આખા દેશમાં મોબાઇલ ટાવર લગાવવાના નામે મોટા પાયે છેતરવાનો ધંધો ચાલી રહ્યો છે. ઘરના છત, પ્લોટ કે ખેતરમાં મોબાઇલ ટાવર નિશ્ચિત રીત કમાણીનું સાધન બની શકે છે.
Money9: અમદાવાદના સુબોધને પશુપાલનનો વ્યવસાય છે. એક દિવસ સવારે તેને ફોન આવ્યો કે જિયો કંપની તેના પ્લોટ પર મોબાઇલ ટાવર લગાવવા માંગે છે. જમીનના ભાડા સ્વરૂપે એકસામટા 25 લાખ રૂપિયા એડવાન્સ અને 40 હજાર રૂપિયા દર મહિને મળશે. ઓફર સુબોધને તરત જ પસંદ પડી ગઇ. અને શેર કરી દીધી આધાર, પાન અને બેંક ખાતાની ડિટેલ્સ..પછી ટેલીકોમ રેગ્યુલેટરી TRAIના સ્ટેમ્પવાળો એગ્રીમેન્ટ લેટર બતાવીને 25 લાખના એડવાન્સ પર તેમની પાસેથી 1 ટકા TDS માંગવામાં આવ્યો. તો તેમણે 25,000 રૂપિયા પણ જમા કરી દીધા. અને પ્રક્રિયાને આગળ વધારવા માટે વેરિફિકેશન થયું તો શેર કરી નાંખ્યો SMSમાં આવેલો OTP..25 લાખ રૂપિયાનું એડવાન્સ તો ન આવ્યું, ઉલટાનું બેંક એકાઉન્ટમાંથી નીકળી ગયા 60 હજાર રૂપિયા. જી હાં! સુબોધ લાલચમાં આવીને સાયબર ફ્રોડનો શિકાર બની ગયો…
આખા દેશમાં મોબાઇલ ટાવર લગાવવાના નામે મોટા પાયે છેતરવાનો ધંધો ચાલી રહ્યો છે. ઘરના છત, પ્લોટ કે ખેતરમાં મોબાઇલ ટાવર નિશ્ચિત રીત કમાણીનું સાધન બની શકે છે. પરંતુ ટેલીકોમ સેક્ટર સાથે જોડાયેલી કોઇપણ કંપની સીધા લોકોને ફોન નથી કરતી. આ બાબતે TRAIની કોઇ દખલ નથી હોતી. મોબાઇલ ટાવર લગાવવા માટે ટેન્ડર જેવી લાંબી પ્રક્રિયા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ટાવર લગાવવાના નામે ફ્રોડના કેસો ઝડપથી વધ્યા છે. આ રીતે થતી છેતરપિંડીને રોકવા માટે સરકાર લોકોને વારંવાર સાવધાન રહેવાની સલાહ આપી રહી છે.
ટેલીકોમ રેગ્યુલેટર તરફથી ઘણીવાર SMS મોકલીને સાવધાન કરવામાં આવ્યા છે. કે મોબાઇલ ટાવર લગાવવા માટે TRAI કોઇ NOC નથી આપતી. જો કોઇ ઠગ તમારી પાસે નકલી લેટર લઇને આવે તો તેની માહિતી સંબંધિત સર્વિસ પ્રોવાઇડર અને સ્થાનિક પોલીસને આપો. સાવધાન રહો કે તમને આવતા ફ્રોડ મેસેજમાં એક લિંક પણ આવે છે. આ લિંક પર ક્લિક કરીને ફોર્મ ભરવાનું કહેવામાં આવે છે. આ પ્રકારની લિંક પર ભૂલથી પણ ક્લિક ન કરો. પોતાના વિશે કોઇપણ પ્રકારની માહિતી ન આપો. જો કોઇ પૈસા માંગે તો સ્પષ્ટ ના પાડી દો.
સાયબર સિક્યોરિટી એક્સપર્ટ ડો.દિવ્યા તંવર કહે છે કે એ વાતને સારીરીતે સમજી લો કે જો કોઇ ઘેર બેઠા ફોન પર મોટા ફાયદાની વાત કરી રહ્યું છે તો નિશ્ચિત રીતે તે ફ્રોડ કોલ હશે. સરકાર, બેંક કે અન્ય કોઇ કંપની સાથે જોડાયેલો વ્યક્તિ તમારી પાસે ક્યારેય પાસવર્ડ અને OTP નથી માંગતો. જો કોઇ માંગી રહ્યો છે તો તમને છેતરવામાં આવી રહ્યા છે. હવે સવાલ એ છે કે સુબોધ શું કરે…
સૌથી પહેલા તેણે સ્થાનિક પોલીસમાં ફરિયાદ દાખલ કરવી જોઇએ. ત્યારબાદ સાયબર સેલમાં કેસ નોંધાવો. સાથે જ પોતાની બેંકને લેખિતમાં જણાવો. જો કે આવા કેસોમાં પૈસા પાછા મળવાની શક્યતા ઓછી હોય છે. પરંતુ ફરિયાદ નોંધાવાથી બેંક ટ્રાન્ઝેક્શન કયા ખાતામાં થયું છે તે શોધી શકે છે. જેનાથી પોલીસને તપાસ કરવામાં મદદ મળશે. જો કે આ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે સાવધાની જ સૌથી મોટું હથિયાર છે.
Published September 18, 2023, 16:03 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો