કંપનીઓના CEOનો પગાર 4 વર્ષમાં 40% વધ્યોઃ CEO કેટલું કમાતા હશે?

Deloitteના સરવેમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 2020થી વર્ષે Rs 20 કરોડથી વધારે પગાર મેળવનારા CEOની સંખ્યા બમણી થઈ ગઈ છે.

CEO Salary

Money9 Gujarati:

વિવિધ કંપનીઓમાં કામ કરતા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO)ને એક વર્ષમાં મળતો પગાર ચાર વર્ષમાં 40 ટકા વધ્યો છે. 2020માં CEOને સરેરાશ 9 કરોડ રૂપિયા વાર્ષિક પગાર મળતો હતો, પરંતુ હવે તે વધીને 13.8 કરોડ રૂપિયા થઈ ગયો છે. એટલું જ નહીં, વર્ષ 2020થી વર્ષે Rs 20 કરોડથી વધારે પગાર મેળવનારા CEOની સંખ્યા બમણી થઈ ગઈ છે.

400 કંપનીઓ પાસેથી એકત્ર કરવામાં આવેલા ડેટાનું વિશ્લેષણ કર્યા બાદ તૈયાર થયેલા રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે, હવે ભારતના તમામ CEOમાંથી 75 ટકા CEO હવે વાર્ષિક 5 કરોડ રૂપિયાથી વધારે કમાણી કરે છે.

Deloitte Indiaના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતનાં CEOને થતી કુલ કમાણીની 50 ટકાથી વધારે કમાણી શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ઈન્સેન્ટિવ સાથે જોડાયેલી છે. ડેલૉઈટ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ પર્ફોર્મન્સ એન્ડ રિવૉર્ડ્સ સર્વે 2024’ (Deloitte India Executive Performance and Rewards Survey 2024) અનુસાર, ભારતમાં CEOનો સરેરાશ પગાર 13.8 કરોડ રૂપિયા છે. જે CEO કંપનીના પ્રમોટર પણ અથવા પ્રમોટર પરિવારના સભ્ય હોય તો તેમને સરેરાશ પગાર 16.7 કરોડ રૂપિયા છે.

ડેલોઈટ ઈન્ડિયાના પાર્ટનર અને CHRO પ્રોગ્રામના લીડર આનંદરૂપ ઘોષે જણાવ્યું હતું કે, પ્રમોટર CEOનો પગાર પ્રોફેશનલ CEO કરતા વધારે છે. આ મુખ્યત્વે બે કારણોસર છે. પ્રમોટર CEOની સરખામણીમાં પ્રોફેશનલ CEO વારંવાર બદલાતા રહે છે. “બીજું, પ્રમોટર CEO માટે વળતરની શ્રેણી ખૂબ વિશાળ છે, અને આ સરેરાશને અસર કરે છે.”

ડેલોઇટના જણાવ્યા અનુસાર, CEOના કુલ પગારમાં ચોક્કસપણે વધારો થયો છે, પરંતુ 50 ટકાથી વધુ પગાર જોખમમાં છે. પ્રમોટર CEOને કરવામાં આવેલી ચુકવણીનો 47 ટકા હિસ્સો જોખમ પર આધારિત છે, જ્યારે વ્યાવસાયિક CEO ​​માટે આ આંકડો 57 ટકા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરેરાશ CEOનો પગાર 9.3 કરોડ રૂપિયા છે અને સરેરાશ પગાર 13.8 કરોડ રૂપિયા છે અને આમાં મોટો તફાવત સરળતાથી જોઈ શકાય છે. CEO અને CXOનાં પ્રદર્શનનું મૂલ્યાંકન કરતી વખતે કંપનીઓ નાણાકીય અને બિન-નાણાકીય મેટ્રિક્સ અને લક્ષ્યાંકોનો સમાવેશ કરે છે. જો કે, CEO અને CXOના પ્રોત્સાહનો હજુ પણ કંપનીની નાણાકીય સ્થિતિ અને ટાર્ગેટ પર ઘણો આધાર રાખે છે.

CEOને આપવામાં આવતા લાંબા ગાળાના પ્રોત્સાહનો અંગે ડેલોઈટે જણાવ્યું હતું કે કંપનીઓએ શેર આધારિત ઈન્સેન્ટિવમાં વધારો કર્યો છે. 2020માં શેર-આધારિત પ્રોત્સાહન 63 ટકા હતું, જે 2024માં 75 ટકાએ પહોંચ્યું હતું. એમ્પ્લીયોઝ સ્ટોક ઓપ્શન્સ (ESOP) સતત ઘટી રહ્યા છે.

 

Published: April 9, 2024, 15:32 IST