Money9 Gujarati:
Kashmir Apple Prices: સફરજન બજારમાં લાલચોળ તેજી જામી છે. કશ્મીરી એપલના ભાવ ગયા વર્ષ કરતાં લગભગ બમણા થઈ ગયા છે અને છેલ્લાં એક દાયકાની ટોચે પહોંચ્યા છે. ખરાબ હવામાનને કારણે ઉત્પાદનમાં મોટું ગાબડું પડવાથી અને સારી ક્વૉલિટીના માલની માંગ વધવાથી ભાવ ઊંચકાયા છે. જમ્મુ-કાશ્મીરના ખેડૂતોએ છેલ્લાં 10 વર્ષમાં પહેલીવાર સફરજનના ભાવમાં આટલો ઉછાળો જોયો છે. આ વખતે સફરજનનો કલર સારો છે, જેના કારણે માંગ અને ભાવ લગભગ 10 વર્ષ બાદ પહેલીવાર વધ્યા છે.
કેટલો વધ્યો ભાવ
શ્રીનગરથી 50 કિલોમીટરના અંતરે આવેલા સોપોર ફ્રૂટ માર્કેટને એશિયાનું બીજા ક્રમનું સૌથી મોટું ફ્રૂટ માર્કેટ કહે છે. અહીં A ગ્રેડ એપલનો રેટ ગયા વર્ષ કરતાં ડબલ થઈ ગયો છે. બે સપ્તાહ પહેલાં A ગ્રેડના એપલનું 15 કિલોનું બૉક્સ 1,300થી 1,400 રૂપિયામાં વેચાતું હતું. ગયા વર્ષે એક બૉક્સ 500થી 600 રૂપિયાના ભાવે વેચાતું હતું.
કુલુ વેરાઈટીના સફરજનનું 15 કિલોનું બૉક્સ ગયા વર્ષે 700થી 800 રૂપિયામાં વેચાતું હતું, પરંતુ આ વખતે 1,300થી 1,600 રૂપિયા ભાવ બોલાઈ રહ્યો છે. પ્લેઈન વેરાઈટીના ભાવ 400-600 રૂપિયા હતા, જે આ વખતે 1,000થી 1,300 રૂપિયા થઈ ગયા છે.
ભાવ વધવાના કારણ
ખરાબ હવામાન, ઓછું ઉત્પાદન અને ગ્રેડિંગ/પેકિંગમાં સુધારો થવાથી સફરજનના ભાવ વધ્યા હોવાનું વેપારીઓ જણાવે છે. વારંવાર ખરાબ હવામાનને કારણે ઉત્પાદન પર અસર પડી છે. હિમાચલ પ્રદેશમાં ભારે પૂરને કારણે સફરજનનો 240 કરોડ રૂપિયાનો કારોબાર નષ્ટ પામ્યો હતો. હિમાચલ પ્રદેશમાં દર વર્ષે સરેરાશ 8 લાખ મેટ્રિક ટન સફરજનનું ઉત્પાદન થાય છે, પરંતુ આ વખતે માંડ 3 લાખ મેટ્રિક ટન ઉત્પાદન નોંધાયું છે.
ઉત્પાદન
ભારતમાં સફરજનનું ઉત્પાદન જમ્મુ-કશ્મીર અને હિમાચલ પ્રદેશમાં થાય છે. ભારતના કુલ ઉત્પાદનમાં એકલા કશ્મીરનો હિસ્સો 75 ટકા છે. કશ્મીરમાંથી 18 લાખ મેટ્રિક ટન સફરજનની નિકાસ થાય છે. આ બંને રાજ્યમાં ગઈ સીઝન કરતાં આ વખતે ઉત્પાદનમાં 40 ટકા ઘટાડો થયો છે. ગયા વર્ષે જમ્મુ-કશ્મીરમાં 210 લાખ ટન સફરજનનું ઉત્પાદન થયું હતું, પરંતુ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 90 લાખ ટન સફરજનનું ઉત્પાદન થયું છે.
ખરાબ ક્વૉલિટી
જેટલું ઉત્પાદન થયું છે, તેમાંથી માત્ર 30 ટકા સફરજન A ગ્રેડના છે જ્યારે બાકીનો માલ B અને C ગ્રેડનો છે. ઊંચા ભાવ માત્ર A ગ્રેડના એપલના મળી રહ્યાં છે જ્યારે B અને C ગ્રેડના એપલ સસ્તાં ભાવે વેચાઈ રહ્યાં છે અથવા તો વેસ્ટમાં જાય છે.
ડિમાન્ડ વધી
કશ્મીરી એપલની માંગ સમગ્ર દેશમાં રહે છે અને બાંગ્લાદેશ તથા નેપાળ જેવા દેશોમાંથી પણ ઑર્ડર મળે છે. ભારતમાં ખાસ તો, અમદાવાદ, કોલકાતા, ચેન્નાઈ અને બેંગાલુરુ જેવા સેન્ટરમાં એપલની વધારે ડિમાન્ડ જોવા મળે છે. સારી ક્વૉલિટીના સફરજનની ડિમાન્ડ વધી હોવાથી ભાવ વધ્યા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો