જીડીપી 4 ટ્રિલિયન ડોલર?
ભારતની અર્થવ્યવસ્થાનું કદ પ્રથમ વખત 4 ટ્રિલિયન ડૉલરને વટાવી ગયું છે… આ સાથે, ભારત હવે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની ખૂબ નજીક પહોંચી ગયું છે. જીડીપી લાઈવના આંકડા દર્શાવે છે કે ભારતે આ સીમાચિહ્ન 18મી નવેમ્બરની મોડી રાતે પ્રાપ્ત કર્યું. ચોથા ક્રમે રહેલા જર્મની અને ભારતની જીડીપી વચ્ચેનો તફાવત હવે ઘણો ઓછો રહી ગયો છે. જો કે સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં નથી આવી. 9 નવેમ્બરના રોજ જાહેર કરાયેલા સ્ટેટિસ્ટા ડેટા અનુસાર, ભારતની જીડીપી 3.73 ટ્રિલિયન ડોલર એટલે કે 3.73 લાખ કરોડ ડોલર હતી.
આ બેંકે એફડીના રેટ વધાર્યા
ઇન્ડિયન ઓવરસીઝ બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરોને રિવાઇઝ કર્યા છે. આ નવા દરો 15 નવેમ્બર 2023થી અમલમાં આવ્યા છે. ઈન્ડિયન ઓવરસીઝ બેંક 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FD ઓફર કરે છે. બેંકે એક વર્ષથી વધુ પરંતુ 2 વર્ષથી ઓછી એફડી પરના વ્યાજ દરમાં 0.30 ટકાનો વધારો કર્યો છે. પહેલા બેંક આ સમયગાળાની FD પર 6.50 ટકા વ્યાજ આપતી હતી અને હવે તેના પર 6.80 ટકા વ્યાજ આપી રહી છે. ઈન્ડિયન ઓવરસીઝ બેંકે 444 દિવસની FD પર પણ વ્યાજ ઘટાડીને 7.25 ટકાના બદલે 7.10 ટકા કરી દીધું છે.
ફિઝિક્સવાલાએ કરી છટણી
એડટેક કંપની ‘ફિઝિક્સ વાલા’ 120 કર્મચારીઓની છટણી કરી શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ છટણી પર્ફોર્મન્સ બેઝડ વેલ્યૂએશન પ્રોસેસનો એક ભાગ છે. ફિઝિક્સ વાલાના ચીફ હ્યુમન રિસોર્સ ઑફિસર સતીશ ખેંગ્રેએ જણાવ્યું કે અમે નિયમિત રીતે મધ્યાવધિ અને ઓક્ટોબરમાં કંપનીના સમાપ્ત થયેલા પીરિયડમાં પર્ફોર્મન્સને રિવ્યૂ કરીએ છીએ. ઑક્ટોબરમાં સમાપ્ત થતી સાયકલમાં, અમારા કર્મચારીઓના 0.8% કરતા ઓછા એટલે કે 70 થી 120 લોકો કે જેમનું પર્ફોર્મન્સ અપેક્ષાઓ પ્રમાણેનું નથી તેમને અન્ય જગ્યાએ નોકરી શોધવા માટે કહેવામાં આવી શકે છે.
ભારત-ઓસી મેચમાં રેકોર્ડ
રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની ફાઈનલ મેચે દર્શકોના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. એક સમયે, OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 5.9 કરોડથી વધુ લોકો તેને લાઇવ જોતા હતા પરંતુ જેમ જેમ મેચ ઓસ્ટ્રેલિયાની તરફેણમાં ગઇ તેમ તેમ વ્યૂઅર્સની સંખ્યા ઘટતી ગઇ. અગાઉ આ રેકોર્ડ વર્લ્ડ કપમાં 15 નવેમ્બરે રમાયેલી ભારત અને ન્યૂઝિલેન્ડની સેમી ફાઇનલ મેચના નામે હતો. જેને અંદાજે 5.3 કરોડ લોકોએ જોઈ હતી.
રેલ્વે, રસ્તા માટે બજેટમાંથી ખર્ચ
રેલ્વે અને NHAI માટેનો મૂડી ખર્ચ ફરી એકવાર બજેટમાંથી પૂરો કરવામાં આવી શકે છે. પારદર્શિતા અને સ્થિરતા જાળવવા માટે, કેન્દ્ર સરકાર આવતા નાણાકીય વર્ષ માટે બે સૌથી મોટા રાજ્ય-સંચાલિત ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડરો – NHAI અને ભારતીય રેલ્વે -ની કેપિટલ એક્સપેન્ડિચરની જરૂરિયાતોને પૂરી રીતે વહન કરવાનું ચાલુ રાખશે. આનો અર્થ એ થશે કે આ બંને સંસ્થાઓ બજારમાંથી નાણાં ઉછીના નહીં લે. NHAI સતત ત્રીજા વર્ષે અને રેલવે સતત બીજા વર્ષે આ કરશે.
IT હાર્ડવેર માટે PLI યોજના
ડેલ, એચપી, ફ્લેક્સટ્રોનિક્સ અને ફોક્સકોન સહિત 27 કંપનીઓને IT હાર્ડવેર માટે નવા ઉત્પાદન સાથે જોડાયેલી PLI યોજના હેઠળ મંજૂરી આપવામાં આવી છે. સરકારે આ માહિતી શેર કરી છે. આ યોજના હેઠળ લેપટોપ, ટેબલેટ, પીસી (કોમ્પ્યુટર), સર્વર અને ખૂબ નાના સાધનો આવે છે. આ યોજનાથી અંદાજે રૂ. 3,000 કરોડના ઇન્ક્રિમેન્ટલ ઇન્વેસ્ટમેન્ટની આશા છે. આ પગલું એવા સમયે ભરવામાં આવ્યું છે જ્યારે ભારત આઇટી હાર્ડવેર કંપનીઓને પોલિસી આકર્ષણો અને પ્રોત્સાહક યોજનાઓ સાથે આકર્ષિત કરી રહ્યું છે અને પોતાને હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગ માટે વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરવાના પ્રયાસો કરી રહ્યું છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો