સાઉદી અને રશિયાને મળી ધારી સફળતા php // echo get_authors();
?>
ક્રૂડના ભાવને ફરી 100 ડૉલરની નજીક પહોંચાડવામાં સાઉદી અરેબિયા અને રશિયાની જુગલબંધી કામ કરી ગઈ છે. બંનેએ સ્વૈચ્છિક ઉત્પાદન કાપ લંબાવીને ક્રૂડની આગમાં તેલ રેડ્યું છે.
ક્રૂડ ઓઈલના ભાવ જોતજોતામાં 10 મહિનાની ટોચે પહોંચી ગયા છે. બ્રેન્ટ ક્રૂડ 94 ડૉલરને અને WTI ક્રૂડ 90 ડૉલરને પાર થઈ ગયું છે. આ બંને બેન્ચમાર્કના ભાવ નવેમ્બર 2022 પછીના સૌથી ઊંચા સ્તરે છે. 2023 શરૂ થયું ત્યારે ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 82 ડૉલર હતા અને પછી ઘટીને જૂનમાં 70 ડૉલરે પહોંચ્યા હતા. પરંતુ હવે 94 ડૉલરને આંબી રહ્યાં છે અને 100 ડૉલરને પાર થવાની આગાહી થઈ રહી છે. 2023માં ક્રૂડ 15 ટકા મોંઘું થયું છે. તો સવાલ એ થાય કે, ક્રૂડના ભાવ આખરે કોણ વધારી રહ્યું છે?
સાઉદી અરેબિયા અને રશિયાની મેલી મુરાદ
ક્રૂડની મોંઘવારીની આગ સમગ્ર દુનિયાને દઝાડી રહી છે. આ આગમાં તેલ રેડવાનો ખેલ ખેલી રહ્યાં છે સાઉદી અરેબિયા અને રશિયા. બંને દેશોએ ઉત્પાદનમાં સ્વૈચ્છિક કાપ મૂકી દીધો છે અને પાછો આ કાપ છેક 2023ના અંત સુધી લંબાવી દીધો છે. પાંચમી સપ્ટેમ્બરે બંને દેશે જાહેર કરેલા સ્વૈચ્છિક કાપને પગલે ક્રૂડના ભાવ સડસડાટ વધ્યા છે. સતત ત્રીજા સપ્તાહે ક્રૂડ મોંઘું થયું છે. 23 ઓગસ્ટે ભાવ 82 ડૉલરની આસપાસ હતો, પરંતુ 15 સપ્ટેમ્બર સુધીમાં તેમાં 12 ડૉલરનો વધારો થયો છે. ક્રૂડની કાળી કૂટનીતિમાં સાઉદી અરેબિયા અને રશિયા ફાવટ ધરાવે છે. બંને જાણીજોઈને ભાવ ઊંચા રાખવાની મેલી મુરાદ ધરાવે છે.
સાઉદી અરેબિયા માટે $85 મહત્ત્વનું સ્તર
ઓઈલ વેચીને અબજો રૂપિયામાં આળોટી રહેલું સાઉદી અરેબિયા હવે, અન્ય ક્ષેત્રોમાં રોકાણ વધારી રહ્યું છે. ફૂટબોલથી લઈને ગેમિંગમાં અને ગ્રીન હાઈડ્રોજનથી લઈને ફ્યુચરિસ્ટિક સિટી બનાવવા પાછળ અઢળક પૈસા ખર્ચી રહ્યું છે. મેગા-પ્રોજેક્ટ્સ પાર પાડવા માટે સાઉદીને જરૂર છે અબજો ડૉલરની અને તેના માટે ક્રૂડના ભાવ 85 ડૉલરની ઉપર રહે તે જરૂરી છે. આથી તે ઉત્પાદન ઘટાડીને સપ્લાય ટાઈટ કરી રહ્યું છે. પોતાની સાથે અન્ય દેશોને પણ ઉત્પાદન ઘટાડવા માટે મજબૂર કરવામાં સાઉદી સફળ રહ્યું છે. શરૂઆતમાં રશિયાએ ઉત્પાદન ઘટાડ્યું નહોતું પરંતુ હવે રશિયાએ પણ સાઉદીનો સાથ આપ્યો છે.
રશિયાએ પણ સાથ પુરાવ્યો
સાઉદી અરેબિયાએ દૈનિક 10 લાખ બેરલનો સ્વૈચ્છિક ઉત્પાદન કાપ જાહેર કર્યા બાદ રશિયાએ પણ 3 લાખ બેરલનો કાપ જાહેર કર્યો છે. આ સ્વૈચ્છિક કાપ છેક ડિસેમ્બર 2023 સુધી ચાલુ રાખવાનું બંને દેશે નક્કી કર્યું છે. છેક ડિસેમ્બર 2023 સુધી બંને દેશ ઉત્પાદનમાં દૈનિક 13 લાખ બેરલનો ઘટાડો કરશે. જેના લીધે વિશ્વની દૈનિક જરૂરિયાતમાં 33 લાખ બેરલની ઘટ પડવાનો અંદાજ છે. ધારો કે, અમેરિકા અગાઉની જેમ પોતાના ભંડારમાંથી પુરવઠો ખાલી કરે તોપણ ક્રૂડના ભાવને નીચે લઈ જવામાં મદદ નહીં મળે તેવી શક્યતા છે.
2023માં ઊભી થશે ખાધ
અમેરિકા સપ્લાય છૂટો કરે તેવી ધારણાને ગણતરીમાં લઈને જ સાઉદી અને રશિયાએ ઉત્પાદન કાપ કર્યો છે. આથી, 2023માં વિશ્વમાં ક્રૂડની તંગી સર્જાઈ શકે છે. ઈન્ટરનેશનલ એનર્જી એક્સચેન્જ એટલે કે, IEA અને ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ એટલે કે, OPEC એ ચાલુ વર્ષે ઓઈલનો સપ્લાય ઘટવાની અને ડેફિસિટ ઊભી થવાની ચેતવણી ઉચ્ચારી છે. OPECના મતે, દરરોજ 33 લાખ બેરલની ઘટ પડશે જ્યારે IEAના મતે 11 લાખ બેરલની ઘટ પડી શકે છે.
2023માં ક્રૂડના ભાવ કેટલા રહેશે?
Saxo Bank – $94/bbl
Probis Securities – $100/bbl
Goldman Sachs – $105/bbl
Fat Profits – $90-$95/bbl
Bank of America – $90/bbl
Wood Mackenzie – $88/bbl
ProIntelliTrade – $101-$108/bbl
Axis Securities – $80-$95/bbl
GCL – $99-$102/bbl
Nirmal Bang – $100/bbl
ભારત પર અસર
એનાલિસ્ટ્સના મતે, 2023માં ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 90 ડૉલરથી 100 ડૉલરની વચ્ચે રહેવાની શક્યતા છે. જો ક્રૂડ 90 ડૉલરની ઉપર રહેશે તો ભારતીય અર્થતંત્ર પર નેગેટિવ અસર પડશે. ભારત માટે તો બેવડી મુશ્કેલી છે કારણ કે ક્રૂડ મોંઘુંદાટ થવાની સાથે સાથે રૂપિયો પણ 83ના લેવલને ક્રોસ કરી ગયો છે. ભારત પોતાની કુલ જરૂરિયાતનો 85 ટકાથી પણ વધુ હિસ્સો આયાત દ્વારા પૂરો કરે છે. મોંઘું ક્રૂડ અને નબળો રૂપિયો ભારતનું આયાત બિલ વધારી દેશે અને પરિણામે, ચાલુ ખાતાની ખાધ વધી શકે છે. ભારતની આર્થિક વૃદ્ધિ પણ રૂંધાઈ શકે છે, કારણ કે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં 7 ટકા પ્લસ વૃદ્ધિદરની જે આગાહી કરી હતી તેનો આધાર ક્રૂડના ભાવ 80 ડૉલરની આસપાસ રહેવાની ધારણા સાથે કરી હતી.
ભારતમાં ઓગસ્ટમાં ઓઈલની માંગ દૈનિક 2,70,000 બેરલ વધી હતી. ચોમાસું સામાન્ય સ્તર કરતાં 10 ટકા નીચલા સ્તરે છે અને ફેક્ટરીઓ ધમધમી રહી છે આથી ઓઈલની માંગ વધી છે અને 2023માં દૈનિક 2,39,000 બેરલ વધવાનો અંદાજ છે.
ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘણા મહિનાથી ઘટ્યા નથી ત્યારે લોકોને અપેક્ષા હતી કે, ચૂંટણી આવી રહી છે એટલે સરકાર ભાવ ઘટાડશે. પરંતુ ક્રૂડ ઓઈલના વધતા ભાવ આ આશા પર પાણી ફેરવી શકે છે.
Published September 15, 2023, 17:25 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો