LPG સિલિન્ડરની કિંમત ઘટવાથી તેમજ ટામેટાં સહિતની શાકભાજીના ભાવ ઘટવાથી મોંઘવારીનો દર ઘટ્યો છે. છૂટક ફુગાવાનો દર ઓક્ટોબરમાં ઘટીને 4.87 ટકા નોંધાયો છે. જોકે, ફુગાવાનો દર હજુ પણ RBIના 4 ટકાના ટાર્ગેટ કરતાં વધારે છે. ફુગાવો સતત 49 મહિનાથી 4 ટકા કરતાં ઉપર રહ્યો છે. શાકભાજીના ભાવ ઘટવાથી સપ્ટેમ્બરમાં પણ ફુગાવાનો દર ઘટીને 5.02 ટકા રહ્યો હતો. જુલાઈ અને ઓગસ્ટમાં ખાદ્ય ફુગાવો વધ્યા બાદ સપ્ટેમ્બરથી તેમાં ઘટાડો થયો છે જેના કારણે રિટેલ ફુગાવાનો દર નીચે આવ્યો છે.
13 નવેમ્બરે સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે, ઓક્ટોબરમાં શહેરોમાં રિટેલ ફુગાવાનો દર 4.62 ટકા જ્યારે ગામડાંમાં 5.12 ટકા રહ્યો હતો. ઓક્ટોબર 2022માં શહેરી ફુગાવો 6.50 ટકા જ્યારે ગ્રામ્ય ફુગાવો 6.98 ટકા હતો.
કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) આધારિત ફુગાવામાં 50 ટકા જેટલું વેઈટેજ ખાદ્ય ફુગાવાનું હોય છે અને તેમાં ઘટાડો નોંધાયો છે. ખાદ્ય ફુગાવો ઓક્ટોબરમાં 6.61 ટકા રહ્યો છે, જે સપ્ટેમ્બરમાં 6.62 ટકા જ્યારે ઓક્ટોબર 2022માં 7.01 ટકા હતો.
RBIએ રિટેલ ફુગાવા માટે 2 ટકાથી 6 ટકાની સહનીય રેન્જ નક્કી કરી છે અને બે મહિનાથી રિટેલ ફુગાવો 6 ટકાના અપર બેન્ડની નીચે ગયો છે. જોકે, RBI હજુ તેને ઘટાડીને 4 ટકાના ટાર્ગેટ સુધી પહોંચાડવા માંગે છે, આથી રેપો રેટમાં ઘટાડો કર્યો નથી.
Published - November 13, 2023, 06:31 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો