સિમેન્ટની કિંમતો ઘટશે
મકાન બનાવનારા માટે છે સારા સમાચાર..ચાલુ નાણાકીય વર્ષમાં માંગ મજબૂત રહેવા છતાં સિમેન્ટમાં 3 ટકા સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. રેટિંગ એજન્સી ક્રિસિલે કહ્યું કે સિમેન્ટ ઉત્પાદનમાં કાચા માલ તરીકે ઉપયોગમાં આવતી સામગ્રીની કિંમત ઘટવાથી સિમેન્ટની કિંમતોમાં ઘટાડો થઇ શકે છે. ગયા નાણાકીય વર્ષમાં સિમેન્ટની કિંમત 391 રૂપિયા પ્રતિ બોરીના રેકોર્ડ સ્તરે પહોંચી ગઇ હતી. આ ઉપરાંત હવે સ્પર્ધા વધવાથી પણ કિંમતોમાં ઘટાડો થશે.
ક્રેડિટ કાર્ડના ખર્ચ પર TCS લાગુ થશે
વિદેશોમાં ક્રેડિટ કાર્ડ પર થતા ખર્ચની માહિતી આપવી પડશે. આવકવેરા વિભાગ વિદેશમાં ક્રેડિટ કાર્ડથી થતા ખર્ચ પર TCS લાગુ કરવા માટે ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરનારી બેંકોને ચોક્કસ સમયગાળામાં સંપૂર્ણ માહિતી આપવાની જોગવાઇ પર વિચારણા કરી રહી છે. વિદેશોમાં ક્રેડિટ કાર્ડથી થતા ખર્ચની વિગતો ચોક્કસ સમયમર્યાદાની અંદર ઇશ્યૂ કરનારી બેંકને આપવાની જોગવાઇ કરવામાં આવશે. જો વિદેશમાં ખર્ચ કરવામાં આવેલી રકમ અભ્યાસ કે મેડિકલ માટે થયો છે તો તેની પર 5 ટકા ટીસીએસ લાગશે. જ્યારે અન્ય ઉદ્દેશો માટે થયેલા ખર્ચ પર 20 ટકા ટીસીએસ લાગશે.
WhatsApp લઇને આવ્યું નવું ફિચર
વણજોઇતા કોલ્સ રોકવા માટે WhatsApp લઇને આવ્યું છે એક નવું ફિચર…WhatsApp પર અજાણ્યા નંબરોથી આવતા સ્પામ કોલ્સથી હવે લોકોને નહીં થાય કોઇ સમસ્યા. આ નવા ફિચરને એક્ટિવેટ કરીને યૂઝર્સ સ્પામ કોલ્સને મ્યૂટ કરી શકશે. ફોનમાં વ્હોટ્સએપના નવા અપડેટમાં આ ફિચરને એક્ટિવેટ કરવામાં આવી શકે છે. કંપનીએ પ્રાઇવસી ચેકઅપનું પણ અપડેટ આપ્યું છે. જે યૂઝર્સને એપના બધા પ્રાઇવસી ટૂલ્સ વિશે જણાવશે અને તેને ચેકઅપનું ઓપ્શન આપશે.
થર્ડ પાર્ટી મોટર ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ નહીં વધે
થર્ડ પાર્ટી મોટર ઇન્સ્યોરન્સની કિંમતોમાં આ વખતે વધારો નહીં થાય. રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીના ડ્રાફ્ટ પ્રસ્તાવમાં 2023-24 માટે પ્રીમિયમ વધારવાનો કોઇ પ્રસ્તાવ નથી. મંત્રાલય આ અંગે ટૂંક સમયમાં ઇન્સ્યોરન્સ કંપનીઓ સાથે એક બેઠક કરશે. થર્ડ પાર્ટી પ્રીમિયમ ન વધવાથી વાહન માલિકોને થોડીક રાહત મળશે. ભારતમાં પ્રત્યેક થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવાનું અનિવાર્ય છે.
મ્યુચ્યુઅલ ફંડમાં SIP ખાતાની સંખ્યા વધી
મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં SIP દ્વારા થતા રોકાણમાં ખાતાની સંખ્યા મે મહિનામાં 7.4 ટકા વધી છે. બીજી તરફ મેમાં બંધ કુલ 14 લાખ 19 હજાર એકાઉન્ટ બંધ થયા છે. જયારે નવા સિપ ખાતાનું રજિસ્ટ્રેશન પણ એપ્રિલના 19.56 લાખથી વધીને મે મહિનામાં 24.7 લાખ થયું છે. સિપ ખાતાને બંધ કરવાની સુવિધા ઓનલાઇન ઉપલબ્ધ છે. જેના કારણે જુના ખાતાને રદ કરવાની સંખ્યા વધી છે. રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડમાં પોતાના પૈસા લગાવવાનું ચાલુ રાખ્યું છે. મે માં સિપમાં 14,749 કરોડ રૂપિયાનું રોકાણ રહ્યું છે….મે માં રોકાણ વધવાથી સિપ હેઠળ AUM વધીને 7 લાખ 53 હજાર કરોડ રૂપિયા થયું છે.
ચોમાસાએ વધારી ખાદ્યપદાર્થોની કિંમત
ચોમાસામાં વિલંબના કારણે ખાદ્યપદાર્થોની કિંમતોમાં વૃદ્ધિ થઇ રહી છે. ચોખા અને તેનાથી બનતા પૌંઆ અને મમરાની કિંમત 5 થી 15 ટકા વધી છે. છેલ્લા 15 દિવસમાં જુવાર, બાજરી અને ચિકનની કિંમતમાં પણ વધારો થયો છે. ચોમાસામાં ખરીફ પાકના વાવેતરમાં વિલંબ થઇ રહ્યો છે. સરકારે પગલા ભરવા છતાં ઘઉં અને દાળોની કિંમત હજુ ઉંચાઇ પર છે. ઘણાં રાજ્યોમાં હજુ પણ ચોમાસુ નબળું રહ્યું છે.
ફૂટવેર ઉત્પાદકો માટે નવા ધોરણો લાગુ થશે
એક જુલાઇ 2024થી ફૂટવેર ઉત્પાદકો માટે નવા ગુણવત્તા ધોરણો લાગુ થશે. જેના કારણે જુતા-ચપ્પલ જેવા ફુટવેર ઉત્પાદનોની કિંમતમાં વધારો થશે. મોટા અને મધ્યમ ઉત્પાદકોએ એક જુલાઇથી અનિવાર્ય ગુણવત્તા માપદંડોનું પાલન કરવું પડશે. ચીન જેવા દેશોમાંથી ખરાબ ઉત્પાદનોની આયાતને રોકવા માટે નવા ધોરણો લાગુ કરવામાં આવી રહ્યા છે. એક જાન્યુઆરી 2024થી નાના ફુટવેર ઉત્પાદકો માટે પણ આ નિયમોનું પાલન કરવું જરૂરી છે. કારણ કે સરકાર હવે આ સીમામાં વધુ છૂટ આપવાના મુડમાં નથી.
એર ઇન્ડિયા 470 વિમાનો ખરીદશે
એર ઇન્ડિયાએ બોઇંગ એરબસને 470 વિમાનોની ખરીદીનો ઓર્ડર આપ્યો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં એર ઇન્ડિયાએ 70 બિલિયન ડોલરના પોતાના સોદાની જાહેરાત કરી હતી. પેરિસ એર શોમાં Air Indiaએ ખરીદીની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. આ ઉપરાંત ઇન્ડિગો એરલાઇને પણ એરબસને એકસાથે 500 નેરો બોડી વિમાનો માટે એક મોટો ઓર્ડર આપવાની જાહેરાત કરી હતી. ઇન્ડિગોના ઓર્ડર બુકમાં અંદાજે 1000 વિમાન સામેલ થઇ ચૂક્યા છે. વર્ષ 2030 થી લઇને 2035 સુધીમા નવા વિમાનોની ડિલીવરી મળશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો