કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકોને થોડાક દિવસોમાં ખુશખબર મળી શકે છે. સરકાર ડીઅરનેસ અલાઉન્સ (DA)માં એટલે કે મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરે તેવી શક્યતા છે. મોંઘવારી સામે રાહત આપવા માટે કેન્દ્ર સરકાર નિયમિત સમયે DAમાં વધારો કરે છે. સામાન્ય રીતે, જાન્યુઆરી અને જુલાઈમાં DAમાં ફેરફાર કરવામાં આવે છે, જોકે તેની જાહેરાત થોડી મોડી કરવામાં આવે છે. ચાલુ વર્ષના છ મહિના વીતી ચૂક્યા છે અને હવે સપ્ટેમ્બરના અંત સુધીમાં DA વધવાની જાહેરાત થઈ શકે છે.
ઓલ ઈન્ડિયા રેલવેમેન્સ ફેડરેશનના જનરલ સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું છે કે, “નક્કી થયેલી પદ્ધતિ પ્રમાણે મોંઘવારી ભથ્થામાં 3 ટકા કરતાં થોડોક વધુ વધારો થઈ શકે છે. પરંતુ સરકાર પોઈન્ટમાં વધારો ગણતી નથી, આથી 3 ટકાનો વધારો લગભગ નક્કી છે. અત્યારે 42 ટકા DA છે, જે વધીને 45 ટકા થશે.”
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને અત્યારે 42 ટકા મોંઘવારી ભથ્થું મળે છે. જો તેમાં 3 ટકાનો વધારો થશે તો આ ભથ્થું 45 ટકા થશે. આ વધારો 1 જુલાઈ, 2023થી લાગુ થશે. જેમકે, 1 જાન્યુઆરી 2023થી વધેલા મોંઘવારી ભથ્થાની જાહેરાત 24 માર્ચ, 2023ના રોજ થઈ હતી. ગયા વર્ષે 2022માં પણ 1 જુલાઈથી લાગુ થયેલા મોંઘવારી ભથ્થાની જાહેરાત 28 સપ્ટેમ્બરે કરવામાં આવી હતી. એટલે શક્યતા છે કે, સપ્ટેમ્બરના અંત સુધીમાં સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરીને દિવાળી પહેલાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને ખુશ કરશે.
Published September 18, 2023, 18:04 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો