Money9: અમન તેના સીનિયર સિટિઝન પેરન્ટ્સ માટે હેલ્થ વીમો શોધી શોધીને પરેશાન થઇ ગયો છે. કેટલીક કંપનીઓ પહેલાથી રહેલી બીમારીઓ માટે એક મહિના પછી જ તો કોઇ 3 વર્ષ બાદ કવરેજ પ્રદાન કરી રહી છે. કોઇ હોસ્પિટલમાં દાખલ થવા પર ખર્ચનો એક ભાગ એટલે કે કો-પેમેન્ટની વાત કરી રહી છે. અમન મૂંઝવણમાં છે કે તેના માતાપિતા માટે યોગ્ય વીમો કેવી રીતે પસંદ કરવો? આવો સમજીએ કે સીનિયર સિટીઝન પેરન્ટ્સ માટે વીમામાં શું જોવું જોઈએ-
વધતી ઉંમર સાથે બ્લડપ્રેશર, ડાયાબિટીસ વગેરે જેવી બીમારીઓ થવી સામાન્ય બાબત છે. વીમા કંપનીઓ પહેલાથી ચાલી આવતી બીમારી એટલે કે હયાત રોગોને આવરી નથી લેતી. આવા રોગોને આવરી લેવા માટે વેઇટિંગ પીરીયડ હોય છે. આ સમયગાળો એક મહિનાથી લઇને બે થી ત્રણ વર્ષ સુધીનો હોઈ શકે છે. ત્યારબાદ જ આ રોગોને આવરી લેવામાં આવે છે. કંપનીઓ અગાઉથી અસ્તિત્વમાં રહેલા કેટલાક ગંભીર રોગોને પણ નથી આવરી લેતી. આવી સ્થિતિમાં, જ્યારે તમે વૃદ્ધો માટે હેલ્થ કવર ખરીદો છો, તો તેમાં જૂના રોગોનું કવર મળશે કે નહીં તે ખાસ જોઇ લો.
જો કોઈ વ્યક્તિ ગંભીર બીમારીથી પીડિત છે, તો તેને કોઈપણ સમયે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી શકે છે. તેથી, હેલ્થ પોલિસી ખરીદતી વખતે, કેશલેસ હોસ્પિટલ નેટવર્કની યાદી જોઇ લો. તમારા ઘરની નજીકની જે સારી હોસ્પિટલો છે તે નેટવર્કમાં સામેલ હોવી જોઇએ જેથી તમે તમારી પસંદગીની હોસ્પિટલમાં સારવાર કરાવી શકો. પોલિસીમાં કેશલેસ હોસ્પિટલનું નેટવર્ક જેટલું મોટું હશે, તેટલું તમારા માટે સારું રહેશે.
ઘણી પોલિસીઓમાં કો-પેમેન્ટનું ક્લોઝ હોય છે. આ ક્લોઝ હેઠળ, તમારે ક્લેમ રકમના પહેલા કેટલીક રકમ તમારા ખિસ્સામાંથી ચૂકવવી પડશે. આ રકમ વીમા પોલિસીમાં પહેલેથી જ નક્કી કરવામાં આવી હોય છે. ઉદાહરણ તરીકે, તમારી પોલિસીમાં 20 ટકા કો-પેમેન્ટ ક્લોઝ છે…જો હોસ્પિટલની સારવાર માટેનું બિલ રૂ. 1 લાખ છે, તો તમારે તમારા ખિસ્સામાંથી રૂ. 20 હજાર ચૂકવવા પડશે…તેથી તમારે એવો પ્લાન પસંદ કરવો જોઈએ કે જેમાં કો-પેમેન્ટનો ક્લોઝ ન હોય.
ક્લેમ વધુ આવવાના કારણે વીમા કંપનીઓ વૃદ્ધોને હેલ્થ કવર આપવાનું ટાળે છે. કંપનીઓ જે કવર આપી રહી છે તેમાં ઘણી શરતો ઉમેરી દે છે. ડિડક્ટિબલ આવો જ એક ક્લોઝ છે. અમુક હદ સુધી સારવારનો ખર્ચ તમારા પોતાના ખિસ્સામાંથી ચૂકવવો પડશે. વીમા કંપની તે મર્યાદાથી ઉપરના ખર્ચને આવરી લેશે. ઉદાહરણ તરીકે, તમારી પોલિસીમાં ડિડક્ટિબલ રકમ 10,000 રૂપિયા છે. હોસ્પિટલમાં સારવારનો ખર્ચ 50,000 રૂપિયા થયો. વીમા કંપની માત્ર 40,000 રૂપિયાનો ક્લેમ મંજૂર કરશે. ધ્યાનમાં રાખો, કંપની ડિડક્ટિબલ રકમ સુધીનો ક્લેમ કવર નહીં કરે.
વીમા કંપનીઓ તમને સબ લિમિટ વિશે કોઇ ખુલાસો નહીં કરે. આ શરત હેઠળ, વીમા કંપની હોસ્પિટલમાં સારવારના ખર્ચની એક મર્યાદા નક્કી કરી નાંખે છે. આમાં રૂમનું ભાડું, ડૉક્ટરની કન્સલ્ટેશન ફી અને પહેલેથી પ્લાન કરવામાં આવેલા ઓપરેશન સામેલ હોય છે. ઉદાહરણ તરીકે, મોતિયાના ઓપરેશન માટે 30,000 રૂપિયા ફિક્સ છે અને હોસ્પિટલનું બિલ 50,000 રૂપિયા આવે તો ઉપરના 20,000 રૂપિયા તમારે જાતે ચૂકવવા પડશે.
ટેક્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ બળવંત જૈન કહે છે કે વૃદ્ધાવસ્થામાં રોગોનો માર વધુ પડે છે. તેથી હોસ્પિટલમાં દાખલ થવાની વધુ જરૂર પડે છે. ઓછામાં ઓછો ક્લેમ ચૂકવવો પડે એટલે વીમા કંપનીઓ તેમની પોલિસીમાં વિવિધ પ્રકારની શરતો ઉમેરી દેતી હોય છે. પરંતુ તમારે એવી પોલિસી લેવી જોઈએ જેમાં કો-પેમેન્ટ, ડિડક્ટિબલ, સબ લિમિટ જેવી શરતો ઓછામાં ઓછી હોય.
જો તમારા માતા-પિતા વૃદ્ધ છે, તો તેમના માટે પર્યાપ્ત રકમનું હેલ્થ ઇન્સ્યોરન્સ કવર ખરીદો…પોલીસી સાથે જોડાયેલી શરતોને ધ્યાનથી વાંચો…એક કરતાં વધુ કંપનીઓના પ્લાનની તુલના કરો અને ત્યારબાદ જ અંતિમ નિર્ણય લો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો