ફુગાવો અને ક્રૂડ ઓઈલ ભારત સહિતના દેશોમાં ઊંચા વ્યાજ દર જાળવી રાખશે?

માર્ચમાં અમેરિકામાં હેડલાઈન ફુગાવો અપેક્ષા કરતાં ઊંચો આવ્યો હોવાથી નજીકના ગાળામાં ફેડરલ રિઝર્વ દ્વારા રેટ કટની શક્યતા પર પાણી ફરી ગયું છે.

Uday Kotak, Kotak Mahindra Bank, Banker, US inflation, rate cut, RBI, US Federal Reserve, Crude Oil, Interest Rates, Election, Economy, India, Prices, Money9 Gujarati

Money9 Gujarati: અમેરિકામાં વ્યાજ દર ઘટવાની શક્યતા વચ્ચે ફુગાવાના આંકડા અપેક્ષા કરતાં ઊંચા આવ્યા છે. 10 એપ્રિલે જાહેર થયેલા આંકડા પ્રમાણે, માર્ચ મહિનામાં અમેરિકાનો હેડલાઈન ફુગાવાનો દર 3.5 ટકા રહ્યો છે, જે અગાઉના મહિને 3.2 ટકા હતો. ફુગાવો હજુ અંકુશમાં ના હોવાથી અમેરિકામાં વ્યાજ દર ઘટવાનું ચિત્ર ફરી ધૂંધળું થવાની શક્યતા છે. આ બાબતને ધ્યાનમાં લઈને ભારતના પીઢ બેન્કર ઉદય કોટકે ચિંતા વ્યક્ત કરી છે અને વૈશ્વિક સ્તરે હજુ પરિસ્થિતિ ચિંતાજનક હોવાની ટિપ્પણી કરી છે.

ભારતમાં પણ ઊંચા રહેશે વ્યાજ દર?

અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા જૂન મહિનાથી ઈન્ટરેસ્ટ રેટમાં ઘટાડો શરૂ થવાની શક્યતા હતી, પરંતુ અપેક્ષા કરતાં વધારે પડતા ફુગાવાના આંકડા બાદ આ આશા પર પાણી ફરી શકે છે. ખાનગી સેક્ટરની કોટક મહિન્દ્રા બેન્કના સ્થાપક ઉદય કોટકે 2023માં બેન્કના MD અને CEOના હોદ્દા પરથી રાજીનામુ આપ્યું હતું. કોટક જણાવે છે કે, અમેરિકામાં ફુગાવાનો ઊંચો દર વત્તા આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ 90 ડૉલરે પહોંચ્યા હોવાથી ગ્લોબલ લેવલે ઈન્ટરેસ્ટ રેટ્સ ઊંચા જળવાઈ રહેશે અને ભારત પણ તેમાંથી બાકાત નથી.

 

2024ના અંત સુધીમાં રેટ કટની શક્યતા

કોટકને લાગે છે કે, નવેમ્બરના પ્રારંભમાં જ્યારે અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણી યોજાવાની છે તેની આસપાસ ફેડરલ રિઝર્વ દ્વારા રેટ કટની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં વ્યાજના દર ઘટાડવાની વાતો ઘણા મહિનાઓથી થઈ રહી છે, પરંતુ ફુગાવો નરમ થવાની રાહ જોવાઈ રહી છે. ફેડ રિઝર્વની તાજેતરની બેઠકમાં પણ નોંધવામાં આવ્યું હતું કે, જ્યાં સુધી ફુગાવો નક્કરપણે ઘટી રહ્યો હોવાના મજબૂત સંકેત નહીં મળે ત્યાં સુધી વ્યાજ દર ઘટાડવાની ઉતાવળ કરવામાં નહીં આવે. હવે જે આંકડા જાહેર થયા છે તે અપેક્ષાથી ઘણા વધારે છે. આથી, નજીકના સમયગાળામાં વ્યાજ દરમાં કાપની શક્યતાનો છેદ ઉડી જાય છે અને કદાચ 2024ના અંત સુધીમાં એકાદ રેટ કટ થાય તેવી શક્યતા લાગે છે. ફુગાવાના આંકડા બાદ, અમેરિકાના શેરબજારમાં 1થી 1.5 ટકાનો ઘટાડો થયો હતો અને અમેરિકન ટ્રેઝરી યીલ્ડ પણ વધીને 4.5 ટકાની ઉપર પહોંચી ગઈ હતી.

ભારતની વાત કરીએ તો, રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)એ તાજેતરમાં એપ્રિલના પ્રારંભે મળેલી બેઠકમાં પણ રેપો રેટ 6.5 ટકાએ યથાવત્ જાળવી રાખ્યો હતો. RBIને લાગે છે કે, નાણાકીય વર્ષ 2024-25માં હેડલાઈન ફુગાવો ઘટીને 4.5 ટકા થશે અને ત્યારપછીની બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડાની સાયકલ શરૂ થઈ શકે છે.

Published: April 11, 2024, 16:17 IST