ઓછી ખીદમતે તૈયાર થઈ જતો અગત્યનો તેલીબિયાં પાક એટલે તલ. આ વખતે તલનું વાવેતર ઘટ્યું છે અને ગયા વર્ષની તુલનાએ તલનો પાક 50 ટકા ઘટવાનો અંદાજ હોવાથી બજારમાં સપ્લાય ઘટવાની બીક છે. પરિણામે, તલની બજારોમાં તેજીવાળા સક્રિય થઈ ગયા છે. ઓછામાં પૂરું, આગામી દિવસોમાં સાઉથ કોરિયાનું ટેન્ડર ખુલવાનું છે અને ભારતને મળવાની શક્યતા હોવાથી તેજીવાળા બે ડગલાં આગળ ચાલશે, એવી અટકળો વહેતી થઈ છે.
જન્માષ્ટમીનું મિનિ-વેકેશન ખુલ્યા બાદ તલના બજારોમાં આવક ઘટી છે અને મણે 50થી 100 રૂપિયાનો વધારો નોંધાયો છે. ગુજરાતનાં વિવિધ પીઠાઓમાં તલનો સરેરાશ ભાવ 3,200થી 3,300 રૂપિયાની વચ્ચે ચાલી રહ્યો છે અને દિવાળી પહેલાં 4,000 થવાનો સૂર વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે. જન્માષ્ટમી પહેલાં તલનો ભાવ 2,900થી 3,100 રૂપિયાની વચ્ચે હતો. બે મહિના પહેલાં સફેદ તલનો ભાવ 2,800થી 3,000ની રેન્જમાં જ્યારે કાળા તલનો ભાવ 2,200થી 2,500 રૂપિયાની વચ્ચે હતો. ઓગસ્ટમાં તામિલનાડુના ખેડૂતોને મણ દીઠ 3,700 રૂપિયાનો ભાવ મળ્યો હતો.
ભાવ વધવાનું કારણ
આ વખતે વાવેતરમાં કાપની સાથે વરસાદની વિચિત્ર પેટર્નથી વવાયેલ ખરીફ તલ પાકમાં નુકસાનીના વાવડ ચારેય તરફથી મળી રહ્યાં છે. ઓછું વાવેતર અને જેટલા વિસ્તારમાં વાવેતર થયું છે ત્યાં નુકસાન. પરિણામે બજારમાં તલનો સપ્લાય ઘટી રહ્યો છે. અત્યારે જે આવક થઈ રહી છે તે ઘણી ઓછી છે. જન્માષ્ટમીના વેકેશન બાદ ખુલેલા પીઠાઓમાં દૈનિક ધોરણે થતી આવક ઘટી છે. રાજકોટ યાર્ડમાં સફેદ તલની 390 ક્વિન્ટલ આવક સામે 3,050થી 3,282 રૂપિયા ભાવ હતો. જામગર યાર્ડમાં સફેદ તલની 181 ગુણીની આવક સામે 2,950થી3,235 રૂપિયાનાં ભાવ હતા. હળવદ યાર્ડમાં 1,737 મણની આવક સામે 2,675થી 3,285 રૂપિયા ભાવ થયા હતા.
ઉતારા ઘટવાના એંધાણ
તલની કાપણીનો સમય આવી ગયો છે ત્યારે તલના ઉતારા ઘટવાની શક્યતા છે. ચોમાસાની સીઝનના શરૂઆતના મહિનામાં સારો વરસાદ થવાથી અંદાજ હતો કે, 2.25 લાખ ટનથી 2.50 લાખ ટન તલનો પાક ઉતરશે, પરંતુ ઓગસ્ટમાં વરસાદ ખેંચાવાથી આ અંદાજ ખોટો ઠરવાના એંધાણ છે. હવે તો માંડ 1.25 લાખ ટન પાક ઉતરવાની ધારણા મૂકાઈ રહી છે. આ તો પાછી ધારણા છે, વાસ્તવમાં તો તેનાથી પણ ઓછું ઉત્પાદન થવાની શક્યતા છે. બિપોરજોય વાવાઝોડાની સંગાથે આવેલા વહેલા વરસાદને કારણે ગુજરાત અને રાજસ્થાનમાં તલનું વાવેતર પણ વહેલું થયું હતું. જોકે, અન્ય રાજ્યોમાં વરસાદ મોટો પડ્યો હતો અને આખો ઓગસ્ટ કોરો ગયા બાદ અડધા સપ્ટેમ્બર સુધી વરસાદનું ટીપુંયે પડ્યું નથી. આથી, દેશનાં ઘણા જિલ્લામાં તલના પાકમાં જીવાતો પડી રહી હોવાના સમાચાર પણ મળ્યાં છે. રાજસ્થાનમાં તલની મિલો બંધ પડી છે કારણ કે મિલમાલિકો ઊંચા ભાવે તલ ખરીદવાનું ટાળી રહ્યાં છે.
દેશમાં અને ગુજરાતમાં તલનું વાવેતર ઘટ્યું
ગુજરાતમાં ખરીફ તલનું વાવેતર દેવભૂમિ દ્રારકા, બોટાદ, ભાવનગર અને અમરેલી પંથકમાં થાય છે. જોકે, આ અહીં વાવેતર છૂટુંછવાયું થયું છે. પાછોતરા વરસાદની બીકને કારણે અન્ય વિસ્તારોનાં ખેડૂતોએ આ વખતે તલ વાવવાનું ટાળ્યું છે. ગુજરાત સરકારનાં કૃષિ વિભાગના ૧૧, સપ્ટેમ્બર સુધીના આંકડા અનુસાર, 58,000 હેક્ટર વિસ્તારમાં તલનું વાવેતર થયું છે. ગયા વર્ષે 11 સપ્ટેમ્બર સુધીમાં 72,100 હેક્ટર વિસ્તારમાં તલનું વાવેતર નોંધાયું હતું, એટલે કે આ વખતે તલનો વાવેતર વિસ્તાર 19 ટકા જેટલો ઘટ્યો છે. ગુજરાતની જેમ દેશનાં તલ વાવેતરમાં પણ ગત વર્ષની સરખામણીએ 7.63 ટકાનો ઘટાડો થયો છે. દેશભરમાં ખરીફ તલ વાવેતર 11.98 લાખ હેકટરમાં થયું છે, જે ગત વર્ષની તુલનાએ 1 લાખ હેકટર ઓછું છે. ગયા વર્ષે તલનો વાવેતર વિસ્તાર 12.96 લાખ હેક્ટર નોંધાયો હતો. ઉત્તર પ્રદેશમાં તલનું વાવેતર 4.01 લાખ હેક્ટરથી ઘટીને 3.52 લાખ હેક્ટર જ્યારે રાજસ્થાનમાં 2.65 લાખ હેક્ટરથી ઘટીને 2.38 લાખ હેક્ટર પર અટક્યું છે.
ખેડૂતો ફાવશે કે ગુમાવશે?
છેલ્લા બે વર્ષથી તલની બજારો સતત અપ થઇ રહી છે. ગયા વર્ષે તો કદાચ પહેલીવાર કાળા તલને પાછળ છોડીને સફેદ તલ આગળ નીકળી ગયા હતા. આજે કાળા અને સફેદ તલ બજારમાં સરખા લેવલથી કાળા તલની બજાર થોડી નીચી સપાટીએ છે. છેલ્લાં ચાર વર્ષથી ખરીફ તલ, પછી તે કાળા હોય કે સફેદ, એ વાવીને લણવામાં ખેડૂત ખાસ ખાટ્યો નથી. પાકવા ટાણે જ, વરસાદી વિઘ્ન ગમે ત્યાંથી ટપકી પડે છે. એમાય ખરીફ અને ઉનાળુ તલનાં વીઘા વરાળે સરેરાશ ઉતારો લેવામાં જમીન આસમાનનો ફરક છે. ચોમાસું તલ બગડ્યા તો વીઘે 2 મણ થાય અને સારા રહી જાય તો 6થી 8 મણ થાય. તેની સામે ઉનાળું તલમાં 16 ગુંઠાનાં વીઘે 8થી 12 મણ સુધીનો ઉતારો લણતાં ખેડૂતો જોવા મળે છે.
Published September 14, 2023, 14:30 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો