્રાક્ટ સમાપ્ત કરી દેવામાં આવ્યો છે. આવું માત્ર BoB એપ સાથે નથી થયું પરંતુ SBIની YONO એપમાં પણ વારંવાર ટેકનિકલ સમસ્યાઓ આવી રહી છે.

એવા સમયે જ્યારે Paytm જેવી ફિનટેક કંપનીઓ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે ત્યારે સાર્વજનિક ક્ષેત્રની બેંકો પાસે તેમના કર્મચારીઓની કુશળતાનો લાભ લેવાની અને તેમના ગ્રાહકોને સરળ ડિજિટલ સેવાઓ પ્રદાન કરવાની તક છે. તેના બદલે આ બેંકો પોતાના ખરાબ વર્ક કલ્ચરનો સામનો કરી રહી છે અને એક મોટી તક ગુમાવી રહી છે.

Published: April 23, 2024, 19:56 IST