ભારતીય ચલણ નબળું પડી રહ્યું છે અને અમેરિકન ડૉલર મજબૂત થઈ રહ્યો છે. 20 નવેમ્બરે રૂપિયો 9 પૈસા ઘટીને 83.35 થયો હતો, જે અત્યાર સુધીનું સૌથી નીચું સ્તર છે. શેરબજારમાંથી વિદેશી રોકાણકારોની સતત વેચવાલીને કારણે રૂપિયામાં ઘટાડો થયો હોવાનું ફોરેક્સ ટ્રેડર્સ જણાવે છે.
ઈન્ટરબેન્ક ફોરેક્સ એક્સચેન્જ માર્કેટમાં 20 નવેમ્બરે અમેરિકન ડૉલર સામે રૂપિયો 83.25ના લેવલે ખુલ્યો હતો અને ટ્રેડિંગ કામકાજના અંતે 83.35ના અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો હતો. શુક્રવારે રૂપિયો 83.27ના ભાવે બંધ રહ્યો હતો, એટલે તેની સામે આજનો ભાવ 9 પૈસા ઘટાડો દર્શાવે છે.
દુનિયાના 6 મુખ્ય ચલણની સામે ડૉલરની સ્થિતિ દર્શાવતો ઈન્ડેક્સ, ડૉલર ઈન્ડેક્સ 0.42 ટકા ઘટીને 103.48ના લેવલે પહોંચી ગયો હતો. વૈશ્વિક ઓઈલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 2.20 ટકા વધીને 82.38 ડૉલર પ્રતિ બેરલના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે. 20 નવેમ્બર, સોમવારે BSE Sensex 139.58 પોઈન્ટ્સ ઘટીને 65,655.15ના સ્તરે જ્યારે NSE Nifty 37.80 પોઈન્ટ્સ ઘટીને 19,694એ બંધ રહ્યો હતો.
ફોરેન ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ (FII)એ શુક્રવારે શેરબજારમાંથી 477.76 કરોડ રૂપિયાનો માલ વેચ્યો હતો અને તેઓ નેટ સેલર્સ રહ્યાં હતા, એટલે કે જેટલો માલ ખરીદ્યો તેના કરતાં વધારે માલ વેચ્યો હતો.
રૂપિયાનું મૂલ્ય ઘટવાથી ભારતમાં આયાત થતી ટીવી, લેપટોપ તેમજ અન્ય ઈલેક્ટ્રોનિક્સ આઈટમ્સની કિંમત વધવાની શક્યતા છે. ભારતમાં આયાત થતો તમામ માલસામાન મોંઘો થવાની શક્યતા છે. વિદેશમાં હરવાફરવાનો કે ભણવાનો ખર્ચ પણ વધી જશે.
Published: November 20, 2023, 14:06 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો