Money9 Gujarati:
ખરીફ સીઝનનો મુખ્ય પાક ગણાતા ચોખા આ વખતે ખરાબ હવામાનનો ભોગ બન્યાં હતા અને હવે તેની સરકારી ખરીદી પણ ધીમી ગતિએ આગળ વધી રહી છે. ચોખાની સરકારી ખરીદીમાં ઘટાડો નોંધાયો છે. ફૂડ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા (FCI) દ્વારા સરકારના બફર સ્ટૉક માટે ચોખાની ખરીદી કરવામાં આવે છે અને 15 નવેમ્બર સુધીના આંકડા મુજબ ચોખાની ખરીદી વાર્ષિક ધોરણે 4.4 ટકા ઘટી છે.
ખરીદીની સીઝન 1 ઓક્ટોબરથી શરૂ થઈ છે અને 15 નવેમ્બર સુધીમાં ચોખાની સરકારી ખરીદી 161.3 લાખ ટન નોંધાઈ છે. ઓક્ટોબરના અંત સુધીમાં આ ખરીદી 9 ટકાનો ઘટાડો દર્શાવતી હતી, પરંતુ છેલ્લાં એક પખવાડિયામાં ચોખાની સરકારી ખરીદી વધવાથી ઘટાડો થોડો ઓછો થયો છે. છે. 2022ની 15 નવેમ્બર સુધીમાં ચોખાની સરકારી ખરીદીનો આંકડો 168.75 લાખ ટન હતો.
ઉલ્લેખનીય છે કે, નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં સેન્ટ્રલ પુલ માટે 57.77 લાખ ટન ચોખાની ખરીદી થઈ હતી, જ્યારે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 54.62 લાખ ટન ચોખાની ખરીદી થઈ હતી.
પંજાબ – 108.7 લાખ ટન
હરિયાણા – 38.91 લાખ ટન
ઉત્તર પ્રદેશ – 1.57 લાખ ટન
તામિલ નાડુ – 3.63 લાખ ટન
ઉત્તરાખંડ – 2.98 લાખ ટન
છત્તીસગઢ – 2.65 લાખ ટન
તેલંગાણા – 2.26 લાખ ટન
પંજાબમાંથી ઓક્ટોબરમાં ચોખાની ખરીદી 13 ટકા ઘટી હતી. જોકે, બાદમાં ખરીદી વધવાથી 15 ઓક્ટોબર સુધીમાં 108.7 લાખ ટન ચોખા સરકારી વખારોમાં પહોંચ્યા છે, જે ગયા વર્ષના 113.70 લાખ ટન કરતાં 4.4 ટકા ઓછા છે. હરિયામાંથી 15 નવેમ્બર સુધીમાં 38.91 લાખ ટન ચોખાની ખરીદી થઈ છે, જે 2022-23ની 15 નવેમ્બર સુધીના 38.93 લાખ ટન કરતાં માત્ર 0.1 ટકા ઓછા છે. ઉત્તર પ્રદેશમાંથી ચોખાની ખરીદી 34 ટકા ઘટીને 1.57 લાખ ટન થઈ છે જ્યારે તામિલ નાડુમાં ખરીદી 37 ટકા ઘટીને 3.63 લાખ ટન થઈ છે. તેલંગાણામાંથી ગયા વર્ષે માત્ર 4,000 ટન ખરીદી થઈ હતી, જેની સામે આ વખતે 15 નવેમ્બર સુધીમાં 2.26 લાખ ટન ચોખાની ખરીદી થઈ છે. છત્તીસગઢમાંથી સરકારી ખરીદી 2.65 લાખ ટન થઈ છે.
સરકારનો ટાર્ગેટ
સરકારે 2023-24 ખરીફ સીઝન (ઓક્ટોબરથી સપ્ટેમ્બર) માટે 521.27 લાખ ટન ચોખાની ખરીદીનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. કૃષિ મંત્રાલય અનુસાર, ચાલુ ખરીફ સીઝનમાં ખરીફ ચોખાનું ઉત્પાદન 4 ટકા ઘટીને 10.631 કરોડ ટન થવાનો અંદાજ છે. ગઈ ખરીફ સીઝનમાં ચોખાના ઉત્પાદનનો આંકડો 11.051 કરોડ ટન રહ્યો હતો.
હવામાને બગાડી બાજી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચોમાસાની સીઝનમાં ઓગસ્ટમાં સૌથી ખરાબ વરસાદ થવાથી મોટા ભાગનાં રાજ્યોમાં ડાંગરની ખેતી પર અસર પડી હતી. કેટલાક જિલ્લાનાં ખેડૂતોએ બીજી વખત ડાંગરનું વાવેતર કર્યું હોવાથી ત્યાંથી આવકમાં વિલંબ થયો છે.
ટેકાનો ભાવ
સરકારે ચોખાનો લઘુતમ ટેકાનો ભાવ (MSP) જૂન મહિનામાં પ્રતિ ક્વિન્ટલ 2,183 રૂપિયા નક્કી કર્યો હતો જ્યારે A ગ્રેડના ચોખાની MSP 2,203 રૂપિયા રાખી હતી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો