જો તમારી પાસે Star Health and Allied Insurance કંપનીનો પ્લાન છે અને તમે અમદાવાદમાં રહો છો તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ મુશ્કેલીનું કારણ છે વીમા કંપની અને હૉસ્પિટલો વચ્ચેનો ઝઘડો. અમદાવાદ હૉસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન (AHNA)એ સ્ટાર હેલ્થને નોટિસ પાઠવી છે અને ધમકી ઉચ્ચારી છે કે, જો કંપની 15 ઓક્ટોબર સુધીમાં તેમની સમસ્યાઓનું સમાધાન નહીં કરે તો, કંપનીના ગ્રાહકોને મળતી કેશલેસ ફેસિલિટી બંધ કરવામાં આવશે.
અમદાવાદના હૉસ્પિટલોના સંગઠન અને વીમા કંપની વચ્ચે જે વિવાદ છે તેનું કારણ છે સારવારનો ખર્ચ અને બાકી નીકળતા લેણાં. દેશની કેટલીક હૉસ્પિટલો અને વીમા કંપનીઓ વચ્ચે અગાઉ પણ તણખાં ઝર્યાં હતા અને હવે તેમાં વધુ એક વિવાદનો ઉમેરો થયો છે. વીમા કંપની અને હોસ્પિટલ વચ્ચે સારવારના ખર્ચને લઈને વિવાદ થાય ત્યારે વીમાધારકે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં 50 કરોડથી વધુ લોકો પાસે આરોગ્ય વીમો છે. 2022માં લગભગ 52.04 કરોડ ભારતીયો પાસે જ્યારે 2021માં 51.4 કરોડ લોકો પાસે આરોગ્ય વીમો હતો.
અમદાવાદની હૉસ્પિટલોના સંગઠનની માંગણી
સ્ટાર હેલ્થ એન્ડ એલાય્ડ ઈન્સ્યૉરન્સ શેરબજારમાં લિસ્ટેડ કંપની છે. તેનો શેર 11 સપ્ટેમ્બરે 1.71 ટકા ઘટીને 653.90 રૂપિયાના ભાવે બંધ રહ્યો હતો. અમદાવાદની હૉસ્પિટલોના સંગઠને જે વાંધા ઉઠાવ્યા છે તેમાં પ્રારંભિક મંજૂરી બાદ દાવા રદ કરવાનો, બાકી નીકળતા લેણાની ચૂકવણીમાં વિલંબનો અને કંપનીના નેટવર્કમાંથી હૉસ્પિટલોને બહાર કાઢવાના મુદ્દા સામેલ છે. સંગઠને આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે 15 ઓક્ટોબર સુધીનો સમય નક્કી કર્યો છે. સંગઠનનું કહેવું છે કે, જે ચાર્જિસને હોસ્પિટલો અસ્થિર માને છે તેને પણ વીમા કંપનીએ ફિક્સ કર્યાં છે અને આથી આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે વીમા કંપનીને નોટિસ પાઠવી છે.
સ્ટાર હેલ્થની ખાતરી
સ્ટાર હેલ્થે પણ આ નોટિસ મળી હોવાનું વાતને પુષ્ટિ આપી છે અને ખાતરી આપી છે કે, વીમાધારકોને ક્લેમ પાસ કરાવવામાં કોઈ વાંધો નહીં આવે. સ્ટાર હેલ્થ ભારતની 14,500 હૉસ્પિટલમાં કેશલેસ ફેસિલિટી આપે છે. સ્ટાર હેલ્થ એન્ડ એલાય્ડ ઈન્સ્યૉરન્સના MD & CEO આનંદ રૉયના જણાવ્યા પ્રમાણે, અમદાવાદ હૉસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશનની કોઈ પણ મેમ્બર હોસ્પિટલમાં કેશલેસ ફેસિલિટી બંધ થવાની કોઈ શક્યતા નથી. અમે મેમ્બર હોસ્પિટલો સાથે વાતચીત કરી રહ્યાં છીએ અને થોડાંક દિવસોમાં તેમની ચિંતાઓ દૂર કરીને અમારા નિયમો અંગે પણ સ્પષ્ટતા કરીશું.
PPNનો હેતુ
સરકારની ચાર વીમા કંપનીએ 2010માં પ્રિફર્ડ પ્રોવાઈડર નેટવર્ક (PPN) લૉન્ચ કર્યું હતું, જેનો હેતુ આ નેટવર્કમાં સામેલ થતી હૉસ્પિટલોમાં સારવારનો ખર્ચ અંકુશમાં રાખવાનો હતો. પરંતુ મુંબઈની કૉર્પોરેટ હોસ્ટિપટલ્સે વીમા કંપનીઓ દ્વારા સારવાર માટે નક્કી કરવામાં આવેલી કિંમતનું કારણ આપીને PPNમાં સામેલ થવાની ના પાડી દીધી હતી.
Published September 11, 2023, 19:26 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો