Gold Import: ભારતમાં સોનાની આયાતે જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ઓક્ટોબર મહિનામાં ભારતમાં સોનાની આયાતનો 31 મહિના પહેલાંનો રેકોર્ડ તૂટી ગયો છે. ઓક્ટોબરમાં ભારતમાં 123 ટન ગોલ્ડ ઈમ્પોર્ટ કરવામાં આવ્યું હતું, જે 31 મહિનામાં થયેલું સૌથી વધુ મન્થલી ઈમ્પોર્ટ છે. વર્ષ 2022ના ઓક્ટોબરમાં ભારતમાં 77 ટન સોનાની આયાત થઈ હતી. આમ, ગયા વર્ષના ઓક્ટોબરની સરખામણીએ ઓક્ટોબર 2023માં સોનાની આયાત લગભગ 60 ટકા વધી છે.
નવેમ્બરમાં પણ વધશે આયાત
નવેમ્બરમાં પણ ગોલ્ડની આયાત 80 ટન રહેવાની શક્યતા છે. ઓક્ટોબરની તુલનાએ નવેમ્બરમાં ગોલ્ડની આયાત ઘટશે, પરંતુ ગયા વર્ષના નવેમ્બરની તુલનાએ વધારે રહેશે. નવેમ્બર 2022માં ભારતમાં 67 ટન સોનાની આયાત થઈ હતી, એટલે આ વખતના નવેમ્બરમાં આયાત લગભગ 13 ટન વધારે રહેવાની શક્યતા છે.
10 વર્ષની સરેરાશ કરતાં ડબલ આયાત
છેલ્લાં 10 વર્ષની માસિક સરેરાશ કરતાં લગભગ બમણું ગોલ્ડ ઓક્ટોબરમાં આયાત થયું હતું. છેલ્લાં 10 વર્ષની માસિક સરેરાશ 66 ટન છે જ્યારે ઓક્ટોબરમાં 123 ટન સોનું આયાત કરવામાં આવ્યું હતું. મૂલ્યની રીતે જોઈએ તો, ઓક્ટોબરમાં આપણે 7.23 અબજ ડૉલરનું સોનું આયાત કર્યું હતું જ્યારે ગયા વર્ષના ઓક્ટોબરમાં આ આંકડો 3.7 અબજ ડૉલર હતો.
વેપાર ખાધ પણ વધી
ઓક્ટોબરમાં સોનાની આયાત વધવાથી ભારતની ચીજવસ્તુઓની વેપાર ખાધ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી. ઓક્ટોબરમાં આપણે 33.57 અબજ ડૉલરની વસ્તુઓની નિકાસ કરી હતી જ્યારે આયાતનો આંકડો 65.07 અબજ ડૉલર રહ્યો હતો. આમાં ગોલ્ડની આયાત 7.23 અબજ ડૉલર અને ચાંદીની આયાત 1.7 અબજ ડૉલર હતી. સોના અને ચાંદીની આયાત વધવાથી ભારતની વેપાર ખાધ ઓક્ટોબરમાં 31.46 અબજ ડૉલરે પહોંચી ગઈ હતી. ઓક્ટોબરમાં ચાંદીની આયાત પણ 124 ટકા વધી હતી.
ઓક્ટોબર અને નવેમ્બરમાં તહેવારોની સીઝન હોવાથી તેમજ નવેમ્બરના અંતથી સમગ્ર દેશમાં લગ્નોની મોસમ શરૂ થતી હોવાથી જ્વેલર્સે ગોલ્ડ અને સિલ્વરની આયાત વધારી દીધી હતી. અત્યારે સોનું 60,000 રૂપિયાની આસપાસ ચાલી રહ્યું છે. છેલ્લાં એક વર્ષમાં સોનાની કિંમતમાં મોટો ઉછાળો નોંધાયો છે, છતાં ભારતમાં સોનાની માંગ વધી રહી છે.
Published: November 21, 2023, 12:31 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો