Money9 Gujarati:
November GST Collection: નવેમ્બર મહિનાના GSTના આંકડા જાહેર થયા છે. નાણા મંત્રાલયે 1 ડિસેમ્બરે મોડી સાંજે જણાવ્યું હતું કે, નવેમ્બરમાં સરકારને થતી ગૂડ્ઝ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST)ની આવક 15 ટકા વધીને 1.68 લાખ કરોડ થઈ છે. જોકે, ઓક્ટોબરમાં 1.72 લાખ કરોડ રૂપિયાના GST કલેક્શનની તુલનાએ નવેમ્બરમાં 2 ટકા ઓછું GST કલેક્શન નોંધાયું છે. નવેમ્બરમાં સતત નવમા મહિને માસિક GST કલેક્શન 1.5 લાખ કરોડ રૂપિયાથી વધારે નોંધાયું છે.
નવેમ્બરમાં કુલ GST કલેક્શન ઑક્ટોબરની સરખામણીમાં નજીવું ઓછું હતું, પરંતુ વાર્ષિક ધોરણે 15 ટકા વધારે હતું. 2023-24ના એક પણ મહિનામાં GST આવકમાં આટલો ઊંચો વૃદ્ધિદર હાંસલ થયો નથી. નવેમ્બરમાં GST કલેક્શનમાં વાર્ષિક વધારો છેલ્લાં 11 મહિનાનો સૌથી વધુ છે.
રાજ્યોની વાત કરીએ તો, મહારાષ્ટ્રને GSTની સૌથી વધુ આવક થઈ છે. નવેમ્બરમાં મહારાષ્ટ્રનું GST કલેક્શન 25,585 કરોડ રૂપિયા રહ્યું હતું, જે નવેમ્બર 2022માં 21,611 કરોડ રૂપિયા કરતાં 18 ટકા વધારે છે. કર્ણાટક 11,970 કરોડ રૂપિયાના GST કલેક્શન સાથે બીજા ક્રમે છે. નવેમ્બરમાં ગુજરાતનું GST કલેક્શન 10,853 કરોડ રૂપિયા રહ્યું છે, જે નવેમ્બર 2022ના 9,333 કરોડ રૂપિયાની સામે 16 ટકા ગ્રોથ દર્શાવે છે. તામિલ નાડુનું GST કલેક્શન 10,255 કરોડ રૂપિયા, હરિયાણાનું GST કલેક્શન 9,732 કરોડ રૂપિયા જ્યારે ઉત્તર પ્રદેશની GST આવક 8,973 કરોડ રૂપિયા રહી હતી.
નવેમ્બરના GST કલેક્શન બાદ નાણાકીય વર્ષ 2023-24માં સરેરાશ માસિક કલેક્શન 1.67 લાખ કરોડ રૂપિયા થાય છે. વર્ષ 2017-18માં જ્યારે પહેલીવાર GST લાગુ થયો ત્યારે સરેરાશ માસિક 1 લાખ કરોડ રૂપિયાથી પણ ઓછું GST કલેક્શન થતું હતું, પરંતુ ત્યારથી GST કલેક્શ સતત વધી રહ્યું છે. 2020-21માં સરેરાશ માસિક GST કલેક્શન 1.51 લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યું હતું.
નવેમ્બરમાં થયેલી GST આવકમાં સેન્ટ્રલ GST 30,420 કરોડ રૂપિયા, સ્ટેટ GST 38,226 કરોડ રૂપિયા, ઈન્ટીગ્રેટેડ GST 87,009 કરોડ રૂપિયા અને કમ્પન્સેશન સેસ 12,274 કરોડ રૂપિયા હતો.
વધુમાં, સરકારે ઈન્ટિગ્રેટેડ GSTમાંથી સેન્ટ્રલ GSTમાં 37,878 કરોડ રૂપિયા અને સ્ટેટ GSTમાં 31,557 કરોડ રૂપિયાનું સેટલમેન્ટ કર્યું હતું. પરિણામે, પતાવટ પછીના મહિનાની કુલ આવક કેન્દ્ર માટે 68,297 કરોડ રૂપિયા અને રાજ્ય GST માટે 69,783 કરોડ રૂપિયા હતી.
નાણા મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું હતું કે, “નવેમ્બરમાં સ્થાનિક વ્યવહારોમાંથી (સર્વિસિસની આયાત સહિત) થયેલી આવક ગયા વર્ષના સમાન મહિના કરતાં 20 ટકા વધુ છે.”
👉 #GST Revenue collection for November 2023, at ₹1,67,929 lakh crore records highest growth rate of 15% Y-o-Y
👉 Gross #GST collection crosses ₹1.60 lakh crore mark for the sixth time in FY 2023-24
👉 #GST collection higher by 11.9% Y-o-Y for FY2023-24 upto November, 2023… pic.twitter.com/RhVnIePREf
— Ministry of Finance (@FinMinIndia) December 1, 2023
2023-24ના બજેટ મુજબ, કેન્દ્રને ચાલુ નાણાકીય વર્ષમાં GST કલેક્શનમાં 12 ટકાનો વધારો થવાની અપેક્ષા છે. અત્યાર સુધીમાં વર્ષના પ્રથમ આઠ મહિનામાં, ગ્રોસ GST 13.32 લાખ કરોડ રૂપિયા એકત્રિત થયો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 11.9 ટકા વધુ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો