ગરમીનો પારો તીવ્રપણે વધવાની આગાહી UN એન્વાર્યમેન્ટ પ્રોગ્રામ (UNEP) દ્વારા કરવામાં આવી છે. જો યોગ્ય અને પૂરતા પગલાં ભરવામાં નહીં આવે તો, સદીના અંત સુધીમાં પૃથ્વીનું તાપમાન પ્રિ-ઈન્ડસ્ટ્રીયલ લેવલ કરતાં 2.5થી 2.9 ડિગ્રી વધી શકે છે. UNEPના તાજા એમિશન્સ ગેપ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે, 2021થી 2022 દરમિયાન વૈશ્વિક ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન 1.2 ટકા વધીને 57.4 ગીગાટન્સ કાર્બન ડાયોક્સાઈડ ઈક્વિલન્ટના વિક્રમ સ્તરે પહોંચી જશે.
રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે, 2023માં ઓક્ટોબરની શરૂઆત પહેલાંના 86 દિવસ તાપમાનનો પારો પ્રિ-ઈન્ડસ્ટ્રીયલ લેવલ કરતાં 1.5 ડિગ્રી વધારે નોંધાયો છે. સપ્ટેમ્બર તો અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો રહ્યો છે. સપ્ટેમ્બરમાં વિશ્વનું સરેરાશ તાપમાન પ્રિ-ઈન્ડસ્ટ્રીયલ લેવલ કરતાં 1.8 ડિગ્રી સેલ્સિયસ વધારે નોંધાયું છે.
ક્લાયમેન્ટ ચેન્જ (જળવાયુ પરિવર્તન)ની અસરને ખાળવા માટે શું કરવાની જરૂર છે અને તેની સામે દુનિયાભરનાં દેશોએ કેવા પગલાં ભર્યાં છે તેનું મૂલ્યાંકન કરતો રિપોર્ટ દર વર્ષે બહાર પડે છે, જેને એમિશન્સ ગેપ રિપોર્ટ (Emissions Gap report) કહે છે. તાજા રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે, વૈશ્વિક સ્તરે કાર્બનનું ઓછું ઉત્સર્જન થાય તેવી કાર્યપ્રણાલિ તરફ આગળ વધવા માટે આક્રમક પગલાં ભરવાની જરૂર છે.
ગરમીમાં 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાથી સમગ્ર વિશ્વ વિનાશક મુસીબતોનો સામનો કરી શકે છે, જેમાં બરફની હજારો કિલોમીટરની ચાદરો તીવ્રપણે પીગળી જશે અને એમેઝોનના વર્ષાવન સૂકાઈ જશે, એવી આગાહી રિપોર્ટમાં કરવામાં આવી છે.
વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, જળવાયુ પરિવર્તનને કારણે વિશ્વનું તાપમાન વધી જશે અને 2027 સુધીમાં 1.5 ડિગ્રી સેલ્સિયસની મર્યાદાને પાર થઈ જવાની શક્યતા છે.
દુનિયા અત્યારે અસહ્ય ગરમીનો સામનો કરી રહી છે. બ્રાઝિલથી લઈને યુરોપના દેશોમાં આકરી હીટવેવથી લોકો તોબા પોકારી ગયા છે. એમેઝોનના વર્ષાવન અત્યાર સુધીના સૌથી ભયાનક દુકાળનો સામનો કરી રહ્યાં છે. એમેઝોન નદીમાં પાણી સુકાઈ ગયું છે. નીગ્રો નદીમાં પાણીનું સ્તર છેલ્લાં 120 વર્ષના તળિયે પહોંચી ગયું છે. નદીમાં પાણીનું તાપમાન વધીને 40 ડિગ્રીએ પહોંચી જવાથી અનેક ડોલ્ફિન્સ મોતને ભેટી છે.
ઉનાળામાં ભારતના ઉત્તરનાં રાજ્યોમાં હીટવેવની આકરી અસર જોવા મળી હતી. ચીન અને જાપાનમાં પણ હીટવેવ આકરી રહી હતી. ભારતમાં બિપોરજોય વાવાઝોડાને કારણે વહેલો વરસાદ ખાબકવાથી પશ્ચિમના રાજ્યોમાં ઓછી ગરમી પડી હતી, પરંતુ બાદમાં ઓગસ્ટ મહિનો છેલ્લાં 100 વર્ષનો સૌથી ગરમ મહિનો રહ્યો હતો. આખા ઓગસ્ટ દરમિયાન ભારતના અનેક જિલ્લામાં વરસાદનું ટીપું પણ પડ્યું નહોતું. થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા જેવા દેશોમાં પણ ગરમી વધવાથી ત્યાંની સરકારે ખેડૂતોને ગરમી સામે ટકી શકે તેવા અને ઓછા પાણીમાં ઉગી શકે તેવા પાકની ખેતી કરવાની સલાહ આપી હતી. આફ્રિકા પણ ગરમીની આગમાં શેકાઈ રહ્યું છે. આઈવરી કોસ્ટ અને ઘાનામાં કોકો (Cocoa)ના ઉત્પાદન પર ગંભીર અસર પડી છે.
વધતી ગરમીથી દેશનો આર્થિક વિકાસ દર ધીમો પડવાની સંભાવના છે. ગયા ઉનાળામાં દેશના 90 ટકાથી પણ વધારે વિસ્તારમાં હીટવેવ જોવા મળી હતી. ગરમી વધવાથી દેશનાં વૃદ્ધિદરમાં ઘટાડો થવાનો ખતરો છે. નિષ્ણાતો કહે છે કે, તાપમાનનો પારો ઊંચકાવાથી ફળ અને શાકભાજીના પાકને 10 ટકાથી 30 ટકા નુકસાન પહોંચી શકે છે. ફળ અને શાકભાજીની અછત ઊભી થઈ શકે છે, જેથી ખાદ્ય મોંઘવારી વકરશે. ગરમી વધશે, એટલે લેબર પ્રોડક્ટિવિટી પર અસર પડશે. પ્રોડક્ટિવિટી ઘટશે, એટલે દેશનો વિકાસ દર ઘટશે. મેક્કિન્સીના અંદાજ પ્રમાણે, 2030 સુધીમાં ભારતે દર વર્ષે અઢી ટકાથી સાડા ચાર ટકા જીડીપીનું નુકસાન વેઠવું પડશે. ઉનાળાની ગરમીમાં ભારતના અનેક રાજ્યો અગનભઠ્ઠીમાં શેકાયા હતા અને રેડ તથા ઓરેન્જ એલર્ટ જાહેર થયા હતા. બંગાળ, ઓડિશા, બિહારમાં સ્કૂલો બંધ કરવાનો જ્યારે બસોના ટાઈમટેબલમાં ફેરફાર કરવાનો વારો આવ્યો હતો. ચાર રસ્તા પર સિગ્નલનો ટાઈમ પણ ઘટાડીને લોકોને રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના કહેવા પ્રમાણે, 2030 સુધીમાં વિશ્વનાં સરેરાશ વર્કિંગ અવરમાં 2.2 ટકા ઘટાડો થશે, જેની સામે ભારતમાં આ ઘટાડો સૌથી વધુ 6 ટકા હશે. વર્લ્ડ બેન્કના રિપોર્ટ અનુસાર, ગરમીને કારણે 2030 સુધીમાં દુનિયના 8 કરોડ લોકોએ નોકરી ગુમાવવી પડશે, જેમાંથી 3.4 કરોડ લોકો ભારતનાં હશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો