આગામી દિવસોમાં બેન્ક FDના વ્યાજ દરમાં વધારો થવાની શક્યતા છે. ચાલુ વર્ષે બેન્કોમાં જમા થતી થાપણની તુલનાએ ઉધાર લેવાની માંગ વધારે રહી હોવાથી ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દર ફરી વધે તેવી અપેક્ષા છે. ચાલુ વર્ષના એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન બેન્કોમાં જમા થતી ડિપોઝિટમાં 6.6 ટકા વધારો થયો હતો, જેની સામે ક્રેડિટની માંગ 9.1 ટકાના દરે વધી હતી. આ સમયગાળા દરમિયાન બેન્કોને કુલ 11.9 લાખ કરોડ રૂપિયા મળ્યાં છે જ્યારે બેન્કોએ 12.4 લાખ કરોડ રૂપિયાની લોન આપી છે. આમ, બેન્કો પાસેથી ઉછીના લેનારા વધારે છે જ્યારે બેન્કમાં જમા કરનારા ઓછા છે. બેન્કો લોનની માંગને પૂરી કરવા માટે ડિપોઝિટ વધારવા માંગે છે અને આથી બેન્કો વ્યાજના દર વધારે તેવી શક્યતા છે.
ફેસ્ટિવલ સીઝનમાં લોનની માંગ વધશે
રિઝર્વ બેન્કના આંકડા અનુસાર, એપ્રિલ-ઓગસ્ટ 2023 દરમિયાન બેન્કો પાસે જમા થાપણ 6.6 ટકા વધીને 149.2 લાખ કરોડ રૂપિયા થઈ છે, જેની સામે બેન્કોએ આપેલી ક્રેડિટ 9.1 ટકા વધીને 124.5 લાખ કરોડ રૂપિયા થઈ છે. અંદાજ છે કે, બેન્કો ફેસ્ટિવલ સીઝનમાં લોનની વધતી માંગને પહોંચી વળવા માટે એફડી પર વ્યાજના દર વધારવાની દિશામાં આગળ વધી શકે છે.
ક્રેડિટ ગ્રોથ 13-13.5% રહેવાની અપેક્ષા
રેટિંગ એજન્સી CARE રેટિંગ્સના જણાવ્યા પ્રમાણે, ચાલુ નાણાકીય વર્ષમાં ક્રેડિટ ગ્રોથ 13 ટકાથી 13.5 ટકા રહેવાની ધારણા છે. બેન્કો મહત્તમ ક્રેડિટ આપવા માંગે છે અને ડિપોઝિટ ગ્રોથ ધીમો પડવાથી ક્રેડિટ ગ્રોથ પર અસર ના પડે તે માટે બેન્કો પોતાના બ્રાન્ચ નેટવર્કને વધુ મજબૂત બનાવવાના પ્રયાસ કરશે.
બેન્ક ઑફ બરોડાના ચીફ ઈકોનોમીસ્ટ મદન સબનવીસનું કહેવું છે કે, જુલાઈમાં ડિપોઝિટ ખર્ચમાં વધારો થયો છે, જે ઓગસ્ટમાં પણ જળવાઈ રહેવાની ધારણા છે. બેન્કોનો સરેરાશ ડિપોઝિટ રેટ એપ્રિલમાં 6.28 ટકાથી વધીને જુલાઈ 2023માં 6.55 ટકા થયો છે.
Published September 11, 2023, 17:19 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો