Vijay Parmar:
Retirement Planning: અમદાવાદમાં ખાનગી કંપનીમાં કામ કરતાં 50 વર્ષીય રાજુભાઈ રિટાયરમેન્ટ માટે પૈસા ભેગા કરવા માંગે છે. તેમની ઈચ્છા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની છે. પરંતુ સમજાતું નથી કે, કયું મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરવું અને કેટલું રોકાણ કરવું? તો રાજુભાઈની મદદ કરવા માટે તૈયાર છે Money9.
ફાયનાન્સિલ પ્લાનિંગ એક્સપર્ટ હંમેશા કહે છે કે, મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરતાં પહેલાં તમારે 3 મુખ્ય બાબત સ્પષ્ટ કરવી પડે.
(1) રોકાણનો હેતુ
(2) રોકાણ કરવાનો સમયગાળો
(3) જોખમ લેવાની ક્ષમતા
જો તમારી પાસે લાંબો સમયગાળો હોય તો ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ શ્રેષ્ઠ છે કારણ કે, ઈક્વિટી ફંડ્સમાં લાંબા ગાળે સારું વળતર મળે છે.
રાજુભાઈના કિસ્સામાં પહેલો અને બીજો હેતુ સ્પષ્ટ છે. તેમનો ટાર્ગેટ રિટાયરમેન્ટ ફંડ ભેગું કરવાનો છે. તેમની ઉંમર 50 વર્ષ છે, એટલે 58 વર્ષની રિટાયરમેન્ટ ઉંમરને જોતાં તેમની પાસે 8 વર્ષનો સમયગાળો છે. હવે, રાજુભાઈએ પોતાની જોખમ ખેડવાની ક્ષમતા નક્કી કરવી પડશે.
મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરવામાં રોકાણકારની રિસ્ક પ્રોફાઈલ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. દાખલા તરીકે, તમે સલામત રોકાણ કરવામાં માનો છો અને વધારે જોખમ લેવા નથી માંગતા તો એગ્રેસિવ હાઈબ્રીડ સ્કીમ અથવા તો લાર્જ-કેપ ફંડ્સમાં રોકાણ કરવું જોઈએ.
જો તમે મધ્યમ સ્તરનું જોખમ લેવા તૈયાર હોવ તો તમારે ફ્લેક્સિ-કેપ સ્કીમ્સ પસંદ કરવી જોઈએ અને જો તમે આક્રમક રોકાણકાર હોવ અને વધારે જોખમ લેવા માટે તૈયાર હોવ તો તમારે સ્મોલ-કેપ અથવા મિડ-કેપ અથવા તો સેક્ટર-આધારિત કે થીમેટિક સ્કીમ્સમાં રોકાણ કરવું જોઈએ.
એક વાત યાદ રાખજો, વધારે જોખમ લેવાથી જ વધારે વળતર મળે એવી ધારણા ખોટી છે. પોતાની જોખમ લેવાની ક્ષમતા નક્કી કરવી જરૂરી છે, કારણ કે જો શેરબજારમાં મોટા પાયે ઘટાડો થાય અથવા તીવ્ર વોલેટાલિટી આવે તો ઘણા રોકાણકાર ગભરાઈને પોતાના યુનિટ્સ વેચી દે છે અથવા તો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બંધ કરી દે છે.
મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે. જીવનનિર્વાહ ખર્ચ સતત વધી રહ્યો છે. સરકારી ચોપડે ફુગાવાનો દર 6 ટકાની આસપાસ ચાલી રહ્યો છે. પરંતુ મેડિકલ મોંઘવારીનો દર 12 ટકાથી પણ વધારે છે. શિક્ષણનો ખર્ચ 8થી 10 ટકાના દરે વધી રહ્યો છે. આમ, ફુગાવાના દરને ગણતરીમાં લઈને ભવિષ્યના ફંડની ગણતરી કરવી જરૂરી છે. આજે 100 રૂપિયામાં મળતી વસ્તુ આવતા વર્ષે 106 રૂપિયાની થઈ જશે અને 8-10 વર્ષ બાદ તેની કિંમત 159 રૂપિયા થઈ જશે.
રાજુભાઈનો વર્તમાન માસિક જીવનનિર્વાહ ખર્ચ 25,000 રૂપિયા છે. આપણે ફુગાવાનો દર 6 ટકા ધારીએ તો, 8 વર્ષ બાદ દર મહિને 39,846 રૂપિયાની જરૂર પડશે. મોંઘવારી 8 ટકાના દરે વધશે એવું ધારીએ તો 8 વર્ષ બાદ દર મહિને 46,273 રૂપિયાની જરૂર પડશે.
ફાયનાન્સિયલ એક્સપર્ટના મતે, આજે તમારો વાર્ષિક ખર્ચ જેટલો હોય તેના કરતાં 20 ગણું રિટાયરમેન્ટ ફંડ હોવું જોઈએ. રાજુભાઈનો મહિનાનો ખર્ચ 25,000 રૂપિયા (વાર્ષિક 3 લાખ રૂપિયા) છે અને તેના 20 ગણા પ્રમાણે 60 લાખ રૂપિયાનું ફંડ ભેગું કરવું પડશે.
સર્ટિફાઈડ ફાયનાન્સિયલ પ્લાનર (CFP) બીરજુ આચાર્ય જણાવે છે કે, “8 વર્ષ બાદ 60 લાખ રૂપિયાનું ફંડ ભેગું કરવું હોય અને 12 ટકા વળતર ધારીએ તો, રાજુભાઈએ દર મહિને 34,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. 10 ટકા વળતર ધારીએ તો, દર મહિને 41,789 રૂપિયાની SIP કરવી પડે.” જો 5 વર્ષ સુધી જ રોકાણ કરવું હોય તો, 58,812 રૂપિયાની SIP કરવી પડે. ધારો કે, રાજુભાઈ SIP કરતાં લમ્પ-સમ રોકાણ કરવા માંગતા હોય તો, 28.18 લાખ રૂપિયા ઉચ્ચક મૂકી દેવા પડે, એમ આચાર્ય જણાવે છે.
બીરજુ આચાર્ય જણાવે છે કે, રાજુભાઈએ રોકાણ માટે બેલેન્સ્ડ અભિગમ અપનાવવો જોઈએ. તેમણે ગ્રોથ અને સિક્યોરિટી માટે વધારે જોખમી અને ઓછી જોખમી સ્કીમ પસંદ કરવી જોઈએ. રાજુભાઈ નિપ્પોન ઈન્ડિયા મલ્ટી-કેપ ફંડ અને મોતીલાલ ઓસવાલ લાર્જ & મિડકેપ ફંડમાં 25-25 ટકા રોકાણ કરી શકે છે. આ બંને ફંડ તેમના પોર્ટફોલિયોને જોખમથી બચાવવામાં મદદરૂપ થશે. ગ્રોથ માટે ફ્રેન્કલિન ઈન્ડિયા સ્મોલર કંપનીસ ફંડમાં 10થી 25 ટકા સુધી અને HDFC ફ્લેક્સિ-કેપ ફંડમાં 25થી 40 ટકા સુધી રોકાણ કરવું જોઈએ.
જે રોકાણકારને મ્યુચ્યુઅલ ફંડ અંગે વધારે સમજ ના પડતી હોય તેઓ ઈન્ડેક્સ ફંડ પણ પસંદ કરી શકે છે. પોતાને સમજમાં આવે તેવી પ્રોડક્ટમાં જ રોકાણ કરવું જોઈએ. સેબીમાં રજિસ્ટર્ડ હોય તેવા આર્થિક સલાહકાર સાથે ચર્ચા-વિચારણા કર્યા પછી જ રોકાણનો નિર્ણય લેવો જોઈએ.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો