રિઝર્વ બેન્કે 4 સહકારી બેન્કોને દંડ ફટકાર્યો છે, જેમાં 3 બેન્ક ગુજરાતની છે. આ બેન્કોએ RBIના નિયમોનું પાલન કર્યું ના હોવાથી તેમને દંડિત કરવામાં આવી છે. RBIએ વાઘોડિયા અર્બન કો-ઓપરેટિવ બેન્ક અને વિરમગામ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેન્કને 5-5 લાખ રૂપિયા જ્યારે બેચરાજી નાગરિક સહકારી બેન્ક અને બારામતી કો-ઓપરેટિવ બેન્કને 2-2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. બેન્કોએ આ દંડ ભરવો પડશે અને તેનાથી બેન્કના ગ્રાહકો પર કોઈ અસર નહીં પડે. પરંતુ તમારું ખાતુ આવી સહકારી બેન્કોમાં હોય તો સાવધાન રહેવામાં સમજદારી છે.
HDFC મ્યુચ્યુઅલ ફંડે લૉન્ચ કરી નવી સ્કીમ
HDFC મ્યુચ્યુઅલ ફંડે નવી ઓપન-એન્ડેડ ઈક્વિટી સ્કીમ લૉન્ચ કરી છે…, જેનું નામ છે “HDFC Pharma and Healthcare Fund”. તેમાં રોકાણની છેલ્લી તારીખ 28 સપ્ટેમ્બર છે. તમે ઓછામાં ઓછા 100 રૂપિયાનું રોકાણ કરી શકો છો. તમે જે પૈસા રોકશો તેને ફાર્મા અને હેલ્થકેર ક્ષેત્રની કંપનીઓમાં રોકવામાં આવશે. કંપનીના ડૉક્યુમેન્ટમાં આ સ્કીમને અતિ જોખમી ગણાવવામાં આવી છે, એટલે જો વધારે જોખમ લેવાની તાકાત હોય તો જ આ સ્કીમમાં રોકાણ કરવું. રોકાણનો નિર્ણય લેતાં પહેલાં આર્થિક સલાહકાર સાથે ચર્ચા વિચારણા કરવી જરૂરી છે. જો રોકાણ કર્યા પછી 1 વર્ષની અંદર યુનિટ વેચશો તો 1 ટકા એગ્ઝિટ લોડ લાગશે.
High-Green Carbonનો SME IPO આવશે
અત્યારે IPOની ભરમાર છે. રોજેરોજ IPO ખુલી રહ્યાં છે. હવે રાજકોટની કંપનીનો SME IPO આવી રહ્યો છે. રાધે ગ્રૂપ ઓફ એનર્જીની ફ્લેગશીપ કંપની હાઇ-ગ્રીન કાર્બન લિમિટેડનો 52 કરોડ રૂપિયાનો IPO 21થી 25 સપ્ટેમ્બરની વચ્ચે ખુલ્લો રહેશે. એક શેરની કિંમત 71થી 75 રૂપિયા છે. 1 લોટ સોળસો શેરનો છે. એટલે IPO ભરવા માટે 1 લાખ 20 હજાર રૂપિયા રોકવા પડશે. રિટેલ રોકાણકારો માટે 35 ટકા ક્વોટા રાખવામાં આવ્યો છે. શેરનું લિસ્ટિંગ NSE પર થશે. હાઈ-ગ્રીન કાર્બન લિમિટેડ વેસ્ટ ટાયર રિસાઇકલિંગના બિઝનેસમાં કાર્યરત છે અને રાજસ્થાનમાં પ્લાન્ટ ધરાવે છે.
ઈન્ફોસિસ બેસ્ટ કંપનીની યાદીમાં
Time મેગેઝિને વિશ્વની હન્ડ્રેડ બેસ્ટ કંપનીની યાદી બહાર પાડી છે. તેમાં ભારતની માત્ર એક કંપની છે. આ કંપની છે ઈન્ફોસિસ. 2023ની વર્લ્ડની બેસ્ટ કંપનીની યાદીમાં ઈન્ફોસિસને 64મું સ્થાન મળ્યું છે. ઈન્ફોસિસની સ્થાપના 1981માં બેંગાલુરુ શહેરમાં થઈ હતી અને આજે તે ભારતની બીજા ક્રમની સોફ્ટવેર કંપની છે. અનેક દેશોમાં કાર્યરત તેના કર્મચારીની સંખ્યા 3 લાખની આસપાસ છે. ટાઈમ મેગેઝિને યાદી તૈયાર કરવા માટે ત્રણ પરિબળને ગણતરીમાં લીધા છે, જેમાં કર્મચારીનો સંતોષ, કંપનીની આવકનો વૃદ્ધિદર, મેનેજમેન્ટનો વહીવટ અને સમાજ માટે થતા કામનો સમાવેશ થાય છે.
PG આવાસની ડિમાન્ડ અને સપ્લાય વધ્યા
પેઈંગ ગેસ્ટ એટલે કે, પીજી તરીકે રહેનારા લોકોની સંખ્યા વધવાની સાથે પીજી આવાસની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. શહેરોમાં નવી-નવી શૈક્ષણિક સંસ્થાઓ ખુલવાથી, ઓફિસો શરૂ થવાથી તથા નોકરીઓની તક વધવાથી પીજી આવાસની માંગ વધી છે. સૌથી વધુ ડિમાન્ડ અને સપ્લાય નેશનલ કેપિટલ રિજન, બેંગાલુરુ, મુંબઈ, ચેન્નાઈ, હૈદરાબાદ, પૂણે જેવા શહેરોમાં છે. નાણાકીય વર્ષ 2022-23માં કુલ પીજી ડિમાન્ડ અને સપ્લાયમાં 24 ટકા હિસ્સા સાથે NCR નંબર વન પર રહ્યું છે. ડિમાન્ડમાં 23 ટકા અને સપ્લાયમાં 17 ટકા સાથે બેંગાલુરુ બીજા નંબરે છે જ્યારે મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં પીજી અકોમોડેશનનો ડિમાન્ડ અને સપ્લાયનો હિસ્સો 16 ટકા રહ્યો છે.
સરકારે ઘઉંની સ્ટોક મર્યાદા ઘટાડી
સરકારે ઘઉંનો સંગ્રહ કરવા પર ત્રણ મહિના અગાઉ જે મર્યાદા લાગુ કરી હતી તે ઘટાડી દીધી છે. આ મર્યાદા ત્રણ હજાર ટનથી ઘટાડીને બે હજાર ટન કરવામાં આવી છે. તાત્કાલિક અસરથી લાગુ થયેલો આ નિયમ મોટા વેપારીઓ, હોલસેલર્સ અને રિટેલ કંપનીઓ માટે છે. એટલે હવે 2,000 ટન કરતાં વધારે ઘઉંનો જથ્થો પકડાશે તો સરકાર દંડ ફટકારશે. મર્યાદા ઘટાડવા પાછળનું કારણ છે ઘઉંના વધતા ભાવ. છેલ્લાં 1 મહિનામાં ઘઉંના ભાવ 4 ટકા વધ્યા છે. NCDEX પર એક ક્વિન્ટલ ઘઉંની કિંમત વધીને 2,550 રૂપિયા થઈ ગઈ છે. સરકારી અધિકારીનું કહેવું છે કે, દેશમાં ઘઉંનો પર્યાપ્ત જથ્થો હોવા છતાં ભાવ વધી રહ્યાં છે, જેના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Published September 15, 2023, 18:39 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો