EPFO અત્યારે પોતાની કમાણીનો 5થી 15 ટકા હિસ્સો ઈક્વિટી અને ઈક્વિટી સંબંધિત ફંડ્સમાં રોકે છે. પણ વધારે વળતર કમાવવા માટે ETFની કમાણી પણ શેરબજારમાં રોકવાની ઈચ્છા છે.
એમ્પ્લોયીઝ પ્રૉવિડન્ટ ફંડ ઑર્ગેનાઈઝેશન (EPFO) શેરબજારમાં રોકાણ તો કરે જ છે, પણ હવે ETFમાંથી થતી કમાણી પણ શેરબજારમાં રોકવા માટે સરકાર પાસે મંજૂરી માંગી છે. અત્યારે EPFO પોતાની આવકનો 5થી 15 ટકા હિસ્સો ઈક્વિટીમાં તેમજ સંબંધિત ફંડ્સમાં રોકી શકે છે. હવે, EPFO વધારે કમાણી કરવા માંગે છે અને આથી તેણે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF)માં રોકાણના નિયમો અને શરતોમાં ફેરફાર કરવાની માંગણી કરી છે. EPFO લોકોના PF ખાતામાં જમા થયેલી રકમનું અલગ-અલગ રીતે રોકાણ કરે છે. આ રોકાણ પર જે કમાણી થાય તેનો એક હિસ્સો વ્યાજ પેટે PF ખાતાધારકને આપવામાં આવે છે.
EPFO દેશભરનાં કર્મચારીઓના PF ખાતામાં જમા રકમ પર 8.15 ટકા (2022-23 માટે) વ્યાજ આપે છે. આ વ્યાજ આપવા માટે PF ખાતામાં જમા થયેલી રકમને અલગ-અલગ રીતે રોકવામાં આવે છે અને જે કમાણી થાય તેનો એક હિસ્સો વ્યાજ પેટે આપવામાં આવે છે.
ETFની કમાણીને શેરબજારમાં રોકવા માંગે છે EPFO
ETFમાંથી થતી કમાણીને ફરી શેરબજારમાં રોકવા અંગે EPFO વિચારણા કરી રહ્યું છે અને તેના માટે નાણા મંત્રાલય પાસે મંજૂરી માંગવામાં આવી છે. EPFO અને નાણા મંત્રાલયના અધિકારીઓ વચ્ચે મંત્રણા પણ ચાલી રહી છે. EPFOના સર્વોચ્ચ નિર્ણાયક બોર્ડે તો તેના માટે મંજૂરી આપી દીધી છે અને હવે સરકારની મંજૂરી મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. EPFO છેક 2015ના ઓગસ્ટ મહિનાથી ETFમાં રોકાણ કરે છે. શેરબજારમાં તેનું રોકાણ લગભગ 1.25 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.
નાણા મંત્રાલય સાથે બેઠક
ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, EPFOએ નાણા મંત્રાલય સાથેની બેઠકમાં કેટલાક સૂચનો કર્યા હતા, જેના આધારે શેરબજારમાં અસ્થિરતા હશે ત્યારે પણ ઈક્વિટી રિટર્નમાં વધારો કરી શકાશે. તેણે સરકાર સમક્ષ આ દરખાસ્તો રજૂ કરી છે. સંસ્થાએ ETFમાંથી મળતા રિટર્નને 4 વર્ષની તુલનાએ સેન્સેક્સના સરેરાશ 5 વર્ષના રિટર્ન પર ગણવાની પણ દરખાસ્ત કરી છે. આ દરખાસ્તને નાણા મંત્રાલય અને શ્રમ મંત્રાલયની મંજૂરી મળશે પછી જ આગળ વધારવામાં આવશે.
EPFOએ કઈ દરખાસ્ત રજૂ કરી?
– EPFO ઈચ્છે છે કે, ETFમાંથી દૈનિક યુનિટ રીડિમ કરવાની મંજૂરી આપવામાં આવે. એટલે જ્યારે જરૂર પડે ત્યારે તે પૈસા ઉપાડી શકે. અત્યારે અમુક ચોક્કસ સમયગાળા બાદ જ યુનિટ રીડિમ કરવાની છૂટ છે.
– અત્યારે એક્સચેન્જ ટ્રેડેડ ફંડના રિટર્નને સેન્સેક્સના સરેરાશ 4 વર્ષના રિટર્ન સાથે બેન્ચમાર્ક કરવામાં આવે છે, પરંતુ EPFO આ સમયગાળો વધારીને 5 વર્ષ કરવા માંગે છે.
ETF કોને કહેવાય
એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એટલે ETF. વિવિધ સિક્યૉરિટીઝ સામેલ હોય તેવું એક ફંડ એટલે ETF. આ સિક્યૉરિટીઝમાં શેર્સ, બૉન્ડ, કરન્સી, કોમોડિટી જેવા વિવિધ રોકાણ યોગ્ય વિકલ્પ સામેલ હોય છે. ETFનો હેતુ રોકાણકારોને ઓછા ખર્ચે એક કરતાં અનેક એસેટમાં રોકાણનો વિકલ્પ આપવાનો છે. ETF પણ એક પ્રકારનું મ્યુચ્યુઅલ ફંડ છે, પરંતુ ફરક એટલો છે કે, ETFને તમે ટ્રેડિંગ સમયગાળા દરમિયાન ગમે ત્યારે વેચી શકો છો.
Published August 25, 2023, 17:30 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો