બિપીન એક ખાનગી કંપનીનો કર્મચારી છે. દર વર્ષે પગારનો મોટો હિસ્સો ટેક્સમાં જતો હોવાથી બિપીન ટેન્શનમાં છે. તે સારું એવું રોકાણ પણ કરે છે, છતાં ટેક્સમાં વધારે બચત થતી નથી. તો શું રોકાણનો એવો કોઈ વિકલ્પ નથી, જ્યાં ટેક્સ પણ બચે અને સારા એવા પૈસા પણ ભેગા થાય? એક વિકલ્પ છે. બિપીને મ્યુચ્યુઅલ ફંડ્સમાં ELSS એટલે કે, ઈક્વિટી લિન્ક્ડ સેવિંગ્સ સ્કીમમાં રોકાણ કરવું જોઈએ. તેના દ્વારા શેરબજારમાં રોકાણ પણ થઈ શકે છે અને ટેક્સ પણ બચે છે.
ટેક્સ બચાવવામાં સુપર હીરો
ELSSને હંમેશાથી ટેક્સ બચાવવાના મોરચે એક સુપર હીરો માનવામાં આવે છે. ELSS દ્વારા તમે શેરબજારની દુનિયામાં પ્રવેશી શકો છો. તો હવે એ સમજીએ કે, આ ELSS શું છે? અને તે કેવી રીતે કામ કરે છે? ELSS દ્વારા મ્યુચ્યુઅલ ફંડ્સની ઈક્વિટી કેટેગરીમાં રોકાણ થાય છે. નિયમ મુજબ, ઈક્વિટી કેટેગરીની સ્કીમના ફંડ મેનેજરે 80 ટકા રોકાણ શેરમાં કરવું પડે છે.
ELSSની સરખામણી
ELSSની સરખામણી ટેક્સ-સેવિંગના અન્ય વિકલ્પો સાથે પણ કરીએ. આ વિકલ્પો છે PPF, FD અને NSC. સૌથી પહેલાં વાત કરીએ લોક-ઈન પીરિયડની. ELSSમાં 3 વર્ષનો લોક-ઈન હોય છે, અને તેમાં વળતર પણ વધારે મળે છે. તેની સામે PPF એટલે કે, પબ્લિક પ્રૉવિડન્ટ ફંડમાં 15 વર્ષનો લોક-ઈન પીરિયડ હોય છે જ્યારે NSC એટલે કે, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં 5 વર્ષનો લોક-ઈન પીરિયડ હોય છે.
લોક-ઈન પીરિયડ એટલે એવો સમયગાળો જે દરમિયાન પૈસા ના ઉપાડી શકો. એટલે કે તમારા પૈસા લોક થઈ જાય.
વળતર
ટેક્સ બચાવતા અન્ય વિકલ્પોની સરખામણીએ ELSSમાં વધારે વળતર મળે છે કારણ કે, તેનો પોર્ટફોલિયો વૈવિધ્યસભર હોય છે અને ટ્રેક રેકોર્ડ પણ સારો હોય છે. વેલ્યુ રિસર્ચના આંકડા પ્રમાણે, ELSSમાં 25 જુલાઈ સુધીના એક વર્ષમાં સરેરાશ 19.38 ટકા, ત્રણ વર્ષમાં 23.45 ટકા અને પાંચ વર્ષમાં 12.89 ટકા વળતર મળ્યું છે.
જોખમ
હવે એ સમજીએ કે, ELSSમાં રોકાણ કરવામાં કેટલું જોખમ છે? ELSS ફંડ તેમની એસેટનો મોટો હિસ્સો શેરમાં રોકે છે. આથી, શેરબજારના ઉતારચઢાવની મહત્તમ અસર પડે છે. શેરમાં રોકાણ પર વિવિધ પરિબળો અસર કરતા હોય છે, જેમાં આર્થિક ગતિવિધિ, કંપનીનું પ્રદર્શન, વૈશ્વિક કે સ્થાનિક ઘટનાઓ, રોકાણકારોનું સેન્ટિમેન્ટ સામેલ છે. એટલું જ નહીં, ELSSમાં 3 વર્ષનો લોક-ઈન હોવાથી ઈમર્જન્સીમાં પૈસા ઉપાડી શકાતા નથી.
તો શું ELSSમાં રોકાણ કરવું જોઈએ?
ELSSમાં રોકાણનો એક મોટો ફાયદો છે, ટેક્સ બચતનો. તમે ટેક્સેબલ ઈનકમમાંથી એક વર્ષમાં મહત્તમ દોઢ લાખ રૂપિયા ઘટાડી શકો છો. આવક વેરા કાયદાની કલમ 80C હેઠળ તમને આ ટેક્સ બેનિફિટ મળે છે. ELSSમાં 3 વર્ષનો લોક-ઈન પીરિયડ હોય છે, અને 3 વર્ષ બાદ પૈસા ઉપાડો તો 1 લાખ રૂપિયા સુધીના કેપિટલ ગેઈન પર કોઈ ટેક્સ નહીં લાગે, પણ 1 લાખ રૂપિયાથી વધારે થયેલા ફાયદા પર 10 ટકા કેપિટલ ગેઈન ટેક્સ લાગશે અને તેના પર સેસ તથા સરચાર્જ પણ લાગશે. આ બાબતને ઉદાહરણ સાથે સમજીએ.
ઉદાહરણ
ધારો કે, બિપીને ELSSમાં દોઢ લાખ રૂપિયા રોક્યા છે. 3 વર્ષ બાદ 22 ટકા રિટર્ન પ્રમાણે ગણતરી કરીએ તો, તેના રોકાણનું મૂલ્ય 2 લાખ 72 હજાર 377 રૂપિયા થઈ ગયું હશે. બિપીનને 1 લાખ 22 હજાર 377 રૂપિયાનો કેપિટલ ગેઈન થશે. પરંતુ 1 લાખ રૂપિયા સુધીના કેપિટલ ગેઈન પર ટેક્સ છૂટ મળે છે, એટલે તેણે માત્ર 22 હજાર 377 રૂપિયાની રકમ પર ટેક્સ ભરવો પડશે. 10 ટકા કેપિટલ ગેઈન ટેક્સ અને 4 ટકા સેસ સાથે કુલ 2 હજાર 327 રૂપિયાનો ટેક્સ ભરવો પડશે. આમ, 3 વર્ષ બાદ ટેક્સને માઈનસ કર્યા પછી બિપીનના રોકાણનું મૂલ્ય 2 લાખ 70 હજાર 50 રૂપિયા થશે.
એક્સપર્ટનો મત
Ladderup Wealth Managementના MD રાઘવેન્દ્ર નાથ કહે છે કે, રોકાણકારોએ ELSS ફંડમાં SIP મારફતે રોકાણ કરવું જોઈએ. તેના કારણે તમને નિયમિત રોકાણ કરવાની ટેવ પડશે અને સારી રીતે ફાયનાન્સિયલ પ્લાનિંગ થઈ શકશે. ટેક્સ સેવિંગના મહત્તમ સાધનોમાં દર મહિને સિસ્ટેમેટિક રોકાણનો વિકલ્પ નથી મળતો. તમારે એક વાતનું ધ્યાન રાખવું પડશે કે, ELSSમાં ફંડના વેચાણ પર લોંગ ટર્મ 10 ટકા કેપિટલ ગેઈન ટેક્સ લાગે છે જ્યારે PPFના વ્યાજ પર કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગતો નથી.
કેવી રીતે પસંદ કરવી સ્કીમ
એક વાત સમજી લેજો કે, ELSS વધારે જોખમ ધરાવતી મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ છે. જોખમ ઓછું કરવા માટે રોકાણકારે પોતાનો પોર્ટફોલિયો વૈવિધ્યસભર રાખવો જોઈએ. સારો ટ્રેક રેકોર્ડ ધરાવતા હોય તેવા અને વ્યૂહરચના અસરકારક રહી હોય તેવા ELSS ફંડને પસંદ કરવા જોઈએ. પોતાના આર્થિક લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને રોકાણનો સમયગાળો નક્કી કરવો જોઈએ.
જો તમે ક્વોલિફાઈડ ફાયનાન્સિયલ એડવાઈઝરની મદદ લેતા હશો તો, નિર્ણય લેવામાં સરળતા પડશે અને જોખમ ઘટાડીને વધારે સારી રીતે રોકાણનું સંચાલન કરવામાં મદદ મળશે. જો તમારો ઈન્વેસ્ટમેન્ટનો ઈરાદો લાંબા ગાળાનો હોય તો, ELSSનો 3 વર્ષનો લોક-ઈન વાળો નિયમ ફાયદાકારક છે. તમારે લાંબા ગાળા માટે રોકાણ કરવું જોઈએ અને વધારે ફાયદો થાય તેના માટે રાહ જોવી જોઈએ.
Published August 8, 2023, 19:15 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો