સોનાની આયાતનો રેકોર્ડ તૂટ્યો
દિવાળી અગાઉના મહિનામાં સોનાની આયાતમાં ધરખમ વધારો થયો છે અને 31 મહિના પહેલાંનો રેકોર્ડ તૂટી ગયો છે. ભારતે ઓક્ટોબર મહિનામાં 123 ટન સોનાની આયાત કરી હતી, જેનું મૂલ્ય લગભગ સવા સાત અબજ ડૉલર થાય છે. ગયા વર્ષના ઓક્ટોબરમાં આપણે 77 ટન સોનું આયાત કર્યું હતું. છેલ્લાં 10 વર્ષની સરેરાશ માસિક આયાત 66 ટન છે. પરંતુ ઓક્ટોબરમાં તેના કરતાં લગભગ બમણી આયાત થઈ છે. નવેમ્બરમાં સોનાની આયાત 80 ટન રહેવાનો અંદાજ છે. ગોલ્ડની આયાત વધવાથી ભારતની વેપાર ખાધ પણ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે અને ડૉલર મોંઘો હોવાથી ગોલ્ડની આયાતનો ખર્ચ વધી ગયો છે. દિવાળીના તહેવારો અને પછી લગ્નની સીઝનને ધ્યાનમાં રાખીને જ્વેલર્સે ગોલ્ડની આયાત વધારી છે.
ખેડૂતને મળશે વધારાનું વીજ કનેક્શન
ખેડૂતો માટે ખુશખબર છે. ગુજરાત સરકારે ખેડૂતોને એક વધારાનું વીજ જોડાણ આપવાની જાહેરાત કરી છે. વરસાદી પાણીનો ઉપયોગ કરીને ખેતી કરવા માટે એક જ સર્વે નંબરના ખેતરમાં એક વીજ કનેક્શન ઉપરાંત વધુ એક વીજ કનેક્શન મળશે. વધારાના વીજ જોડાણનો ઉપયોગ કરીને ખેડૂતો નજીકના તળાવ, નદી, ચેકડેમ, કેનાલ, ખેત તલાવડી જેવા વરસાદી પાણીના સ્રોતમાંથી સિંચાઈનું પાણી ખેંચી શકશે. આથી, ભૂગર્ભ જળનો ઉપયોગ પણ ઘટશે અને મોંઘા ભાવનું ડીઝલ ખરીદવાનો ખર્ચ પણ બચશે. ગુજરાત સરકારના કૃષિ વિભાગ અને ઊર્જા વિભાગે એકબીજા સાથે સંકલન સાધીને ખેડૂતોને વધારાનું વીજ જોડાણ આપવાનો નિર્ણય લીધો છે.
4.56 લાખ લોકો હવામાં ઉડ્યા…!
એક જ દિવસમાં 4.56 લાખથી પણ વધારે ભારતીયોએ હવાઈસફર ખેડવાનો રેકોર્ડ બનાવ્યો છે. દિવાળીના તહેવારોની રજાઓમાં રોજેરોજ લાખો લોકો પ્લેન પકડીને મુસાફરી કરી રહ્યાં છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, 19 નવેમ્બરે રવિવારના દિવસે ભારતનાં આકાશમાં 5,958 ફ્લાઈટ્સે ઉડાન ભરી હતી, જેમાં કુલ 4 લાખ 56 હજાર 910 લોકોએ મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્યો હતો. દેશમાં પહેલીવાર એક જ દિવસમાં આટલા બધા લોકોએ હવાઈમુસાફરી કરી હતી. 18 નવેમ્બર, શનિવારે પણ 4 લાખ 56 હજાર 748 લોકોએ હવાઈમુસાફરી કરી હતી. દિવાળીના તહેવારોની રજાઓ હોવાથી હરવા-ફરવા માટે લોકોએ ફ્લાઈટ્સનો વિકલ્પ પસંદ કર્યો છે.
નવા વર્ષથી UPI ID બંધ થઈ જશે…?
પહેલી જાન્યુઆરીથી Google Pay, Paytm, PhonePeનું UPI Account બંધ થઈ શકે છે. જો તમે છેલ્લાં 1 વર્ષથી UPI આઈડીનો ઉપયોગ નહીં કર્યો હોય તો, 31 ડિસેમ્બર બાદ તે નિષ્ક્રિય થઈ જશે. તમારી બેન્ક આવા ખાતને બ્લૉક કરી દેશે. ખાતુ બંધ કરતા પહેલાં તમને ઈમેઈલ દ્વારા અથવા SMS મોકલીને જાણ કરવામાં આવશે. તમને ચોક્કસ સમયગાળો આપવામાં આવશે, જેની અંદર તમારે UPI ID એક્ટિવ કરવું પડશે, જો તમે આ સમયગાળાની અંદર UPI ખાતુ એક્ટિવ નહીં કરો તો, તેને બ્લોક કરી દેવામાં આવશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયાએ બેન્કોને અને થર્ડ-પાર્ટી એપ્લીકેશન્સને એક્ટિવ ના હોય તેવા UPI ID શોધવાનું કામ સોંપી દીધું છે.
કશ્મીરી એપલની કિંમત બમણી થઈ ગઈ
સફરજનના ભાવ વધીને એક દાયકાની ટોચે પહોંચી ગયા છે. કશ્મીરી એપલની કિંમત ગયા વર્ષ કરતાં બમણી થઈ ગઈ છે. A ગ્રેડના એપલનું પંદર કિલોનું બૉક્સ ગયા વર્ષે 500થી 600માં વેચાતું હતું, પરંતુ અત્યારે પંદરસો સુધીના ભાવ બોલાઈ રહ્યાં છે. કુલુ વેરાઈટીના એપલનું બૉક્સ 700થી 800માં વેચાતું હતું, પણ અત્યારે સોળસો રૂપિયા બોલાઈ રહ્યાં છે. ગયા વર્ષે 400થી 600માં મળતું પ્લેન વેરાઈટીનું બૉક્સ અત્યારે તેરસો રૂપિયામાં મળે છે. ભારે પૂર અને ખરાબ હવામાનને કારણે ઉત્પાદન ઘટ્યું છે અને એકલા હિમાચલ પ્રદેશમાં 240 કરોડ રૂપિયાનો સફરજનનો કારોબાર નષ્ટ થવાથી ભાવ વધ્યા છે. મોટા ભાગના સફરજનમાં ડાઘ લાગી ગયા છે, એટલે સારી ક્વૉલિટીના ભાવમાં તેજી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો