દિવાળી વેકેશન માટે ફ્લાઈટનું બૂકિંગ કરાવી લીધું હશે તો વાંધો નથી, પરંતુ જો બાકી હશે તો ખિસ્સા ખાલી કરવા તૈયાર રહેજો. દિવાળી આડે હજુ ઘણા દિવસો છે છતાં હવાઈભાડાં આભ આંબી રહ્યાં છે. તહેવારોની સીઝન શરૂ થતાંની સાથે જ ફ્લાઈટની ટિકિટ મોંઘી થઈ ગઈ છે. ડિમાન્ડ વધારે છે અને ફ્લાઈટ્સ ઓછી હોવાથી હવાઈભાડાં વધી ગયા છે. 12 નવેમ્બરે દિવાળી છે હોવાથી 10થી 16 નવેમ્બરના સપ્તાહમાં મુખ્ય રૂટની એર ટિકિટની કિંમત લગભગ 90 ટકા સુધી વધી ગઈ છે.
અમદાવાદ-દિલ્હીનું હવાઈભાડું
દિવાળી આડે હજુ 80 દિવસ બાકી છે અને અત્યારથી જ ફ્લાઈટની ટિકિટો બૂક થઈ ગઈ છે. ટ્રાવેલ વેબસાઈટ Ixigo પર દિવાળીની આસપાસના દિવસોમાં દિલ્હી-અમદાવાદનું હવાઈભાડું 5,688 રૂપિયા બોલાઈ રહ્યું છે, જે ગયા વર્ષની તુલનાએ 72 ટકા વધારે છે. 2022ની 21-27 ઓક્ટોબરના સપ્તાહમાં આ રૂટનું ભાડું 3,311 રૂપિયા હતું. ગઈ દિવાળીએ દિલ્હી-અમદાવાદ રૂટ પર પ્રત્યેક સપ્તાહે લગભગ 290 ફ્લાઈટ્સનું સંચાલન થયું હતું જ્યારે આ વખતની દિવાળીમાં આ રૂટ પર 15 ટકા ઓછી ફ્લાઈટ્સ ઉડાન ભરવાની છે. એટલે કે, ગયા વર્ષની તુલનાએ આ વર્ષે ફ્લાઈટ્સ ઓછી છે અને માંગ વધી હોવાથી ભાડાં ઊંચકાયા છે.
હવાઈભાડાંમાં થયો 90% વધારો
નવેમ્બર 2023ના દિવાળીના સપ્તાહમાં દિલ્હી-શ્રીનગરનું વન-વે હવાઈભાડું 7,175 રૂપિયા બોલાઈ રહ્યું છે, જે ગયા વર્ષની દિવાળીના સપ્તાહે (21-27 ઓક્ટોબર, 2022) 3,794 રૂપિયા હતું. એટલે કે, આ રૂટના ભાડાંમાં 89.11 ટકાનો વધારો થયો છે.
Ixigoના ડેટા પરથી જાણવા મળે છે કે, બેંગાલુરુ-હૈદરાબાદ રૂટની ફ્લાઈટ ગઈ દિવાળીની આસપાસ માત્ર 1,177 રૂપિયામાં મળતી હતી, પરંતુ આ વખતની દિવાળીની રજાઓમાં તેની કિંમત 1,914 રૂપિયા છે, જે 63 ટકા વધારે છે. એવિએશન ઈન્ડસ્ટ્રીના આંકડા દર્શાવે છે કે, વિમાની કંપનીઓ આ વખતની દિવાળીમાં અંદાજે 40 ટકા વધારે ફ્લાઈટ્સનું સંચાલન કરવાની છે.
માંગ વધવાથી ભાડાં ઉછળ્યા
હવાઈસફર કરવા માટે લોકો મોટી સંખ્યામાં ફ્લાઈટની ટિકિટ લઈ રહ્યાં હોવાથી માંગ વધી છે, પરિણામે ભાડાં ઊંચકાયા છે. એવું નથી કે, માત્ર પીક સીઝનના હવાઈભાડાં વધ્યા છે, પરંતુ આ વખતે ઓફ સીઝનમાં પણ એર-ટિકિટ મોંઘી થઈ છે. આંકડા અનુસાર, જૂન અને જુલાઈ મહિનાને પ્રવાસ માટે નબળા મહિના માનવામાં આવે છે કારણ કે, આ મહિનાઓ ઉનાળુ વેકેશન પછી આવે છે અને વરસાદને લીધે લોકો ઓછું ટ્રાવેલિંગ કરે છે. જોકે, આ બંને મહિનામાં પણ 2022ની ઓક્ટોબરની પીક ફેસ્ટિવલ સીઝનની તુલનાએ હવાઈ ભાડાં વધારે નોંધાયા છે. ઓક્ટોબર 2022ની પીક સીઝનમાં 1.14 કરોડ પ્રવાસીએ હવાઈસફરની મજા માણી હતી, જ્યારે ચાલુ વર્ષની ઓફ સીઝનમાં પણ જૂનમાં 1.24 કરોડ જ્યારે જુલાઈમાં 1.21 કરોડ ડોમેસ્ટિક એર ટ્રાવેલર્સ નોંધાયા હતા. આ વખતની દિવાળીની સીઝનમાં એર ટ્રાવેલની માંગમાં મોટો ઉછાળો આવવાની શક્યતા છે, આથી મુખ્ય રૂટની ફ્લાઈટની ટિકિટ મોંઘી થઈ છે અને તેમાં હજુ વધારો થવાની શક્યતા છે.
Published August 21, 2023, 18:18 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો