ભારતમાં પહેલીવાર લૉન્ચ થયું નંબર વગરનું ક્રેડિટ કાર્ડ
ભારતમાં પહેલીવાર નંબર વગરનું ક્રેડિટ કાર્ડ લોન્ચ થયું છે. કોન્ટેક્ટલેસ કાર્ડ બાદ હવે નંબરલેસ ક્રેડિટ કાર્ડ આવ્યું છે. એક્સિસ બેન્કે ફાઈબ નામની કંપની સાથે ભાગીદારીમાં આ કો-બ્રાન્ડેડ કાર્ડ લૉન્ચ કર્યું છે, જેના પર કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ કે CVV જેવી કોઈ ડિટેલ નહીં લખેલી હોય. એટલે તમારી ઓળખ ચોરી થવાનું કે કાર્ડની ડિટેલનો બિનસત્તાવાર ઉપયોગ થવાનું જોખમ નહીં રહે. કાર્ડની સિક્યોરિટી અને પ્રાઈવસી વધી જશે. આ કાર્ડમાં 3 ટકા કેશબેકનો લાભ મળશે. તે રૂપે કાર્ડ હોવાથી તેને કોઈ પણ UPI એપ્લીકેશન્સ સાથે લિન્ક કરી શકશો અને પેમેન્ટ કરી શકશો. આ કાર્ડની કોઈ જોઈનિંગ ફી નથી અને લાઈફટાઈમ માટે કોઈ વાર્ષિક ફી પણ નથી.
સરકારી બેન્કે FDના વ્યાજ દર વધાર્યાં
બેન્ક ઑફ બરોડાએ FDના વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ બેન્કમાં 7 દિવસથી 14 દિવસની FD પર 3 ટકા વ્યાજ મળશે. બેન્કે 15 દિવસથી 45 દિવસની FDનો વ્યાજ દર વધારીને સાડા ત્રણ ટકા કર્યો છે. બેન્કે 46 દિવસથી 180 દિવસની FDનો રેટ સાડા ચાર ટકાથી વધારીને 5 ટકા કર્યો છે. 181 દિવસથી 210 દિવસની FDનો રેટ સવા પાંચ ટકાથી વધારીને સાડા પાંચ ટકા કર્યો છે જ્યારે 211 દિવસથી 270 દિવસની FDના ઈન્ટરેસ્ટ રેટ 5.75 ટકાથી વધારીને 6 ટકા કર્યો છે. બેન્ક ઓફ બરોડાએ 2 વર્ષ સુધીની મુદત ધરાવતી FDના વ્યાજ દર 6.75 ટકા યથાવત્ રાખ્યા છે. પરંતુ બે વર્ષથી 3 વર્ષમાં પાકતી FDના રેટ 0.20 ટકા વધારીને 7.25 ટકા કર્યાં છે.
Amazon, Flipkartના સેલમાં ડિસ્કાઉન્ટ ઘટશે
તહેવારોમાં ઓનલાઈન શોપિંગ પર અગાઉ જેવા ડિસ્કાઉન્ટ નહીં મળે….કારણ કે, ઈ-કોમર્સ કંપનીઓ ડિસ્કાઉન્ટમાં ઘટાડો કરે તેવી શક્યતા છે. એમેઝોન અને ફ્લિપકાર્ટના ફેસ્ટિવ સીઝન સેલ 8 ઓક્ટોબરથી શરૂ થયા છે અને સેલના ત્રીજા દિવસે જ કંપનીઓના ટાર્ગેટ પૂરા થઈ ગયા છે. ઝડપભેર વેચાણ થયું હોવાથી કંપનીઓ ડિસ્કાઉન્ટ ઘટાડવા અંગે વિચારી રહી છે. કેટલીક બ્રાન્ડ્સે પ્રોફિટ માર્જિન વધારવા માટે ભાવમાં 5 ટકાથી 7 ટકા વધારો કરવાની વિચારણા હાથ ધરી છે. ઓનલાઈન સેલમાં ઈલેક્ટ્રોનિક્સ આઈટમ્સ અને પર્સનલ કેર પ્રોડક્ટ્સની ડિમાન્ડ છે.
LICનાં વળતાં પાણી…! બજારહિસ્સો 10% ઘટ્યો
સરકારની જીવન વીમા કંપની LICનો બજારહિસ્સો સતત ઘટી રહ્યો છે. છેલ્લાં એક વર્ષમાં LICએ લગભગ 10 ટકા બજાર ગુમાવ્યું છે. લાઈફ ઈન્સ્યૉરન્સ સેક્ટરમાં માસિક ન્યુ બિઝનેસ પ્રીમિયમના આંકડા દર્શાવે છે કે, 2022ના સપ્ટેમ્બરમાં LICનો હિસ્સો 68.25 ટકા હતો, જે 2023ના સપ્ટેમ્બરમાં 58.50 ટકા થઈ ગયો છે. આમ એક વર્ષમાં LICનો હિસ્સો 9.75 ટકા ઘટ્યો છે. હરીફ કંપનીઓની પ્રોડક્ટ્સ વધારે મજબૂત હોવાથી LICની પૉલિસીઓનું વેચાણ ઘટ્યું છે. LICએ તેની પ્રોડક્ટ્સના ફીચર્સ અને ભાવમાં ફેરફાર કર્યો હોવાથી પણ બજારહિસ્સો ઘટ્યો હોવાનું વીમા નિષ્ણાતો જણાવે છે.
HDFC બેન્કે લોન મોંઘી કરી
HDFC બેન્કે તહેવારોની સીઝનમાં જ, લોનના ઈન્ટરેસ્ટ રેટ વધારી દીધા છે. ખાનગી સેક્ટરની આ સૌથી મોટી બેન્કમાં હોમ લોનના વ્યાજ દર 8.70 ટકાથી શરૂ થશે. જો તમારે HDFC બેન્કમાંથી પર્સનલ લોન લેવી હશે તો તેના રેટ 10.50 ટકાથી શરૂ થશે. બેન્કે ઓટો લોનના મિનિમમ રેટ 7 ટકા કર્યા છે જ્યારે ટુ-વ્હીલર લોનના મિનિમમ રેટ 14.50 ટકા કર્યા છે. આ રેટ સારો ક્રેડિટ સ્કોર ધરાવતા ગ્રાહકો માટે છે. એટલે જો તમારો ક્રેડિટ સ્કોર ખરાબ હશે તો આ રેટ કરતાં વધારે દરે લોન લેવી પડશે. હવે અન્ય બેન્કો પણ લોનના વ્યાજ દર વધારે તેવી શક્યતા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો