Money9 Gujarati: ભારતીય રૂપિયો 13 માર્ચે અમેરિકન ડૉલર સામે છેલ્લાં ત્રણ સપ્તાહમાં સૌથી ખરાબ રીતે ઘટ્યો છે. વિદેશી રોકાણકારોની વેચવાલીને કારણે રૂપિયા પર દબાણ વધ્યું છે. અમેરિકામાં ફુગાવાના આંકડા અપેક્ષા કરતાં વધારે રહેવાથી અન્ય ચલણ ઘટ્યા છે અને તેની અસર પણ રૂપિયા પર પડી છે.
ડૉલર સામે રૂપિયો 82.8625ના ભાવે બંધ રહ્યો હતો. અગાઉના દિવસે રૂપિયો 82.7675ના ભાવે બંધ રહ્યો હતો. સિંગલ-સેશનમાં આટલો મોટો ઘટાડો છેક ફેબ્રુઆરી 2023 પછી પ્રથમવાર છે.
કરન્સી ટ્રેડર્સ જણાવે છે કે, બ્રિટિશ અમેરિકન ટોબેકો (BAT) દ્વારા ભારતીય કંપની ITCના લગભગ 2 અબજ ડૉલરના શેર્સ વેચવામાં આવ્યા હોવાથી રૂપિયા પર દબાણ સર્જાયું હતું. આ ઉપરાંત, શેરબજારમાં વેચવાલીને લીધે પણ રૂપિયા પર દબાણ સર્જાયું હતું. 13 માર્ચે ફોરેન ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ (FII) દ્વારા 4,595 રૂપિયાનો માલ વેચવામાં આવ્યો હતો.
રિલાયન્સ સિક્યોરિટીઝના સીનિયર રિસર્ચ એનાલિસ્ટ (કરન્સી એન્ડ કોમોડિટીઝ) જિગર ત્રિવેદી જણાવે છે કે, “ITCમાં બ્લોક ડીલને કારણે ડૉલરની ડિમાન્ડ વધી હતી. જોકે, આ એક કામચલાઉ અસર હતી.” જોકે, ઈક્વિટી બજારો તૂટવાથી અને ડૉલર ઈન્ડેક્સના ટ્રેન્ડને ધ્યાનમાં લઈએ તો ભારતીય રૂપિયો હજુ પણ ઘટીને 83ના લેવલે પહોંચી શકે છે અને પછી 83.20ની આસપાસ જોવા મળે તેવી શક્યતા છે, એમ તેમણે ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ 12 માર્ચે જાહેર કરેલા ડેટા અનુસાર, ફેબ્રુઆરીમાં US કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં વિશ્લેષકોની અપેક્ષા કરતાં વધારે ઉછાળો નોંધાયો છે અને ભાવ પર દબાણ જળવાઈ રહેવાના સંકેત છે.
જોકે ફેબ્રુઆરીમાં CPI અંદાજ મુજબ 0.4 ટકા વધ્યો હતો. વાર્ષિક ધોરણે 3.2 ટકાનો વધારો થયો છે અને અપેક્ષા 3.1 ટકાની હતી. કોર ફુગાવાના આંકડા પણ અંદાજ કરતાં ઉપર છે.
રોકાણકારોએ મે મહિનામાં ફેડરલ રિઝર્વ દ્વારા રેટ કટની શક્યતાને વધુ ઘટાડી હતી. આગામી સપ્તાહની બેઠકમાં રેટ કટની શક્યતા લગભગ નહિવત્ છે. યુએસ સેન્ટ્રલ બેંક આગામી 19-20 માર્ચે મળવાની છે.
અમેરિકાના ફુગાવાના આંકડા જાહેર થયા બાદ એશિયાના મોટા ભાગના ચલણમાં ઘટાડો જોવા મળ્યો હતો. કોરિયન વોન 0.4 ટકા ઘટ્યો હતો.
ડૉલર ઇન્ડેક્સ 103ની ઉપર ચઢ્યો છે જ્યારે યુએસ ટ્રેઝરી યીલ્ડ્સમાં વધારો થયો હતો.
USD/INR ફોરવર્ડ પ્રીમિયમ ઘટ્યું છે અને વન-યર implied yield 0.5 ટકા ઘટીને 1.65 ટકા થઈ છે.
સામાન્ય રીતે, અમેરિકામાં વ્યાજ દર ઘટે ત્યારે ઈમર્જિંગ દેશોના ચલણ મજબૂત બને છે. ઘણા એનાલિસ્ટ્સે શક્યતા વ્યક્ત કરી છે કે, 2024માં અમેરિકામાં વ્યાજ દર ઘટવાથી ચાઈનીઝ યુઆન, ભારતીય રૂપિયો અને કોરિયન વોન મજબૂત થવાની શક્યતા છએ. સૌથી વધુ ફાયદો તો કોરિયન વોનને થઈ શકે છે અને તેની કરન્સી 10 ટકા સુધી મજબૂત થઈ શકે છે.
જોકે, JPMorgan Private Bankના સ્ટ્રેટેજિસ્ટ જણાવે છે કે, અમેરિકામાં રેટ કટ થવાથી એશિયાની કરન્સીને ફાયદો થવાની શક્યતા નથી, કારણ કે, અમેરિકામાં મંદી નહીં, પરંતુ સોફ્ટ લેન્ડિંગની આગાહી થઈ રહી છે અને તેનાથી US ડૉલરને ટેકો મળશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો