વૈશ્વિક બજારમાં સફેદ (White Rice) અને સેલા ચોખા (Parboiled Rice)ની કિંમત 15 મહિનાની ટોચે પહોંચી ગઈ છે. એક ટન ચોખાનો ભાવ 700 ડૉલરની નજીક પહોંચી ગયો છે. 20 જુલાઈથી આંતરરાષ્ટ્રીય બજારમાં ચોખાના ભાવ ભડકે બળી રહ્યાં છે, કારણ કે, ભારતે 20 જુલાઈએ સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હતો. તેના એક સપ્તાહ બાદ ભારતે સેલા ચોખાની નિકાસ પર 20 ટકા ડ્યુટી લાદી હતી. ત્યારબાદ સરકારે બાસમતી ચોખાની નિકાસ કરવા માટે લઘુત્તમ 1,200 ડૉલરની ભાવ મર્યાદા બાંધી હતી. આમ, ભારતે ભરેલા આ પગલાંને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ચોખાના ભાવનો ફુગાવો સતત વધી રહ્યો છે. ઓગસ્ટમાં ખાદ્ય ચીજોના ભાવ હળવા થયા હતા પરંતુ ચોખાના ભાવ જુલાઈની તુલનાએ 9.8 ટકા વધી ગયા હતા.
ચિંતાનું કારણ
વિશ્વના અનેક દેશોમાં ચોખા ખવાય છે. અંદાજે 3 અબજ લોકો ચોખા આરોગે છે. ચોખા વિશ્વની એક મહત્ત્વની ખાદ્ય ચીજ છે. કોવિડ મહામારી આવી ત્યારથી ચોખાના ભાવ વધી રહ્યાં છે. રશિયા-યુક્રેન યુદ્ધને લીધે પણ ચોખાના ભાવ વધ્યા છે. ઓછામાં પૂરું અલ નીનો સક્રિય થવાથી ઘણા દેશો દુકાળનો સામનો કરી રહ્યાં છે અને ચોખાની ખેતી પર અસર પડી છે, એટલે ચોખાના ભાવમાં તેજીનો તખ્તો ગોઠવાયો છે. હવે ભારતે પણ નિકાસ પર પ્રતિબંધ લાદ્યા હોવાથી મોંઘવારીની આગ વધુ વિકરાળ બની છે અને ભાવ 700 ડૉલરને આંબવાની તૈયારીમાં છે. વિશ્વમાં ચોખાની નિકાસમાં ભારતનો હિસ્સો 40 ટકા છે અને ભારતના નિકાસ પ્રતિબંધો ક્યાં સુધી ચાલુ રહેશે તેની કોઈ સ્પષ્ટતા ન હોવાથી સપ્લાય ખોરવાઈ જવાની બીક ઊભી થઈ છે. અન્ય દેશો પણ ભારતની જેમ પ્રતિબંધ મૂકે તેવી ચિંતા ઊભી થઈ છે અને આ બધી ચિંતાની વચ્ચે તેમણે ઊંચા ભાવે નિકાસ કરવાનું ચાલુ રાખ્યું છે.
થાઈલેન્ડમાં સેલા ચોખાની નિકાસ કિંમત સૌથી વધારે
વૈશ્વિક માર્કેટમાં સફેદ ચોખા અને સેલા ચોખાની કિંમત 670-690 ડૉલરની રેન્જમાં પહોંચી ગઈ છે. Bulk Logicsના ડિરેક્ટર વી.આર. વિદ્યાસાગરના કહેવા પ્રમાણે, થાઈલેન્ડ તેના સેલા ચોખા માટે પ્રતિ ટન 670થી 690 ડૉલરનો ભાવ મૂકી રહ્યો છે જ્યારે 20 ટકા એક્સપોર્ટ ડ્યૂટી સાથે ભારતના સેલા ચોખાનો ભાવ 500 ડૉલર ફ્રી ઑન બોર્ડ છે. ભારતમાં સેલા ચોખાની કિંમતમાં ઘટાડો થયો હોવાથી ભારતના સેલા ચોખાનો ભાવ ઓછો આંકવામાં આવે છે. જુલાઈ મહિનામાં ભારતમાં સેલા ચોખાની કિંમત પ્રતિ ટન 39,000 રૂપિયાથી ઘટીને 32,000 રૂપિયા થઈ ગઈ હતી.
ચોખાના વેપારીઓ જણાવે છે કે, ભારતે ચોખાની નિકાસ અટકાવવા માટે વિવિધ પગલાં ભર્યાં હોવાથી ઘણા દેશ અને ખાસ તો દક્ષિણ-એશિયાના દેશ પર અસર પડી છે. ફિલાપાઈન્સ અને મલેશિયા જેવા દેશો પર મહત્તમ અસર પડી છે.
Published September 8, 2023, 17:19 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો