Money9 Gujarati:
Gold investment: વૈશ્વિક સ્તરે વધતી અનિશ્ચિતતા અને જિઓપોલિટકલ ટેન્શનને કારણે સોનું મોંઘું થયું છે. માત્ર ઓક્ટોબર મહિનામાં જ સોનાનો ભાવ 15 ટકા સુધી વધ્યો છે. ગઈ દિવાળીથી અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં મોટો ઉછાળો આવ્યો છે અને આગામી દિવસોમાં પણ સોનું વધવાની શક્યતા છે. દેશનાં વેપારીઓના સંગઠને ધનતેરસના દિવસે 50,000 કરોડ રૂપિયાનો વેપાર થવાનો અંદાજ વ્યક્ત કર્યો છે અને તેમાં મહત્તમ વેપાર સોના-ચાંદીમાં થવાની ધારણા છે.
ચાલુ વર્ષે સોનામાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. 2023ની શરૂઆતમાં વૈશ્વિક સ્તરે ગોલ્ડની કિંમત પ્રતિ ઔંશ 2,070 ડૉલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી અને બાદમાં ઘટીને 1,800 ડૉલરની નીચે પહોંચી ગઈ અને હવે ફરી 2,000 ડૉલરને પાર થઈને 1,950 ડૉલરની ઉપર ચાલી રહી છે. નવરાત્રિ પહેલાં ભારતમાં સોનું તૂટ્યું હતું અને 57,000 રૂપિયાની નીચે પહોંચી ગયું હતું.
વૈશ્વિક સ્તરે 9 નવેમ્બર, 2023ના રોજ ગોલ્ડની કિંમત પ્રતિ ઔંશ 1,957 ડૉલરની આસપાસ ચાલી રહી છે જ્યારે ભારતમાં 24 કેરેટના 999 શુદ્ધતા ધરાવતા 10 ગ્રામ ગોલ્ડની કિંમત 60,603 રૂપિયા ચાલી રહી છે. અમદાવાદના ઝવેરી બજારમાં 999 પ્યોરિટી ધરાવતા 10 ગ્રામ સોનાનો ભાવ 62,500 રૂપિયા બોલાયો છે.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના 7 નવેમ્બરના આંકડા પ્રમાણે, 24 કેરેટના 10 ગ્રામ સોનાની કિંમત 60,579 રૂપિયા છે. 2022ની ધનતેરસે સોનાનો જે ભાવ હતો તેના કરતાં અત્યારે ભાવ 21 ટકા વધારે છે. 2022ની ધનતેરસે 24 કેરેટના 10 ગ્રામ સોનાની કિંમત 50,062 રૂપિયા હતી. આમ, ધનતેરસથી ધનતેરસ વચ્ચેના એક વર્ષના સમયગાળામાં સોનામાં કરેલું રોકાણ 21 ટકા વધી ગયું છે.
જો તમે ગઈ ધનતેરસે 5 તોલા સોનું ખરીદ્યું હોત તો તમારે લગભગ 2.50 લાખ રૂપિયાનો ખર્ચ થયો હોત, પરંતુ અત્યારે 5 તોલા સોનું ખરીદવા જાવ તો તમારે 3 લાખ રૂપિયાથી પણ વધારે ખર્ચ કરવો પડશે. જો તમે ગઈ ધનતેરસે 5 લાખ રૂપિયાનું સોનું ખરીદ્યું હોત, તો અત્યારે તેની કિંમત 1.05 લાખ રૂપિયા વધીને 6.05 લાખ રૂપિયા થઈ ગઈ હોત. જો તમે દિવાળી 2019માં સોનામાં રોકાણ કર્યું હોત, તો 2023ની દિવાળી સુધીમાં તમને 60 ટકા વળતર મળ્યું હોત. છેલ્લાં 20 વર્ષમાં સોનામાં સરેરાશ 11 ટકાના વાર્ષિક ચક્રવૃદ્ધિ દરે (CAGR) વળતર મળ્યું છે.
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJPEC)ના ચેરમેન વિપુલ શાહના મતે, ગોલ્ડની કિંમત આગામી છ મહિના સુધી તો તીવ્રપણે ઘટે તેવી શક્યતા નથી. વિશ્વમાં અત્યારે બે જગ્યાએ (રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ) યુદ્ધ ચાલી રહ્યાં છે. આથી, ભાવમાં તીવ્ર ઘટાડો થવાની શક્યતા દેખાતી નથી. ધારો કે, સ્થિતિ સુધરે તોપણ ભાવમાં 2 કે 3 ટકા ઘટાડો થઈ શકે છે, પરંતુ તેનાથી વધારે ઘટાડો થવાની શક્યતા દેખાતી નથી. વિપુલ શાહ કહે છે કે, આગામી છ મહિનામાં ગોલ્ડની કિંમત 65,000 રૂપિયા સુધી જઈ શકે છે અને લાંબા ગાળે ગોલ્ડ 70,000 રૂપિયાનું લેવલ પણ બનાવી શકે છે.
ધનતેરસમાં સોનાની ખરીદી કરો તો, સાવધાની રાખજો. સોનું મોંઘું હોવાથી ઘણા જ્વેલર્સ ડુપ્લીકેટ માલ પધરાવી દે છે અને 14 કે 16 કેરેટનું સોનું વેચે છે. વિશ્વસનીય જ્વેલર્સ માત્ર 22 કેરેટ ગોલ્ડમાંથી ઘરેણાં બનાવે છે.
– સોનું ખરીદતી વખતે શુદ્ધતાની ખરાઈ કરી લેવી.
– હોલમાર્કનો આગ્રહ રાખવો.
– ગોલ્ડનો ભાવ વજન પરથી નક્કી થાય છે, એટલે ચોક્કસ કેટલું વજન છે તે જોઈ લેવું અને બજારભાવ જાણીને ખર્ચની ગણતરી કરવી.
– ઘડામણ ખર્ચ બને તેટલો ઓછો રાખવા રકઝક કરજો, કારણ કે, તહેવારોમાં ઊંચો મેકિંગ ચાર્જ રાખીને ડિસ્કાઉન્ટ ઑફરના નામે ઉલ્લુ બનાવવામાં આવે છે.
– બજેટ નક્કી કરીને જ ઘરેણાં ખરીદવા નીકળવું.
– પાક્કું બિલ અને સર્ટિફિકેટ લેવાનું ના ભૂલતા.
– બિલમાં રિટર્ન અથવા તો એક્સચેન્જ પૉલિસીના નિયમો ધ્યાનથી વાંચી લેજો.
– સોનું ખરીદવાનો હેતુ શું છે, તેના આધારે નિર્ણય લેજો. માત્ર ઈન્વેસ્ટમેન્ટ કરવું હોય તો, ઘરેણાં નહીં, પણ સિક્કા કે બિસ્કિટ ખરીદવાનું પસંદ કરવું.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો