Money9 Gujarati:
અમેરિકામાં ક્રિસમસ હોલિડેને કારણે માહોલ સુધરવાથી સુરતનાં ડાયમંડ ઉદ્યોગમાં રિકવરીના પ્રારંભિક સંકેત મળી રહ્યાં છે. સતત 8 મહિના સુધી મુશ્કેલીનો સામનો કર્યા બાદ આખરે નવેમ્બરમાં ડાયમંડની ડિમાન્ડ વધી છે અને ડિસેમ્બરમાં પણ ડિમાન્ડ વધારે રહેવાનો અંદાજ છે. અમેરિકામાં 1 કેરેટથી વધુ કેરેટના ડાયમંડની ખરીદી વધવા લાગી છે, જેના કારણે ભારતની ડાયમંડ નિકાસને ટેકો મળ્યો છે. કુલ ડાયમંડ નિકાસમાં 1 કેરેટથી વધુ કેરેટના ડાયમંડનો હિસ્સો 50 ટકાથી પણ વધારે હોવાથી તેની માંગમાં વધારો થવો અત્યંત મહત્ત્વનો છે.
નવેમ્બરમાં નેચરલ ડાયમંડ જ્વેલરીનું વેચાણ યુનિટની દૃષ્ટિએ 5.1 ટકા જ્યારે આવકની દૃષ્ટિએ 4.7 ટકા વધ્યું છે. અમેરિકામાં ડિસેમ્બર મહિનાની હોલિડે સીઝનને કારણે નવેમ્બરમાં ખરીદી વધી હોવાથી ડાયમંડ જ્વેલરીની ડિમાન્ડમાં વધારો થયો છે. નવેમ્બરમાં US લૂઝ ડાયમંડનું વેચાણ યુનિટના સંદર્ભમાં 16 ટકા વધ્યું છે. સરકારે જાહેર કરેલા તાજા આંકડા પણ દર્શાવે છે કે, નવેમ્બર 2023માં ભારતમાંથી થતી જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસમાં 11.97 ટકાનો ઉછાળો થયો છે.
વિશ્વનાં 90 ટકા ડાયમંડનું કટિંગ અને પોલિશિંગ ભારતમાં થાય છે. ભારતનો ડાયમંડ ઉદ્યોગ મુખ્યત્વે સુરતમાં છે. ડાયમંડ ઉદ્યોગ છેલ્લાં કેટલાક મહિનાથી મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. અમેરિકા, યુરોપ અને ચીનમાં માંગ ઘટવાથી ડાયમંડની નિકાસ ઘટી ગઈ છે. પોલિશ્ડ ડાયમંડની નિકાસ એપ્રિલ-ઓક્ટોબર 2023 દરમિયાન 29 ટકા ઘટીને 10 અબજ ડૉલર થઈ છે. માર્ચ 2023માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ભારતમાંથી 22 અબજ ડૉલરના પોલિશ્ડ ડાયમંડની નિકાસ થઈ હતી.
વૈશ્વિક સ્તરે માંગ નબળી હોવાથી ડાયમંડ ઉદ્યોગની દિવાળી પણ બગડી હતી. દિવાળી અગાઉ ડાયમંડના યુનિટમાં 50 ટકા જેટલી ક્ષમતાએ કામ થતા હતા અને ઘણા કારીગરોને તેમજ કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા. કેટલાક કર્મચારીઓને ઓછા પગારે કામ કરવાની પણ ફરજ પડી હતી. દિવાળી પછી છેક નવેમ્બરના અંત સુધી વેકેશન જેવો માહોલ રહ્યો હતો. પરંતુ હવે સ્થિતિ સુધરવાના સંકેત મળી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, ગ્રૂપ સેવન (G7) દેશોએ રશિયન મૂળના ડાયમંડ પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે, ભારત સરકારે આ નિર્ણય મોડો લાગુ કરવાની વિનંતી કરી છે. સરકારે G7 દેશોને રશિયન ડાયમંડ પર પ્રતિબંધનો નિર્ણય મોકૂફ રાખવાની વિનંતી કરી છે અને દલીલ કરી છે કે, વધુ સ્પષ્ટતા માંગી છે.
G7 દેશોએ થોડાક સપ્તાહ અગાઉ 1 જાન્યુઆરીથી રશિયન ડાયમંડ પર સીધો પ્રતિબંધ જાહેર કર્યો હતો. એટલે કે, રશિયન ડાયમંડની ડાયરેક્ટ આયાત નહીં થઈ શકે. આ નિર્ણય લાગુ થયા બાદ તબક્કાવાર ધોરણે રશિયન ડાયમંડની ઈનડાયરેક્ટ આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ત્યારબાદ ડાયમંડનું મૂળ શોધવા માટે નવી સિસ્ટમ ગોઠવવામાં આવશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો